તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ સાયકલ દિવસ:જામકંડોરણાની દિવ્યાંગ સોનલ વસોયાનું વ્હિલચેર પર કૌવત, ખેલ મહાકુંભમાં ગોળા ફેંક, ચક્ર ફેંક સહિત અનેક સ્પર્ધામાં મેડલ જીત્યા

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
જામકંડોરણાની દિવ્યાંગ સોનલ વસોયાએ અનેક સિદ્ધી હાંસલ કરી. - Divya Bhaskar
જામકંડોરણાની દિવ્યાંગ સોનલ વસોયાએ અનેક સિદ્ધી હાંસલ કરી.
  • સાયક્લિંગને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2012થી સપોર્ટ કરવામાં આવે છે

દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થાય છે. રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ખેલ મહાકુંભ શરુ કરાયો છે. જેની ફલશ્રુતિરૂપે અનેક દિવ્યાંગ ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે તેમની પ્રતિભા દેખાડી ચૂક્યા છે. દિવ્યાંગજનોની રમત-ગમત ક્ષેત્રે પણ તેમની પ્રતિભા દેખાડી શકે તે માટે ટ્રાઈસિકલ મદદરૂપ બની છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ છે મહિલા ખેલાડી સોનલ વસોયા. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના નાનકડા રાયડા ગામથી રાજકોટ ભણતર માટે આવેલી સોનલ વસોયા વર્ષ 2011માં ખેલ મહાકુંભથી ગોળા ફેંક, ચક્ર ફેંક અને બરછી ફેંક સહિતની રમતમાં તેનું કૌશલ્ય દેખાડી આજે વ્હીલચેર પર બેસી દેશ-વિદેશમાં અનેક સ્પર્ધામાં ભાગ લઈ મેડલો જીતી ચૂકી છે.

હું પગથી વધુ વ્હિલચેર પર દોડી શકું છું- સોનલ વસોયા
કમરથી નીચેના ભાગે વિકલાંગ સોનલને ચાલવાની તકલીફમાં પગથી વિશેષ મહત્વનું યોગદાન તેની વ્હીલચેરનું છે. વ્હિલચેરના સહારે ઓલમ્પિક કે એશિયન કોમનવેલ્થમાં મેડલ જીતના સપના સેવતી પેરા એથ્લેટિક્સ સોનલ વસોયા કહે છે કે, હું પગથી વધુ વ્હિલચેર પર દોડી શકું છું. સોનલ જેમ અનેક દિવ્યાંગો ટ્રાઈસિકલના સહારે જીવન ગતિમાન રાખી સપના પુરા કરી રહ્યાં છે.

સાયક્લિંગ કરવાથી થતા ફાયદાઓ
સાયક્લિંગ એ હૃદય, ફેફસાં અને મગજ માટે શ્રેષ્ઠ કસરત કહેવાય છે. કારણ કે શરીરમાં આવેલા મોટા સ્નાયુઓ કમર અને પગના ભાગમાં હોય છે. સાયક્લિંગના કારણે આ સ્નાયુઓ કાર્ય કરતા થાય છે. એટલે આખા શરીરને ઓક્સિજન અને લોહીની જરૂર પડે છે. જે હૃદય અને ફેફસાં પુરા પાડે છે. આ સાથે જ મગજને પુરતો ઓક્સિજન મળતા એન્ડ્રોરફીન નામનો સ્ત્રાવ છૂટે છે. જેને મેડિકલ ભાષામાં હેપ્પી હોર્મોન કહેવાય અને આ હોર્મોનથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ રહે છે જેથી વ્યક્તિની કામ કરવાની ક્ષમતામા વધારો થાય છે. જે માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ હોય તેની ઈમ્યુન સિસ્ટમ ખુબ સારી હોય જેથી તે બિમાર પડતો નથી. જો કદાચ બીમાર પડે તો પણ તે વ્યક્તિની રીકવરી અન્યોની સરખામણીએ ખુબ ઝડપી હોય છે. આમ જોઈએ તો માણસની ખુશહાલ જીવન સાયકલના બે પૈડા એટલે તંદુરસ્ત તન અને મન.

રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ દર શુક્રવારે સાયકલ લઇ ઓફિસે આવે છે.
રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ દર શુક્રવારે સાયકલ લઇ ઓફિસે આવે છે.

રાજકોટ મનપા કમિશનર દર શુક્રવારે સાયકલ પર ઓફિસે આવે છે
​​​​​​​સાયકલને રોજિંદા જીવનમાં અપનાવવા માટે તથા જે લોકો રોજિંદા જીવનમાં અપનાવી નથી શકતા તે લોકોને ઓછામાં ઓછુ અઠવાડીયામાં એક દિવસ સાયકલ ચલાવવા માટે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સપોર્ટ આપવા માટે પ્રતિ શુક્રવાર પોતે સાયકલ ચલાવીને ઓફિસ આવે છે. એમની સાથોસાથ કોર્પોરેશનનો અન્ય સ્ટાફ પણ સાયકલ ચલાવીને ઓફિસ આવે છે. સાયક્લિંગથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા, ઓનરશીપની ભાવના જાગે, ગ્રીન રાજકોટ-ક્લીન રાજકોટ અંતર્ગત પોલ્યુશન ઘટાડી શકાય, ટ્રાફિકની સમસ્યાઓ હળવી કરી શકાય છે.

સાયક્લિંગ વધારવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ સવલત
સાયક્લિંગને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2012થી ખૂબ જ સપોર્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજકોટ કોર્પોરેશનના સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત બે લાખથી વધુ લોકોએ સાયકલ ચલાવવાનો લાભ લીધો છે. વાર્ષિક 22 હજાર જેટલા લોકો સાયકલ શેરિંગ પ્રોજેક્ટનો લાભ મેળવે છે. સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા રોજના એક કલાક સાયકલ ચલાવવા માટે કોઇ પણ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. પરંતુ એક કલાક બાદ પ્રતિ કલાક બે રૂપિયાનો ચાર્જ વસુલ કરવામાં આવે છે.

24 ઇંચથી મોટા વ્હિલની સાયકલ ખરીદવા પર 1 હજારની સબસીડી
આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરના રહેવાસીઓ 24 ઇંચથી મોટા વ્હિલની સાયકલ ખરીદે તો તેમને હજાર રૂપિયાની સબસીડી ચૂકવવામાં આવે છે. આ માટે ઓનલાઇન એપ્લિકેશન કરીને જરૂરી ડોક્યુમેન્ટ કોર્પોરેશનની વેબસાઇટ પર સબમિટ કર્યા બાદ 60થી 90 દિવસમાં સબસીડી ચૂકવવામાં આવે છે અને અત્યાર સુધીમાં 4500થી વધુ લાભાર્થીઓને સબસીડી ચૂકવવામાં આવી છે તેમ પ્રોજેક્ટ ઇન્ચાર્જ વત્સલ પટેલે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...