મહંત આપઘાત કેસ:મૃતકનો જમાઇ, ભત્રીજો રિમાન્ડ પર, બંને આરોપીનું રાજસ્થાન રહ્યાનું રટણ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરની ભાગોળે મોરબી હાઇવે પર કાગદડી પાસે આવેલા ખોડિયારધામ આશ્રમના મહંત સાધુ જયરામદાસ ગુરુપ્રેમદાસને સવા વર્ષ પૂર્વે આપઘાત માટે મજબૂર કરવાના ગુનામાં વધુ બે નાસતા ફરતા આરોપી પોલીસમાં હાજર થતા બંનેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા છે.

ફરાર વિક્રમ દેવજી સોહલાને પકડી પાડ્યા બાદ નાસતા ફરતા મૃતક મહંતના જમાઇ અલ્પેશ પ્રતાપ સોલંકી અને ભત્રીજો હિતેશ લખમણ જાદવ સોમવારે કુવાડવા રોડ પોલીસ સમક્ષ હાજર થતા પીઆઇ બી.એમ.ઝણકાટ સહિતના સ્ટાફે બંનેની ધરપકડ કરી હતી.

બાદમાં વિશેષ પૂછપરછ તેમજ પુરાવાઓ એકઠા કરવા માટે મંગળવારે રિમાન્ડની માગણી સાથે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં અદાલતે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરી બંને આરોપીઓને પોલીસ હવાલે કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીએ વિક્રમની જેમ જ તેઓ પણ રાજસ્થાન હોવાનું રટણ રટ્યું હતું.

દસ દિવસ પહેલા પકડાયેલા વિક્રમની રિમાન્ડ દરમિયાન પોલીસ કોઇ વિગતો એકઠી કરી શકી નથી. ત્યારે હાલ રિમાન્ડમાં રહેલા અલ્પેશ સોલંકી, હિતેશ જાદવ પાસેથી પોલીસ કેટલા પુરાવાઓ અને વિગતો બહાર લાવી શકે છે તે જોવું રહ્યું. મહંત જયરામદાસના આપઘાત કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ વગદાર હોવાથી પોલીસ વધુ વિગતો બહાર કઢાવી શકશે કે કેમ તે અંગે પણ લોકોમાં ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...