રાજકોટ શહેર અને જિલ્લામાં રસ્તાઓ, જાહેર બગીચાઓ, મોલ, રેલવે તેમજ બસ સ્ટેશન પર નાના બાળકો વિવિધ વસ્તુઓ વેચતા જોવા મળે છે તેમજ કારખાનાઓમાં પણ મજૂરી કરતા જોવા મળે છે. પણ બાળમજૂરી રોકવાની જવાબદારી સંભાળનારા અધિકારીઓને જાણે દેખાતુ જ ન હોય છેલ્લા ઘણા સમયથી એકપણ બાળમજૂરનુ રેસ્ક્યુ કરાયુ નથી. જેને લઈને ચાઈલ્ડ લેબર ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠકમાં જિલ્લા કલેક્ટરે ખાસ ઝુંબેશ ચલાવવા આદેશ કરાયો છે.
કલેકટરે બેઠક દરમિયાન મજૂરી કરતા બાળકો સંદર્ભે પોલીસ ફરિયાદનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ રસ્તાઓ, ટ્રેન, રેલવે, શોપ, મોલની નજીકમાં ગેરકાયદેસર ચીજવસ્તુઓનું વેચાણ કરતા બાળકોને રેસ્ક્યુ કરવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બાળ મજૂરોને શોધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાના આદેશ આપ્યા હતા. જ્યારે મદદનીશ શ્રમ આયુક્ત અધિકારી અંકિત ચંદારાણાએ રેઇડ અને રેસ્ક્યુ, હોટસ્પોટ મેપિંગ એક્ટિવીટી અને જાગૃતિ કાર્યક્રમો માટે જાન્યુઆરીથી માર્ચ, એપ્રિલથી જૂન, જુલાઈથી સપ્ટેમ્બર અને ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાનનો એક્શન પ્લાન રજૂ કરાયો હતો.
આ પ્લાનમાં કૃષિ અને ઔદ્યોગિક વિસ્તારમાં બાળ મજૂરી રોકવાના પગલાંઓની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અનુસુચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક ચંદ્રવદન મિશ્રા, જિલ્લા બાલ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એ. પી. વાણવી, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના એએસઆઈ બકુલ વાઘેલા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે. વી. મોરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.