તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટની મહિલાનો જુસ્સો:ધોરણ 10 ફેલ મંજુલાબેને લોન પર શરૂ કર્યો હતો ખાખરાનો ધંધો, સંઘર્ષનાં 9 વર્ષ બાદ આજે 35 મહિલાને રોજગારી આપે છે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાખરા બનાવતી સખી મંડળની બહેનોની તસવીર - Divya Bhaskar
ખાખરા બનાવતી સખી મંડળની બહેનોની તસવીર
  • વિવિધ શહેરોમાં દુકાને દુકાને ફરીને જાતે જ ખાખરાનું માર્કેટિંગ કર્યું
  • જામનગરની મહિલાએ પગભર થવા માટે સખી મંડળી શરૂઆત કરી, આજે બે યુનિટ ચલાવે છે

‘દુનિયા શું કહેશે તેનો વિચાર કર્યા વિના મનને ગમતું કાર્ય કરવામાં ક્યારેય પીછેહઠ ન કરી એટલે જ આજે અહીં સુધી પહોંચી છું’ આ શબ્દો છે ધો.10 નાપાસ મંજુલાબેન ચીખલિયાના. એક સમયે રોજગારીની શોધમાં નીકળેલા આ મહિલા આજે જામનગરના કાલાવડમાં ‘કૃતિ ખાખરા’ના બે યુનિટ ચલાવે છે અને 35 મહિલાઓને રોજગારી આપે છે.

કાલાવડના જીવાપર ગામમાં રહેતા મંજુલાબેન ચીખલિયા 9 વર્ષ પહેલા સખી મંડળમાં જોડાયા બાદ નક્કી કર્યું કે, હવે રોજગારીની શોધમાં મારે બીજા પાસે નહીં, પરંતુ બીજાને હું રોજગારી આપી શકુ તેવું કાર્ય કરવું છે. આ એક વિચાર બાદ મંજુલાબેને પોતાનો ખાખરાનો વ્યવસાય શરૂ કરવા નક્કી કર્યું. પરંતુ આ માટે થોડા રોકાણ માટેની પણ મુડી નહોતી. જોકે કે તેમ છતાં આ મહિલાએ હિંમત ન હારી અને લોન મેળવી ખાખરાનો ધંધો શરૂ કર્યો. શરૂઆતમાં રોજ 10 કિલો ખાખરા બનાવતાં. પરંતુ બાદમાં વેચાણ ન થતાં વધુ એક પડકાર ઉભો થયો. તેમ છતાં પીછેહઠ ન કરી અને આજે આ મહિલા રોજના 250 કિલોથી વધુ ખાખરા બનાવી વેચાણ કરે છે. એક મહિલાથી શરૂ થયેલા આ ગૃહઉદ્યોગના આજે બે યુનિટ ધમધમે છે જેમાં 35 મહિલાઓને રોજગારી મળે છે.

મહિલાઓને રોજગારી મળે તે માટે મશીનનો ઉપયોગ નહીં
કાલાવડ ખાતે મંજુલાબેનના ખાખરાના બે યુનિટ ચાલે છે. જેમાં કોલેજમાં ભણતી યુવતીઓ સહિત કુલ 35 મહિલાઓને રોજગારી મળે છે. જો આ યુનિટમાં મશીનરીનો ઉપયોગ કરવામાં આવે તો અનેક મહિલાઓની રોજગારી છિનવાઈ જાય, તેવા ઉમદા વિચારથી ખાખરા બનાવવા માટે મશીન ઉપયોગમાં નથી લેવાતા. આ મહિલાના સંઘર્ષના સાક્ષી ડિમ્પલબેન ગાલોરીયા કહે છે કે, ખાખરાના ઉદ્યોગથી આ વિસ્તારની મહિલાઓને ઘર આંગણે રોજગારીના દ્વાર ખુલ્યા છે.

ગુજરાત ઉપરાંત બેંગલુરુ સુધી ખાખરા લોકપ્રિય
મંજુલાબેન ચીખલિયા માત્ર ખાખરા બનાવે છે એવું નથી. ખાખરા બની ગયા બાદ તેને લોકો સુધી પહોંચાડવા માટે પણ સંઘર્ષ કરવા પડ્યો છે. આ માટે મહિલા અનેક શહેરોની દુકાને દુકાને ફર્યા અને ખાખરાનું માર્કેટિંગ કર્યું. અથાક મહેનતના પરિણામે આજે ગુજરાત ઉપરાંત બેંગલુરુ સહિતના અનેક શહેરોના લોકોને મંજુલાબેનના ખાખરાનો સ્વાદ દાઢે વળગ્યો છે.