તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.નો ચોંકાવનારો સર્વે:ગામડાં અને શહેરોમાં કોરોનાના સુપર સ્પ્રેડર કિશોરથી માંડી યુવાનો બન્યા, 15થી 25 વર્ષના અધધધ... 49% સંક્રમિત

રાજકોટ3 મહિનો પહેલા
  • કંઈ કામ ન હોય તો પાનના ગલ્લે પાન-માવા ખાવા ભેગા થવું અને મિત્રો સાથે ગપાટા મારવાની ટેવ

કોરોના મહામારી વિસ્તરતી જ જાય છે. સરકાર દ્વારા લાદવામા આવતી ગાઈડલાઈન્સ, પોલીસતંત્રનાં નિયંત્રણો, બંધ સ્કૂલો, નાની દુકાનથી માંડી મોટા મોટા ઉદ્યોગો બંધ છતાં આ બીમારી અટકવાનું નામ લેતી નથી. એની પાછળનુ કારણ શું? આવા પ્રશ્નોને અનુલક્ષીને આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ચોંકાવનારાં કારણો સામે આવ્યાં છે. આમાં ગામડાં અને શહેરોમાં બેજવાબદાર લોકો કોરોનાના સુપર સ્પ્રેડર બન્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે 15થી 25 વર્ષના યુવાનોમાં કોરોનાનું પ્રમાણ 49 ટકા જોવા મળ્યું છે, જેઓ પરિવાર અને સમાજ માટે સુપર સ્પ્રેડર બન્યા છે.

યુવાનો પાનના ગલ્લે ગપાટા મારતા જોવા મળ્યા
કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. કોવિડ-19 રોગચાળો પહેલાંથી વધુ પ્રમાણમાં ચેપગ્રસ્ત લોકો અને વિશ્વમાં ફેલાતો રહ્યો હોવાથી આપણા ચેપી રોગના નિષ્ણાતોની કેટલીક સલાહ છે કે ઘરે રહો, સુરક્ષિત રહો, પરંતુ આપણી અમુક પરંપરાગત માન્યતાઓ, ધાર્મિક મેળાવડાઓ, સારા-નરસા પ્રસંગમાં ભેગા થવું, કંઈ કામ ન હોય તો પાનના ગલે ફાકી-પાન-માવા ખાવા ભેગા થવું અને મિત્રો સાથે ગપાટા મારવા જેવી આપણી માનસિકતાને કારણે કોરોનાને સ્પ્રેડ થવા માટે અનુકૂળ વાતાવરણ આપણે પૂરું પાડી રહ્યા છે.

કોરોના સુપર સ્પ્રેડર એટલે શું?
જ્યારે કોઈ કોરોનાગ્રસ્ત વ્યક્તિ કે જૂથ અસામાન્ય રીતે મોટી સંખ્યામાં અન્ય લોકોને સંક્રમિત કરે છે ત્યારે તે એક વ્યક્તિ કે જૂથ કોરોના સુપર સ્પ્રેડર છે એવું કહી શકાય, સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ વધુ લોકોના સંપર્કમાં જે વ્યક્તિ આવે છે તે પણ સુપર સ્પ્રેડર થઈ શકે છે. આ સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે જે લોકો બિનજરૂરી રીતે આંટાફેરા મારે છે, પોતાને કોરોનાનાં લક્ષણો છે તેને જાણ હોવા છતાં અન્ય લોકો સાથે સંપર્ક બનાવી રાખે છે, સમયસર સારવાર કે ચેકઅપ ન કરાવીને ઘરના અન્ય સભ્યોને બીમાર કરે છે, મિત્રો કે સગાં-સબંધીઓનાં ઘરે માસ્ક ન પહેરનારા લોકો કોરોના સુપર સ્પ્રેડરો છે.

કોરોના સુપર સ્પ્રેડરો
- અગત્યનાં કામનું બહાનું કરીને બહાર ફરતી તમામ વ્યક્તિઓ
- કોરોનાનો અંત આવે એ માટે ધાર્મિક મેળાવડા યોજાય છે
- દેહાંત વિધિઓમા મોટા પ્રમાણમાં એકત્ર થવું
- પોતે કોરોનાગ્રસ્ત છે છતાં અન્ય લોકોને મળવું
- ગાઇડલાઇન્સ મુજબ નિયમોનુ પાલન ન કરનારા તમામ લોકો
- લગ્નપ્રસંગ અથવા પાર્ટીઓમાં એકત્ર થનારા લોકો
- આવી પરિસ્થિતિમાં ફોટો શૂટ કરવા નીકળતા મિત્રોનાં જૂથો

યુવાનો ઈમોશનલ બહાનાં કરીને પરિવારને છેતરીને બહાર બે રોકટોક ફરી રહ્યા છે
આ સર્વે પ્રમાણે સૌથી વધુ સુપર સ્પ્રેડર જો કોઈ હોય તો ટીનએજ બાળકો અને યુવાનો છે. તેઓ જુદાં જુદાં ઈમોશનલ બહાનાં કરીને પરિવારને છેતરીને બહાર બે રોકટોક ફરી રહ્યા છે. તેમના મુખે જ બહાનાં કેવાં કરે છે એ સંશોધન સર્વેમાં અમને જાણવા મળ્યું છે. 1080 લોકો બહાર હતા તેના આધારે કંઈ ઉંમરની વ્યક્તિઓ બહાર ફરી રહી છે એમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. કેટલાક લોકો વાયરસને ખૂબ જ સરળતાથી વહન અને પ્રસારિત કરે છે. જોકે કોરોના ખૂબ વકર્યો હોવાથી હાલમાં રસ્તા પર રખડતા સુપર સ્પ્રેડરોને નિયંત્રિત કરવામાં આપણે સમર્થ નથી, તેમ છતાં કેટલીક બાબતોની કાળજી દ્વારા તેમની અસર મર્યાદિત કરી શકાય છે.

કેવા પ્રકારનાં બહાનાંઓ કરીને યુવાનો બહાર નીકળે છે
- દવા લેવા જવાનું બહાનું
- મિત્રને કામ છે અથવા મિત્રના ઘરે વાંચવા જવાના બહાનાં કરી મિત્રો સાથે ફરવા જતા રહેવું
- સેવા કરવાને બહાને
- વસ્તુ લેવાના બહાને
- પાન-ફાકીના બહાને
- ભણવાના કે ક્લાસિસના બહાનાં
- ઝેરોક્સ કરવાને બહાને
- ક્રિકેટ રમવા નીકળી જવું
- ઘણા યુવાનો મેડિકલ ઇમર્જન્સીનું કહી બહાર નીકળે
- ફ્રેશ થવા માટે બહાર જાઉં છું એવું કહી ઘણા મિત્રોને મળે છે
- મારા મિત્રને મારી ઈમર્જન્સીમાં જરૂરિયાત પડી છે તો મારે તેને મળવા જવું પડશે
- યુવાનોને કોરોનાની કોઇ નિષેધક અસરો નથી થતી
- આખો દિવસ ઘરમાં રહીને કંટાળો આવે છે
- કોરોના તો હજુ ચાલવાનો જ છે, ઘરમાં ક્યાં સુધી રહેવું? બહાર તો જવું ને?

કિશોર વયના લોકોમાં કુટુંબની જવાબદારી ઓછી હોય છે
સૌથી વધુ મોટા ભાગે 15થી 25 વર્ષની ઉંમરના યુવાનો બહાનાબાજી કરીને બહાર ફરી રહ્યા છે, જે કિશોર વયના હોય અને તેમની પર સામાજિક તેમજ કુટુંબની જવાબદારીઓ ઓછી હોય છે તેમને મનમાં એવું છે કે અમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ છે, તેથી અમને કંઇ નહીં થાય, પરંતુ ઘરના વડીલોની અથવા નાનાં બાળકોની ઈમ્યુનિટી યુવાનો જેટલી સ્ટ્રોંગ હોતી નથી, આથી તેઓ ચેપગ્રસ્ત ઝડપથી થાય છે. આવા લોકો હાથે કરીને બીમારીને નોતરું આપે છે. આવા ઘણા લોકોને કહેવામાં આવે તો સામે બોલીને વડીલોનું માનતા નથી. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં 45 સલાહકાર વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ડો.ધારા દોશી, ડો.ડિમ્પલ રામાણી અને ડો.હસમુખ ચાવડા દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે.

સર્વેમાં ધ્યાનમાં આવેલા કોરોના સુપર સ્પ્રેડરોના કિસ્સાઓ
1. યુવાન મિત્રોનું એક જૂથ ફોટો શૂટ કરતું હતું. તેમને પૂછવામાં આવ્યું કે આવી મહામારી જૂથમાં એકત્ર થઈ ફોટો શૂટ કરવું જરૂરી છે ? તેમણે જવાબ આપ્યો- સાહેબ, ક્યાંય કોરોના છે જ નહીં અને હશે તો અમે કાલ સવારે મરી જવાના છીએ તો આજે મોજથી જીવી લઈએ.
2. સાણંદમાં બનેલા પાણી ચડાવવાની ઘટના, જેમાં બહેનો માથે બેડા લઈ એક મોટા જૂથમાં એકત્ર થઈ હતી, એટલે કે અંધશ્રદ્ધા પણ ઘણે અંશે જવાબદાર છે.
3. એક શાકભાજી વેચતા ભાઇને કોરોનાનાં લક્ષણો જણાતા હતા. તેમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે ચેકઅપ કરાવો તો... તેમણે કહ્યું- ભાઇ, મારે પાંચ સંતાનો છે અને કમાવવાવાળો હું એક છું, જો હું ચેકઅપ કરાવીને દવાખાને જઈશ તો મારાં સંતાનો ભૂખ્યાં મરશે.
4. અનેક ગામડાંમાં કોરોનાને હરાવવા કરવામાં આવતાં પૂજાપાઠો, ભજન
5. શેરીના ખૂણે બધા બહુ ભેગા થાય છે તેવી ઘટનાઓ પણ સામે આવી છે. કોઈના ઘર થકી કે ત્યાં રહેતા લોકો દ્વારા કહેવામાં આવે તો મારપીટ પર ઊતરી જાય છે. વા લોકોને કેવી રીતે​​ સમજાવવા?
6. ઘણા યુવાનો ભેગા થઇ ક્રિકેટ રમે છે. તેમને પૂછવામાં આવે તો જવાબ દે છે કે ઘરમા કંટાળો આવે છે અને રમીએ તો બોડીની કસરત થઈ જાય છે, જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
7. એક ભાઈના મૃત્યુ પાછળ જો ક્રિયાકાંડ ન કરાવીએ તો મૃત્યુ પામેલી વ્યક્તિના આત્માને શાંતિ મળતી નથી. માટે ક્રિયા માટે તો બધાએ ભેગા થવું જ પડે.
8. થોડા સમય પહેલાં રાજકોટ જિલ્લાના એક ગામમાં એક પાનના ગલે 7થી 8 યુવાનો ભેગા થઇ ફાકી ખાઈને ત્યાંને ત્યાં થૂંક્યા અને ગલ્લાવાળા ભાઈએ કહ્યું, તમે લોકો દૂર ઊભા રહો, પોલીસ આવશે તો મારો વારો પડશે. તો જવાબમાં મળ્યું- અમે પૈસા દઈને વસ્તુ ખરીદીએ છીએ, મફ્તમાં નહિ, માટે અમને જવાનું ન કહી શકો.

કોરોના સુપર સ્પ્રેડરને રોકવાના ઉપાયો
- ફિજિકલ ડિસ્ટન્સ જાળવવું
- બહાર નીકળતા સમયે માસ્કનો અચૂક ઉપયોગ કરવો
- સેનિટાઈઝર હંમેશાં સાથે રાખી એનો ઉપયોગ કરવો
- બિનજરૂરી રીતે બહાર ન ફરવું
- માતાપિતાએ પોતાનાં બાળકોને ઘરે રહેવા સલાહ આપવી. એટલું જ નહીં, તેઓ તમારા વર્તનમાંથી શીખે એવું આદર્શ વર્તન કરો.
- સામાજિક મેળાવડાઓમાં સામેલ ન થવું.
- કોરોના રોગચાળો છે ત્યાં સુધી આપણે સામાજિક એકલતાને સ્વીકારવી પડશે.
- જ્યારે તમારું સંતાન બહાર જાય છે ત્યારે તે ખરેખર ક્યાં કામે બહાર જાય છે એના પર ધ્યાન આપો. તેની લાગણી સાથે કડક અને શિસ્તબદ્વ વ્યવહાર કરો..
- જો આવી ટોળકી નજરે ચડે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...