રાજકોટ શહેરમાં લોકોના પાયાના પ્રશ્નોની ફરિયાદ દિન પ્રતિદિન વધી રહી છે અને તેના ઉપાય શોધવા અને શીખવા અન્ય શહેરો કે વિદેશ જવાને બદલે મનપાના શાસકો માત્ર વાહવાહી કરવા માટે વિદેશપ્રવાસ કરી રહ્યા છે અને તેનાથી લોકોને કોઈ ફાયદો થતો નથી. ગત મહિને રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ પોલેન્ડ વર્લ્ડ અર્બન ફોરમમાં ગયા હતા. રાજકોટનો સમાવેશ કેપાસિટીસ પ્રોજેક્ટમાં હોવાથી પસંદગી કરાઈ હતી. મેયરે ત્યાં જઈને રાજકોટમાં ક્લામેઈન્ટ રેઝિલિયન્ટ એક્શન પ્લાન મૂકી ગ્રીનહાઉસ ગેસ ઓછા કરવા, સાઇકલ ટ્રેક, ઈલેક્ટ્રિક વાહનો માટે મળેલા એવોર્ડની વાહવાહી કરી હતી.
અત્યારે મ્યુનિસિપલ કમિશનર લંડનમાં છે જ્યાં કોમનવેલ્થ ફૂડ કોન્ફરન્સ ચાલી રહી છે. ભારતના રાજકોટ સહિત 11 શહેરોએ ફૂડ લાઇસન્સ, રજિસ્ટ્રેશન, સર્ટિફિકેશન જેવી બાબતોમાં ઈટ સ્માર્ટ સિટી કેમ્પેનમાં પસંદ થયા બાદ લંડન મોકલાયા છે. આ બંને સ્થળે રાજકોટમાં કાગળ પર થયેલી કામગીરીની પ્રશંસા કરાશે. બીજી તરફ રાજકોટ શહેરમાં ફેબ્રુઆરી માસમાં શહેરીજનોની ફરિયાદનો આંક 27571 હતો જે જૂન માસમાં વધીને 35369 થયો છે અને 30 જુલાઈની સ્થિતિએ 34564 છે.
અને મહિનો પૂરો થતા આંક 35000ની આસપાસ જ રહે તેવી શક્યતા છે આ ઉપરાંત કુલ 1.88 લાખ ફરિયાદમાંથી 2400 કરતા વધુ હજુ પણ પેન્ડિંગ છે જ્યારે 4500 ફરિયાદને ખોટી ઠેરવી દેવાઈ છે અને 2300માં ફરિયાદનું સ્થળ નથી મળ્યું તેવું કહી દેવાયું છે. આ જોતા દર મહિને 8 ટકાના દરે ફરિયાદો વધી રહી છે. પ્રાથમિક સુવિધાઓ દેવામાં તંત્ર કથળતું જાય છે તે શીખવા માટે અન્ય શહેરો કે વિદેશ જવાની કોઇએ હજુ સુધી ઈચ્છા વ્યક્ત કરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.