ત્રીજી લહેરના ભણકારા સાથે 60 વર્ષથી વધુના ઉંમરના લોકો તથા હેલ્થકેર તથા ફ્રન્ટલાઇન વર્કરને કોરોના સામેની રસીનો ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ આપવાનું 10મીને સોમવારથી શરૂ કરવામાં આવ્યું હતું. પ્રિકોશન ડોઝ તરીકે ત્રીજો ડોઝ આપવાની શરૂઆત થતાં જ સવારથી લોકો આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા. જેથી કેટલાક બૂથ પર લાંબી કતાર સાથે ભારે ધસારો જોવા મળ્યો હતો.
ફ્રન્ટલાઇન વર્કરની સાથે 60 વર્ષથી વધુના ઉંમરના લોકોમાં રસી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રસીનો ત્રીજો ડોઝ લેવા માટે લાયકાત ધરાવતા લોકોને મેસેજ કરવામાં આવ્યા હતા, જેથી મેસેજ આવતાની સાથે જ બીજા દિવસે 60+ વર્ષના લોકો રસી લેવા માટે કેન્દ્ર પર પહોંચી ગયા હતા.
રાજકોટ જિલ્લામાં પણ પ્રિકોશન ડોઝ શહેરમાં 21 આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ સહિત ત્રણેય ઝોનમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો. રસી લેવા આવેલા 60 વર્ષથી ઉપરના લોકો સાથે વાત કરતા તેઓએ રસી મુકાવ્યાની ખુશીની લાગણી દર્શાવી હતી. રાજકોટ શહેરમાં સાંજે 6 વાગ્યા સુધીમાં તમામ વયજૂથના સહિત 4799 લોકોએ અને ગ્રામ્યમાં 4000 જેટલા લોકોએ રસીનો ત્રીજો ડોઝ લીધો હતો.
હવે ત્રીજી લહેર આવે તો પણ વાંધો નહિ
શહેરમાં ત્રીજો ડોઝ લેવા આવેલા શામજીભાઈ પટેલ તથા તેમના પત્ની જયાબેન પટેલે જણાવ્યું હતું કે, જયાબેને રસીના બન્ને ડોઝ લીધા બાદ એક વખત કોરોના સંક્રમિત થયા હતા, પરંતુ ડોક્ટરના જણાવ્યા અનુસાર રસી લેવાથી ખતરો ટળી જતા, મૃત્યુને ભેટતા બચી ગયા હતા. જેથી કોરોના સામે રક્ષણ આપતી રસીનો ત્રીજો ડોઝ લેવા માટે તેઓ બે વાર આયોગ્ય કેન્દ્ર પર આવ્યા હતા અને સાનુકૂળતા રહેતા તેમને ડોઝ મળી ગયો હતો. ઉપરાંત પ્રિકોશન ડોઝ મળી ગયા બાદ હવે ત્રીજી લહેર આવે તો પણ વાંધો નથી.-જયાબેન પટેલ
ત્રીજો ડોઝ મળતા સ્ટેમિના મળે છે
વેસ્ટ ઝોનમાં આવેલા કેન્દ્ર પર પ્રિકોશન ડોઝ લેવા આવેલા 72 વર્ષીય જેન્તીભાઇ બોદરએ રસી મુકાવવાની ખુશી દિવ્ય ભાસ્કર સમક્ષ વર્તાવી હતી. જેન્તીભાઈના જણાવ્યા અનુસાર ત્રીજો ડોઝ આપવાનો મેસેજ મળતાની સાથે તેઓએ તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વધતા કોરોના કેસની સામે રક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રિકોશન ડોઝ આપવાની સુવ્યવસ્થા કરવામાં આવતા ડોઝ લેવા પર સ્ટેમિના મળી રહે છે.- જેન્તીભાઇ બોદર
કોરોના કયા સુધી રહે તે નક્કી નથી માટે ત્રીજો ડોઝ લઈ જ લીધો
આરોગ્ય કેન્દ્ર પર પ્રિકોશન ડોઝ લેવા આવેલા 65 વર્ષીય દિનેશ ખંભાયતાએ જણાવ્યું હતું કે, તેઓ 12 કલાક એક કારખાનામાં કામ કરે છે, જ્યાં સેંકડો અન્ય લોકો પણ કામ કરતા હોવાથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ મળી રહે તો કોરોના સામેનો ખતરો ઓછો થઇ જાય છે. ઉપરાંત બજારમાં થતી વાતો મુજબ કોરોના 2024 સુધી રહેવાનો હોવાથી સરકાર દ્વારા જો ચોથો ડોઝ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવે તો પણ તે લેવા તૈયાર હોવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.- દિનેશ ખંભાયતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.