અફવા:મ્યુકર માટેના ઈન્જેક્શન કલેક્ટર ઓફિસે મળશે તેવી અફવા કેટલાક સર્જનોએ ફેલાવી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એમ્ફોટેરિસિન માટેના ફોર્મ કચેરીએ નથી આ ખોટી વાત છે; અધિક કલેક્ટર
  • ખાનગી હોસ્પિટલમાં ઈન્જેક્શન ન મળતા હોવાથી સ્વજનોના કલેક્ટર કચેરીએ ધક્કા

રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા વધતા તેમા વપરાતા એમ્ફોટેરિસિનના ઈન્જેક્શનની અછત ઊભી થઈ છે. એવામાં ઘણા લોકો ઈન્જેક્શનના ફોર્મ લેવા માટે કલેક્ટર કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. ખાનગી તબીબો મ્યુકરની સર્જરી કર્યા બાદ ઈન્જેક્શન માટે પ્રિસ્ક્રિપ્શન લખી દે છે પણ મેડિકલમાં ન મળતા કેટલાક તબીબો દર્દીઓના સ્વજનોને કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં ઈન્જેક્શન અપાય છે અને તેના ફોર્મ કલેક્ટર કચેરીએ મળે છે. જેને કારણે દરરોજ ઘણા લોકો કલેક્ટર કચેરીએ ફોર્મ લેવા આવી રહ્યા છે.

આ અંગે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, કલેક્ટર કચેરીમાં એમ્ફોટેરિસિનના કોઇ ફોર્મ અપાતા નથી આ માત્ર અફવા જ છે. ઘણા લોકો તબીબોના કહેવાથી આવી રહ્યા છે અને પરેશાન થઈ રહ્યા છે. આ કારણે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે વાત કરીને સ્વજનોને ખોટી માહિતી ન અપાય તે માટે સર્જનોને જણાવવા કહેવાશે.

સિવિલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીને ઈન્જેક્શન ન મળતા સ્વજનો સુપરિન્ટેન્ડેન્ટ પાસે પહોંચ્યા
મ્યુકરમાઈકોસિસના દર્દીને ઈન્જેક્શનનો જથ્થો નહિ મળતા મંગળવારે સ્વજનો સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ પાસે પહોંચ્યા હતા. ઈન્જેક્શન ન મળવાથી દર્દીને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી. સિવિલમાં દાખલ પૂજાબેન દાગલાણીના સ્વજન વસંતભાઈ દાગલાણીએ જણાવ્યું હતું કે, તેના સ્વજન 12 દિવસથી સિવિલમાં દાખલ છે. પરંતુ અત્યાર સુધી માત્ર તેમને 2 જ વખત ઈન્જેક્શન મળ્યા છે. ખાનગીમાં દાખલ થયા બાદ તેઓ સિવિલમાં દાખલ થયા છે. ઇન્જેક્શન મળે તે માટે તેઓ મુંબઈ સુધી હેરાન થયા છે, પરંતુ ત્યાંથી પણ કોઈ ઇન્જેક્શન મળ્યું નથી. મંગળવારે 8 દર્દીના સ્વજનોએ ઈન્જેક્શન નહીં મળતાની રજૂઆત સુપરિન્ટેન્ડેન્ટને કરી હતી.

કોને ક્યારે ઈન્જેક્શન આપવું તે તબીબ જ કહેશે : અધિક્ષક
સિવિલમાં દાખલ દર્દીઓના સ્વજનોમાંથી ઘણા લોકો ઈન્જેક્શનની માંગ કરી રહ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે. આ મામલે તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અત્યારે ઈન્જેક્શનની અછત હોવાથી જેને જરૂર છે તેને જ અપાઈ રહ્યા છે. ક્યા દર્દીને અને ક્યારે ઈન્જેક્શન આપવા જોઈએ તે ઈએનટીના તબીબ જ નક્કી કરશે તેમા સુપરિન્ટેન્ડેન્ટ સહિતના કોઇપણની દખલગીરી નહીં ચાલે.

અન્ય સમાચારો પણ છે...