આગામી 5 ડિસેમ્બરથી રાજકોટના લોકોને ગોવા જવા માટે નવી ફ્લાઈટ મળવાની છે. ગોવામાં નવા એરપોર્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફ્લાઈટનું ઉદઘાટન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજકોટથી ગોવાની નવી ફ્લાઈટ શરું થવાની છે તો સામે બે ફ્લાઈટ 30મી સુધી કેન્સલ કરાઈ છે. જેમાં સ્પાઈસ જેટની ગોવાની અને બપોરે 11.30 વાગ્યે રાજકોટ આવતી અને 11.50ના મુંબઈ માટે જતી સોમ, બુધ, શુક્ર અને રવિવારની ફ્લાઈટ 30 નવેમ્બર સુધી કેન્સલ કરવામાં આવી છે.
ગોવાથી રાજકોટ માટે નવી ફ્લાઈટ શરૂ થશે
એરપોર્ટ સૂત્રોના જણાવ્યા મુજબ 5 ડિસેમ્બરના રોજ ઈન્ડિગો ગોવાથી રાજકોટની નવી ફ્લાઈટ શરુ કરવા જઈ રહ્યું છે. જે ફ્લાઇટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લીલીઝંડી આપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ આ ફ્લાઈટનું સત્તાવાર શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી.
એર ઈન્ડિયાની દિલ્હીની ફ્લાઈટના સમયમાં ફેરફાર
આ ઉપરાંત એર ઇન્ડિયાની 403/404 નંબરની દિલ્હીની ફ્લાઈટના સમયમાં ફેરફાર થયો છે. પહેલા આ ફ્લાઈટ બપોરે 3 વાગ્યે રાજકોટ આવી 3.30 વાગ્યે દિલ્હી જવા રવાના થતી હતી. હવે આ ફ્લાઈટ સાંજે 7.20 વાગ્યે રાજકોટ આવી 8 વાગ્યે દિલ્હી જવા રવાના થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ સાથે સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને બુસ્ટ મળે તે માટે રાજકોટ કલકતા, પુના સહિત ફ્લાઇટોની કનેક્ટિવિટી આપવામાં આવે તેવી માગ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે.
પુના-ભાવનગરની ફ્લાઈટને રાજકોટ સુધી લંબાવાઇ
આ ઉપરાંત પુના-ભાવનગરની ચાલતી સીધી ફ્લાઇટ ભાવનગરથી રાજકોટ સુધી વધારી આપવાથી રાજકોટના ઉદ્યોગકારોને પુના આવવા-જવામાં સરળતા રહે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.