સોની વેપારીઓનો ‘ગોલ્ડન’ દિવસ:રાજકોટની સોનીબજારમાં લોકો સોનુ-ચાંદી ખરીદવા ઉમટ્યા, 51 કિલોના એડવાન્સ બુકિંગ સાથે આજે 150 કિલો સોના-ચાંદીના વેચાણનો અંદાજ

રાજકોટએક મહિનો પહેલા
સોની બજારમાં સવારથી જ લોકો ધનતેરસનું શુકન સાચવવા સોનાની ખરીદી કરી રહ્યા છે.
  • આજે ધનતેરસ હોવાથી હોલસેલર વેપારીઓ પાસેથી રિટેઈલર વેપારીઓએ એડવાન્સમાં જ સ્ટોક ખરીદી લીધો

દિવાળીના તહેવારોમાં રાજકોટની સોનીબજારની ચમક વધી છે. ગુરુ પુષ્ય નક્ષત્રમાં પણ 125 કિલોથી વધુ સોનું વેચાયું હતું. આ દિવસ બજારમાં ભારે ભીડ અને સ્ટોક ખૂટી પડતા કેટલાક લોકો સોનું- ચાંદી ખરીદ કર્યા વગર પરત ફર્યા હતા. ત્યારે આજે ધનતેરસે સમયસર સોનુ મળી રહે તે માટે રાજકોટના લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. એક અંદાજ મુજબ ધનતેરસ પૂર્વે રાજકોટની સોનીબજારમાં 31 કિલો સોનાના દાગીના અને 21 કિલો સોનાની લગડી-બિસ્કિટનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. આજના દિવસે 150 કિલો સોનું વેચાય તેવો અંદાજ છે. સોની બજારમાં લોકો ધનતેરસનું શુકન સાચવવા માટે નાના-મોટા સોના-ચાંદીના દાગીની ખરીદવા ઉમટ્યા છે.

સોની વેપારીઓએ અગાઉથી જ સ્ટોક કરી લીધો
આજે ધનતેરસ હોવાથી હોલસેલર વેપારીઓ પાસેથી રિટેઈલર વેપારીઓએ એડવાન્સમાં જ સ્ટોક ખરીદ કરી લીધો છે. તેમજ સોના-ચાંદીના સિક્કાથી લઇને વાસણો, લક્ષ્મીજી, ગણેજીની મૂર્તિ ખાસ ઓર્ડર દઈને બનાવડાવ્યા છે. તેમજ ડેકોરેશન અને દાગીના ગોઠવવા માટેની કામગીરી આખી રાત ચાલુ રહી હોવાનું સોની વેપારીઓ જણાવી રહ્યા છે. આજે સોનીબજારની સાથે-સાથે ચાંદી બજારમાં પણ સવારથી સાંજ સુધી ખરીદી રહેશે.

લોકો સોના-ચાંદીના નાના-મોટા દાગીના ખરીદી રહ્યા છે.
લોકો સોના-ચાંદીના નાના-મોટા દાગીના ખરીદી રહ્યા છે.

ગત વર્ષે કોરોનાને કારણે લોકો શુકનવંતી ખરીદી કરી શક્યા નહોતા
આજે સવારથી જ સોનીબજારમાં ખરીદી માટે લોકો ઊમટી પડ્યા છે અને રાત સુધી ખરીદી યથાવત્ રહેશે. કોરોના બાદ સોનાની સૌથી વધુ ખરીદી પહેલીવાર થઇ રહી છે. ત્યારે ડિમાન્ડને પહોંચી વળવા માટે વેપારીઓએ પણ બધી તૈયારી કરી લીધી છે. દિવાળી અને નવા વર્ષ નિમિત્તે અનેક મંદિરોના દાગીના-આભૂષણો ખાસ ઓર્ડર દઈને બનાવવામાં આવ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પ્રતિવર્ષ ધનતેરસના દિવસે સોના-ચાંદીમાં ધૂમ ખરીદી થતી હોય છે, ગત વર્ષે કોરોનાને કારણે લોકો શુકનવંતી ખરીદી કરી શક્યા ન હોવાથી આ વર્ષે ખરીદી કરી રહ્યા છે.

સવારથી જ લોકોનો ખરીદી માટે ધસારો.
સવારથી જ લોકોનો ખરીદી માટે ધસારો.

ગ્રાહકોને આકર્ષવા સોની વેપારીઓની અવનવી સ્કીમ
સોની વેપારી દર્શિત સોનીએ જણાવ્યું હતું કે, આજે ધનતેરસ છે ત્યારે વર્ષોની પરંપરા પ્રમાણે આજના દિવસે સોના-ચાંદીની ખરીદીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આજના દિવસે કેટલાય લોકો અચૂક યથાશક્તિ મુજબ સોના-ચાંદીના આભૂષણો ખરીદતા હોય છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટમાં લોકો નાના-મોટા તમામ જ્વેલર્સને ત્યાં સોના ચાંદીની શુકનવંતી ખરીદી કરવા પહોંચ્યા છે. ધનતેરસમાં ગ્રાહકોએ સોના ચાંદીની ખરીદી માટે એડવાન્સમાં પણ બુકિંગ કરાવ્યા હતા. સાથે જ કોરોના કાળના બે વર્ષ બાદ જ્યારે વેપાર ધંધાને ફરી વેગ મળ્યો છે. ત્યારે સોનાની ખરીદીમાં ગ્રાહકોને આકર્ષવા માટે સોની વેપારીઓ પણ અવનવી સ્કીમ લઇને આવી ગયા છે. દશેરાથી શરૂ થઈ દિવાળી સુધી સોનાની ખરીદીને લઇને આ વર્ષે સોની વેપારીઓની દિવાળી પણ ચમકી ઉઠશે તેવી આશા સોની વેપારીઓ દર્શાવી રહ્યા છે.

સોની વેપારી દર્શિત સોની.
સોની વેપારી દર્શિત સોની.
અન્ય સમાચારો પણ છે...