ST બસ નહીં, ધક્કાગાડી:રાજકોટના ત્રિકોણબાગ ચોકમાં ST બસ બંધ પડતા મુસાફરોએ ધક્કા મારવા પડ્યા, વીડિયો વાઇરલ

રાજકોટ3 મહિનો પહેલા
ST બસ બંધ પડતા મુસાફરોએ ધક્કો મારવો પડ્યો.

સલામત સવારીનાં સ્લોગન સાથે ચાલતું ST તંત્ર અવારનવાર વિવાદોમાં આવતું હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટનાં ત્રિકોણબાગ ચોકમાં ST બસ બંધ પડી ગઈ હતી. ST બસ બંધ પડતાં મુસાફરો સહિત લોકો દ્વારા ધક્કા લગાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવતા ‘સલામત સવારી’નાં STનાં સ્લોગન સામે પણ સવાલો ઉઠ્યા છે.

500 મીટર ચાલતા જ બસ બંધ પડી
જાણવા મળતી વિગત અનુસાર, ST વિભાગની જામનગર-રાજકોટ-જામનગર રૂટની બસ નંબર GJ-18-Z-2777 બસપોર્ટ પરથી 500 મીટર દૂર આવેલા ત્રિકોણબાગ ચોક નજીક અચાનક જ બંધ પડી ગઈ હતી. બસ બંધ થતાં રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. દરમિયાન મુસાફરો સહિતનાં લોકોએ બસ ચાલુ કરવા માટે ધક્કા મારવાની ફરજ પડી હતી. આ ઘટનાને કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મુસાફરોએ ST બસને ધક્કા માર્યા હોવાનું અને ડ્રાઇવર બસને ઉપાડવાનો પ્રયાસ કરતો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.

ST બસ બંધ પડતા મુસાફરો પરેશાન થયા.
ST બસ બંધ પડતા મુસાફરો પરેશાન થયા.

બસની ગુણવત્તા સુધારવા માગ
સમગ્ર મામલે મુસાફરોએ જણાવ્યું હતું કે, તેઓ ST બસપોર્ટ ખાતેથી જામનગર જવા બેઠા હતા. પરંતુ થોડીવારમાં જ ત્રિકોણબાગ પાસે પહોંચતા બસ બંધ પડી હતી. જેને લઈને ધક્કા મારી ચાલુ કરવા પ્રયાસો કરવા છતાં બસ ચાલુ થઈ નહોતી. હાલ બીજી બસ મંગાવવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે બીજી બસ ક્યારે આવશે અને આવશે કે નહીં તેની કોઈ ખાતરી નહીં હોવાનો આક્રોશ પણ મુસાફરોએ ઠાલવ્યો હતો. સાથે ST વિભાગ દ્વારા સમયાંતરે ભાડામાં વધારો કરવામાં આવે છે પણ બસની ગુણવત્તા સુધારવામાં નહીં આવતી હોવાનો આરોપ પણ લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...