રાજકોટમાં દિલધડક સ્ટંટ વધ્યા:ગણેશવિસર્જન માટે નીકળેલા યુવાનોએ રેસકોર્સ રિંગ રોડ પર મોપેડ પર ઊભા રહી રોફ જમાવ્યો, વીડિયો વાઇરલ

રાજકોટ21 દિવસ પહેલા

સોશિયલ મીડિયામાં ફોલઅર્સ વધારવા માટે યુવાનો અવનવાં કરતબો કરતા હોય છે. ક્યારેક તો એવા ખેલ કરવામાં આવે છે, જેમાં ખેલ કરનારની તો જિંદગી જોખમાય છે, પરંતુ તેની પાસેથી પસાર થતા લોકો પર જોખમ ઝળૂંબવા લાગે છે. આવો જ વધુ એક વીડિયો ફરતો થયો હતો, જેમાં રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર ગણેશવિસર્જન માટે નીકળેલા યુવાનો પૈકી બે યુવાને ચાલુ મોપેડે ઊભાં રહી હાથ ઊંચા કરી રોફ જમાવ્યો હતો. જોકે આ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

યુવાનો રેલીસ્વરૂપે જોડાયા હતા
રાજકોટનો રેસકોર્સ રિંગ રોડ જોખમી સ્ટંટ કરવા માટેનું મુખ્ય કેન્દ્રસ્થાન હોય એમ અવારનવાર આ રસ્તા પર યુવાનો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે જિંદગી જોખમમાં મૂકી જોખમી સ્ટંટ કરતા નજરે પડતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે. ગઈકાલે એચ.એન. શુક્લ કોલેજ ગ્રુપ દ્વારા ગણપતિવિસર્જનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિસર્જન સમયે જતા મોટી સંખ્યામાં યુવાનો રેલીસ્વરૂપે જોડાયા હતા. તે પૈકી બે યુવાન ઉત્સાહમાં આવી મોપેડ પર ઊભા રહી જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા.

બે દિવસ પહેલાં પણ વીડિયો વાઇરલ થયો હતો
રેસકોર્સ રિંગ રોડ પર પટેલ આઇસક્રીમ નજીક સામેના રસ્તા તરફ પહોંચ્યા એ સમયે GJ-03-MF-6182 નંબરના એક્સેસ મોટરસાઇકલ પર સવાર યુવાનોમાં પાછળ બેઠેલા યુવાન સીટ પર ઊભા રહી જોખમી સ્ટંટ કરતા હતા, જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. થોડા દિવસ પહેલાં આ જ જગ્યાએ રાત્રિના સમયે બાઇક પર ઊભા રહી જોખમી સ્ટંટનાં વાઇરલ વીડિયો અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે વાઇરલ વીડિયો અંગે ગુનો નોંઘી સ્ટંટ કરતા જયદીપ વશનાણી અને રોહન પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...