એજ્યુકેશન:ધો. 5થી જ બાળકોને UPSCની તૈયારી કરાવાશે, પ્રવેશ પરીક્ષા લેવાશે, 400ને નિ:શુલ્ક ટ્રેનિંગ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • GSES જુનિયર UPSC અંતર્ગત આયોજન: IAS-IPS અધિકારીઓ પણ માર્ગદર્શન આપવા આવશે

સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલથી જ આઈએએસ-આઈપીએસની તૈયારી કરે તે માટે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા GSES (ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સ સિસ્ટમ) જીઓ જુનિયર યુપીએસસી કોચિંગનું આયોજન કર્યું છે.

ધોરણ 5થી જ સ્કૂલ લેવલથી જ બાળકો યુપીએસસીના વિષયો જાણતા અને સમજતા થાય અને પરીક્ષાની તૈયારી પ્રાથમિક લેવલથી જ શરૂ થઇ જાય તે માટે આ સંસ્થા દ્વારા ધોરણ 5થી 10ના કુલ 400 બાળકને આખું વર્ષ વિનામૂલ્યે તાલીમ આપશે. આ તાલીમ દરમિયાન રાજકોટ કે રાજ્યના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પણ કોચિંગમાં આવશે અને બાળકોને માર્ગદર્શિત કરશે.

સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ નાનપણથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સક્ષમ બને તે માટે નિ:શુલ્ક ધોરણે કોચિંગ વર્ગોનું આયોજન કરાયું છે જેમાં રાજકોટના શ્રેષ્ઠ શિક્ષણવિદો સેવા આપશે. બાળકોને ભારતનો ઈતિહાસ, ભારતની ભૂગોળ, વિજ્ઞાન અને ભારતનું બંધારણ સહિતના વિષયોનું પ્રાથમિક જ્ઞાન અપાશે. સાંજે દોઢ કલાકના આ વર્ગો દરમિયાન વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. સંસ્થા રાજકોટ અને સૌરાષ્ટ્રના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને મહિનામાં એક વખત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આમંત્રિત કરાશે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના યુપીએસસી સેન્ટરમાં પણ સ્નાતક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુપીએસસીની તાલિમ નિ: શુલ્ક અપાય છે. ક્યારેક દિલ્હીથી નિષ્ણાંતો અહીં આવીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.

ઈન્ટરવ્યૂની પણ પ્રેક્ટિસ કરાવાશે
ધો. 5થી 10ના વિદ્યાર્થીઓમાં ઈન્ટરવ્યૂની સ્કિલનો પણ વિકાસ થાય તે માટે ઈન્ટરવ્યૂની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. કોચિંગ સેન્ટરમાં નિષ્ણાત શિક્ષકો વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યૂનું સામાન્ય જ્ઞાન, તેમાં ધ્યાન રાખવાની બાબતો, સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો, કેવી રીતે જવાબ આપવા સહિતની બાબતો શીખવશે.

પ્રવેશ પરીક્ષા લેવાશે, તેમાંથી 400 બાળક ટ્રેનિંગ માટે પસંદ કરાશે
પ્રોગ્રામ હેઠળ પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ સૌથી પહેલા www.gsesrajkot.org ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ ધોરણ 5થી10ના ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના કુલ 400 બાળક પસંદ કરવા માટે પ્રવેશ પરીક્ષા લેવાશે. આ પરીક્ષા તારીખ 28 ઓગસ્ટને રવિવારે સવારે 11થી 2 દરમિયાન લેવાશે. પરીક્ષા લેવાયા બાદ તેમાંથી ટોપ-400 બાળકને આખું વર્ષ નિ:શુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ અપાશે.

અન્ય સમાચારો પણ છે...