આંખે દેખ્યો અકસ્માત:90ની સ્પીડે આવતીકાર 8-10 ફૂટ ઊછળી હતી, ડિવાઇડર કૂદી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી: ST ડ્રાઇવર

રાજકોટ2 વર્ષ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • કૉપી લિંક
JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢવામાં આવી હતી. - Divya Bhaskar
JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢવામાં આવી હતી.
  • 4નાં મોત, 52 મુસાફરોના જીવ તાળવે
  • રક્ષાબંધન પૂર્વે અકસ્માતમાં ભાઈએ બહેન અને બહેને ભાઈ ગુમાવ્યો
  • મૃતક વિદ્યાર્થીઓના પરિવારને સહાય આપવા રાજકોટ જિલ્લા NSUIની માગ

રાજકોટના કાલાવડ રોડ પર વડવાજડી ગામ નજીક ગઇકાલે બપોરના 1 વાગ્યા આસપાસ ST બસ અને મોટરકાર વચ્ચે થયેલા અકસ્માતમાં રાજકોટની હોમિયોપેથી કોલેજના ચાર વિદ્યાર્થીનાં કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. આ સમયે 90થી વધુ સ્પીડે આવતી કાર ડિવાઇડર કૂદી રોડની બીજી તરફ રોકેટની જેમ આવી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઇ હોવાનું નજરે જોનાર બસચાલક મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓના જીવ જતાં ખૂબ દુઃખ થઈ રહ્યું છે
આ અંગે ડ્રાઇવર મહેન્દ્રસિંહ જાડેજાએ Divybhaskar સાથે વાતચિત કરતા વધુમાં જણાવ્યું હતું કે ગાડી 8થી 10 ફૂટ ઊંચેથી આવતી હતી જો મેં બ્રેક ન મારી હોત તો કદાચ આ કાર બસની ડ્રાઇવર કેબિન સુધી ઘૂસી જાત. છેલ્લાં 27 વર્ષથી એસટીમાં કંડકટર તરીકે નોકરી કરું છું. મેં મારી નોકરીના સમય દરમિયાન નાનું જીવડું પણ માર્યું નથી ત્યારે આવડો મોટો અકસ્માત થતાં 4 વિદ્યાર્થીના જીવ જતાં ખૂબ દુઃખ થઇ રહ્યું છે. હજુ પણ એ દૃશ્યો ભુલાતાં નથી. માનસિક સ્થિતિ સારી ન હોવાથી રજા પર ઊતરી ગામડે આવી ગયો છું.

આદર્શની કાર નિશાંત ચલાવતો હતો
રાજકોટમાં ગોંડલ રોડ પર મક્કમ ચોકમાં આવેલી રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજનાં 15 વિદ્યાર્થી પોતપોતાનાં વાહનોમાં ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાલીમ લેવા માટે ગયા હતા. આરોગ્ય કેન્દ્ર અને ગ્રામપંચાયતની મુલાકાત લઇ બપોરે 1 વાગ્યે તમામ વિદ્યાર્થીઓ પરત રાજકોટ આવવા નીકળ્યા હતા. આ સમયે હોમિયોપેથીના વિદ્યાર્થીઓ નિશાંત નીતિનભાઇ દાવડા, આદર્શભારથી પ્રવીણભારથી ગોસ્વામી, સીમરન ગીલાણી, કૃપાલી ચેતનભાઇ ગજ્જર અને ફોરમ હર્ષદભાઇ ધ્રાંગધરિયા આદર્શભારથીની કારમાં બેસી રાજકોટ કોલેજે પરત આવવા નીકળ્યા હતા. આદર્શ ગોસ્વામીની કાર તેનો સાથી વિદ્યાર્થી નિશાંત દાવડા ચલાવતો હતો.

JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી.
JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી.

કૃપાલી ગજ્જરની હાલત ગંભીર
કાર હાઇવે પર વાજડી ગામ પાસે પહોંચી હતી ત્યારે કારચાલક નિશાંત દાવડાએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇર સાથે અથડાઇને ઊલળીને સામેના રસ્તા પર ફંગોળાઇ હતી. રાજકોટથી કાલાવડ તરફ જઈ રહેલી એસટી બસ સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં કારનો કડૂસલો બોલી ગયો હતો. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા. કારચાલક નિશાંત દાવડા અને આદર્શભારથીનાં સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ઘવાયેલા અન્ય ત્રણને તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફોરમ ધ્રાંગધરિયા અને સીમરન ગિલાણીએ પણ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો, જ્યારે કૃપાલી ગજ્જરની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

કારનું સ્પીડોમીટર 90 કિમી પર ચોંટેલું નજરે પડ્યું હતું
બસચાલક મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 50ની સ્પીડથી બસ રાજકોટથી કાલાવડ તરફ જતા સમયે વાજડી ગામ નજીક 2 ફૂટના ડિવાઇડર કૂદી 90થી વધુ ઝડપે આવી રહેલી કાર સીધી બસ સાથે ધડાકાભેર અથડાઇ હતી. કાર ઊડીને આવતાં જ બસ ત્યાં જ ઊભી રહી ગઇ હતી. એ સમયે બસમાં કુલ 51 મુસાફરો હતા, જે તમામના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. ઓમાંથી બસમાં સવાર બે મુસાફર કાલાવડના યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ તથા જીવુબેન નામના વૃદ્ધાને ઇજા થતાં તેમને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસચાલકે અકસ્માત બાદ બસમાંથી ઊતરી જોતાં કારનું સ્પીડોમીટર 90 કિમી પર ચોંટેલું નજરે પડ્યું હતું.

રક્ષાબંધન પૂર્વે અકસ્માતમાં ભાઈએ બહેન અને બહેને ભાઈ ગુમાવ્યો
રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર નંદાહોલ પાસેના ભારતીનગરમાં રહેતી ફોરમ ધ્રાંગધરિયા હોમિયોપેથીમાં અભ્યાસ કરતી હતી અને તે એક ભાઇની એકની એક બહેન હતી, તેના પિતા સુથારીકામ કરે છે. ફોરમના આકસ્મિક મૃત્યુની જાણ થતાં દાવડા પરિવારના સભ્યો હોસ્પિટલે દોડી ગયા હતા, પુત્રીના નિધનથી પરિવારજનો શોકમાં ડૂબી ગયાં હતાં. રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસ જ બાકી છે ત્યારે એકની એક બહેન ફોરમે હંમેશાં માટે વિદાય લેતા તેના ભાઈએ કરેલા આક્રંદથી હાજર લોકોનાં અશ્રુ સરી પડ્યાં હતાં.

મૃતકોના પરિવારને સહાય આપવા NSUIની માગ.
મૃતકોના પરિવારને સહાય આપવા NSUIની માગ.

એકના એક પુત્રને ડોક્ટર બનાવવા ઇચ્છતા હતા
જ્યારે કારચાલક નિશાંત દાવડા એક બહેનનો એકનો એક ભાઈ હતો, તેના પિતા નીતિનભાઇ દાવડા મેડિકલ સ્ટોર ચલાવે છે. મેડિકલ સ્ટોર સંચાલક નીતિનભાઇ પોતાના એકના એક પુત્રને ડોક્ટર બનાવવા ઇચ્છતા હતા. નિશાંત હોમિયોપેથીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. એક વર્ષમાં પુત્ર ડોક્ટર બની જશે એવાં અનેક સ્વપ્ન દાવડા પરિવારના સભ્યો સેવી રહ્યા હતા. આ વર્ષે ભાઇ ડોકટર બની દર્દીઓની સેવા કરી સમાજને મદદરૂપ બનશે એવા રક્ષાબંધનના આશીર્વાદ માત્ર સપનામાં ફેરવાઇ જતાં બેનની આંખમાંથી આંસુ પણ સુકાઈ નથી રહ્યાં.

ક્રેનથી કાર કાઢી, જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા.
ક્રેનથી કાર કાઢી, જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા.

મૃતકોના પરિવારને સહાય આપવા NSUIની માગ
અકસ્માતમાં ભોગ બનનાર હતભાગી નિશાંત આદર્શભારથી અને ફોરમ ફાઇનલ યરમાં, જ્યારે સીમરન ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગંભીર રીતે ઘાયલ કૃપાલી પણ ફાઈનલ યરમાં અભ્યાસ કરતી હતી. ત્યારે આજ રોજ રાજકોટ જિલ્લા NSUI દ્વારા મૃતકોના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માગ કરી હતી.