આત્મહત્યા:પુત્રને ધો. 8ની પરીક્ષા મુદ્દે ઠપકો દીધા બાદ માતા-પિતા વચ્ચે ઝઘડો થયો : માઠું લાગતા માતાની આત્મહત્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સંતાન સુખ નહીં મળતા પરિણીતાએ મોત વહાલું કર્યું, શહેરમાં ત્રણ પરિણીતાએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

શહેરમાં આપઘાતના વધુ બનાવમાં ત્રણ પરિણીતાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. પરીક્ષા મુદ્દે પુત્રને ઠપકો આપ્યા બાદ પતિ સાથે રકઝક થયાનું લાગી આવતા પરિણીતાએ, લગ્નજીવન દરમિયાન સંતાન સુખ નહીં મળતા પરિણીતાએ અને સગર્ભા પરિણીતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે.પ્રથમ બનાવમાં રૈયારોડ, ચંદનપાર્ક મેઇન રોડ પર રહેતા નિલાબેન હિતેશભાઇ તેરૈયા નામની પરિણીતાએ આજે સવારે તેના ઘરે પંખાના હૂકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી રોડ પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા

મૃતકના પતિ હિતેશભાઇની પૂછપરછમાં તેમને સંતાનમાં 14 વર્ષનો એક પુત્ર છે. તે ધો.8માં અભ્યાસ કરે છે. વર્તમાન પરિસ્થિતિએ અભ્યાસક્રમ ઓનલાઇન ચાલતો હોય પરીક્ષા પણ ઓનલાઇન શરૂ થઇ હતી. પુત્ર અભ્યાસમાં ધ્યાન આપતો ન હોય પત્ની નિલાએ પુત્રને અભ્યાસમાં ધ્યાન દેવાનો ઠપકો આપ્યો હતો. ઠપકા સમયે પોતે પણ હાજર હોય પત્નીને આવી રીતે પુત્રને ન ખીજાવાય તે મુદ્દે રકઝક થઇ હતી. જેનું પત્ની નિલાને માઠું લાગતાં પગલું ભરી લીધાનું જણાવ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય બનાવમાં માર્કેટિંગ યાર્ડ, આરટીઓ નજીક હુડકો ક્વાર્ટરમાં રહેતી તારા હિતેશભાઇ જોષી નામની પરિણીતાએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસમથકના હેડ કોન્સ.વી.કે.સોલંકીની તપાસમાં તારાબેનના લગ્ન દસ વર્ષ પૂર્વે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાન સુખ મળ્યું ન હતું. આ માટે અનેક દવા કરાવી હતી. તેમ છતાં કોઇ પરિણામ નહીં આવતા તેમજ અન્ય બીમારીથી કંટાળીને પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. જ્યારે રૈયાધાર, સ્લમ ક્વાર્ટરમાં ભાનુ રાજુભાઇ બોળિયા નામની પરિણીતાએ પંખામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી રોડ પોલીસના પીએસઆઇ એચ.જે બરવાડિયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયા હતા. પોલીસ તપાસમાં ભાનુબેનના લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા અને હાલ તે સગર્ભા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...