જનેતાના પ્રેમી પર ખાર:રાજકોટના શાપર-વેરાવળમાં માતાના પ્રેમી પર સગીર પુત્રએ છરીથી ખૂની હુમલો કરતા ગંભીર ઇજા, ધરપકડ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • માતા સાથે રાજકોટના શખસને પાંચ વર્ષથી પ્રેમ સંબંધ

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર શાપર-વેરાવળમાં માતાના પ્રેમી ઉપર સગીરે છરીથી ખૂની હુમલો કર્યો હતો. જેમાં પ્રેમીને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે ખૂની હુમલો કરનાર સગીર પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માતાના પ્રેમીને પેટમાં અને હાથમાં ગંભીર ઇજા પહોંચી
પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળમાં બુદ્ધનગરમાં રહેતા સગીરે તેની માતા સાથે પ્રેમ સંબંધ રાખનાર ભરત કેશુભાઇ ચૌહાણ (રહે. નવા થોરાળા શાળા નં.29ની પાછળ રામનગર-2) ઉપર છરીથી ખૂની હુમલો કરતા ભરતને પેટમાં તથા જમણા હાથમાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે. પોલીસના જણાવ્યા મુજબ સગીરની માતા સાથે રાજકોટના ભરત ચૌહાણને પાંચ વર્ષથી પ્રેમ સંબંધ છે. જેનો ખાર રાખી ગઇકાલે સગીર પુત્ર છરી સાથે ભરત ઉપર તૂટી પડ્યો હતો.

પોલીસે ગણતરીની કલાકોમાં જ સગીર આરોપીની ધરપકડ કરી
આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ભરતના ભાઇ દેવજીભાઇની ફરિયાદ ઉપરથી શાપર-વેરાવળ પોલીસે આરોપી સગીર સામે 307 તથા 323 સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. શાપર-વેરાવળના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે ગણત્રીના કલાકોમાં જ આરોપી સગીરને સકંજામાં લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.