નોકરીની લાલચમાં સ્પામાં દુષ્કર્મ:રાજકોટમાં સ્પા-સંચાલક દંપતીએ ગ્રાહકો પાસે બળજબરીથી શરીર સંબંધ બંધાવ્યા, યુવતીને વેશ્યાવૃત્તિમાં ધકેલી

રાજકોટ3 મહિનો પહેલા

રાજકોટમાં સ્પાના ઓઠા હેઠળ અવારનવાર કૂટણખાનું ઝડપાઈ છે તેમજ ગોરખધંધા ચાલતા હોવાના બનાવ સામે આવે છે. ત્યારે જેતપુરના સ્પા-સંચાલક રાજકોટના દંપતીને મોલમાં એક યુવતી સાથે પરિચય થયા બાદ તેને નોકરી આપવાની લાલચ આપી હતી. સ્પા-સંચાલક શખસે એક દિવસ અચાનક લોન્ગ ડ્રાઇવ પર જવાનું કહી યુવતીને જેતપુર આવેલા પોતાના એ.બી. સ્પામાં લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાદ દંપતીએ અન્ય બે-ત્રણ ગ્રાહકોને બોલાવી બળજબરીથી શરીર સંબંધ બંધાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
રાજકોટ શહેરમાં રહેતી 22 વર્ષીય યુવતીએ મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં 150 ફૂટ રિંગ રોડ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ત્રિનેત્રી બિલ્ડિંગ સામે નયનતારા મકાનમાં રહેતા આશિષ દિનેશભાઈ મારડિયા અને તેમનાં પત્ની અલ્પાબેન મારડિયાનું નામ આપતાં તેની સામે IPC કલમ 376(1),506,114 અને ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્સન એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

યુવતી પહેલા બ્યૂટિપાર્લર ચલાવતી હતી
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે બ્યૂટિપાર્લર ચલાવતી અને પરિવારને મદદરૂપ થતી હતી તેમજ હાલ પરિવાર સાથે રહે છે. તેને ચારેક મહિના પહેલાં કાલાવડ રોડ આવેલ ડી-માર્ટ મોલમાં ખરીદી કરવા ગઈ ત્યારે આશિષ મારડિયા સાથે સંપર્ક થયો હતો. બન્નેએ એકબીજા સાથે વાતચીત કર્યા બાદ નોકરી આપવાની લાલચ આપી મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. વાતચીત કર્યા બાદ એક દિવસ અચાનક આશિષનો કોલ આવ્યો અને મળવા બોલાવી. બાદમાં યુવતીને લોન્ગ ડ્રાઇવ પર લઈ જવાનું કહ્યા બાદ જેતપુરમાં રવેંચી હોટલ માર્કેટ પાસે આવેલા પોતાના એ.બી. સ્પામાં લઇ જઇ મરજી વિરુદ્ધ બળજબરી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી દુષ્કર્મ આચર્યું હતું.

મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવીર)
મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવીર)

દુષ્કર્મ આચરી આશિષ ઘર નજીક ઉતારી ગયો
ત્યાર બાદ આશિષે રાજકોટ આવી યુવતીને તેના ઘર નજીક ઉતારીને જતો રહ્યો હતો. બાદમાં ફરી આશિષનો યુવતીને કોલ આવ્યો હતો અને ઘરે મળવા બોલાવી હતી. યુવતી ઘરે પહોંચી ત્યાં આશિષ અને તેની પત્ની અલ્પા હાજર હતાં. બન્નેએ યુવતીની મરજી વિરુદ્ધ બેથી ત્રણ ગ્રાહકોને બોલાવી તેની સાથે પરાણે શરીર સંબંધ બંધાવ્યો હતો. આ બનાવથી ગભરાયેલી યુવતીને આ બધું ગમતું ન હોઈ, જેથી ના પાડતાં દંપતીએ યુવતી અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી, આથી યુવતીએ ગભરાયને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં PI કે.જે.મકવાણાએ ફરિયાદ નોંધી તપાસ SC-ST સેલના ACP દ્વારા ચલાવાઈ રહી છે.

દંપતી વિરુદ્ધ અગાઉ હનીટ્રેપનો ગુનો દાખલ
નોંધનીય છે કે આરોપી દંપતી સામે અગાઉ પણ હનીટ્રેપ અંગેની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. મોરબીમાં રહેતા 45 વર્ષના આધેડનો રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રહેતી અલ્પા આશિષ મારડિયા સાથે સોશિયલ મીડિયા મારફત પરિચય થયો હતો. અલ્પા વેપારી સાથે લાંબા સમયથી મોબાઇલ પર વાતચીત કરતી હતી. મોરબીના વેપારી પાસેથી પૈસા પડાવવા તેની સાથે વાતો કરી ઘરે આવવાનું અને સાથે સમય વિતાવવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રેમિકા સાથે અંગત પળો માણવાની લાલચમાં વેપારી રૈયા વિસ્તારમાં આવ્યો હતો. પોતાનો પતિ બહાર ગયો છે એવું કહી અલ્પા વેપારીને રૂમમાં લઇ ગઇ હતી.

ખિસ્સામાંથી રૂ.22,500 કાઢી લીધા
રૂમમાં ગયાની થોડી જ ક્ષણો વીતી હતી ત્યાં અલ્પાનો પતિ આશિષ મારડિયા પહોંચ્યો હતો અને પોતાની પત્ની સાથે ખરાબ કામ કરે છે. પોલીસને બોલાવું છું એમ કહી વેપારીને ધમકાવ્યો હતો. આશિષે ફોન કરતાં જ બે શખસ આવ્યા હતા અને તેણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. આબરૂ જવાના ભયથી વેપારી મહિલા સહિત ચારેય સામે કાકલૂદી કરવા લાગ્યો હતો. અલ્પા, તેનો પતિ આશિષ અને પોલીસનો સ્વાંગધારી બંને શખસ વેપારીને ધમકાવવા લાગ્યા હતા અને તેના ખિસ્સામાંથી રૂ.22,500 કાઢી લીધા હતા. એટલું જ નહીં, ગુનામાં ફિટ થવું ન હોય તો રૂ.2 લાખ આપવા પડશે એવી ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...