તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં દરોડા:રાજકોટમાં શ્રમજીવી સોસાયટી સ્થિત પટેલ ક્લિનિક અને ગોડાઉનમાં SOGએ દરોડા પાડ્યા, શંકાસ્પદ દવાનો જથ્થો મળ્યો

રાજકોટ16 દિવસ પહેલા
  • રાજકોટમાં શ્રમજીવી સોસાયટીમાં પટેલ ક્લિનિક અને ગોડાઉનમાં SOGએ દરોડા પાડ્યા, શંકાસ્પદ દવાનો જથ્થો મળ્યો ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર સહિતના સ્ટાફે દવાઓના નમૂના લઈ તપાસાર્થે મોકલ્યા, દવા વેચવાનું લાઇસન્સ પણ બોગસ હોવાની શંકા

સામાન્ય રીતે ડોક્ટરને દર્દીઓ ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે. પરંતુ કેટલાક લેભાગુ તત્વો રૂપિયાની લાલચમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. રાજકોટ શ્રમજીવી સોસાયટીમાં SOGએ પટેલ ક્લિનિક અને તેના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. ત્યાં શંકાસ્પદ દવાનો જથ્થો મળી આવ્યો હતો.

એસઓજી પોલીસે રાજકોટ શહેરમાંથી લોકોને આરોગ્યના ચેડાં કરીને નુકસાન પહોંચાડતી દવાનું મસમોટું કૌભાંડ પકડી પાડ્યું છે. પરેશ પટેલ નામનો શખ્સ એક્સપાયર થયેલી દવાઓ ખરીદીને તેને એક ડ્રમમાં મિક્સ કરી આયુર્વેદિક ઈમ્યુનિટી બુસ્ટર તેમજ સ્ટેમિના વધારવાની દવા તરીકે વેચતો હોવાનું સામે આવ્યું છે.

એસઓજી પોલીસને શ્રમજીવી સોસાયટી શેરી નં. 5માં ઓશો મેડિકેર નામના મેડિકલના ગોડાઉનમાં નકલી દવા બનાવાતી હોવાની બાતમી મળી હતી. જેને લઈને બપોરે 2 વાગ્યે એસઓજી પી.આઈ. આર.વાય.રાવલ સહિતની ટીમે ગોડાઉન પર રેડ કરી હતી અને ગોડાઉન માલિક પરેશ પટેલને પણ તેના રામનગર સ્થિત ઘરથી ઝડપી લીધો હતો. સ્થળ પરથી મિક્સ થયેલી દવાનો ડ્રમ, લેબલ તેમજ એક્સપાયર થયેલી દવા પણ મળી આવી હતી.

પોલીસની પૂછપરછમાં પરેશ પટેલે કબૂલ્યું હતું કે, તે અલગ અલગ જગ્યાઓથી એક્સપાયર થયેલા સીરપ કે જે કફ, કિડની તેમજ અન્ય વિટામિનની દવાઓ લઈ આવતો હતો. સીરપને ડ્રમમાં નાંખી તેમાં ચૂર્ણ તેમજ ચ્યવનપ્રાશ નાખીને આયુર્વેદિક દવાનું લેબલ લગાવીને ઇમ્યુનિટી બુસ્ટર, મધુમેહ નાશક જેવા નામથી વેચતો હતો. આ ઉપરાંત તેની બીજી 3 દુકાન હોવાની પણ કબૂલાત આપતા ત્યાં પણ સ્ટાફ પહોંચ્યો હતો.

આ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર ડ્રગ્સ એસ.એસ.વ્યાસને જાણ કરાતા તેઓ પણ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા અને દવાઓના નમૂના લઈને તપાસાર્થે લેબમાં મોકલ્યા છે. આ ઉપરાંત દવાઓ વેચવા માટે તેની પાસે લાઇસન્સ છે કે નહિ તેમજ તે લાઇસન્સ પણ બનાવટી છે કે કેમ તે અંગે પણ વિભાગ તપાસ કરશે. હાલ તે ગોડાઉનમાંથી એક કરોડથી વધુની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરાયો છે. બે દિવસ સુધી દવાના શોર્ટિંગની કામગીરી થશે.

શંકાસ્પદ દવાનો જથ્થાના સેમ્પલ લેવાયા
રાજકોટ શહેરના શ્રમજીવી સોસાયટીમાં SOG પોલીસે પટેલ ક્લિનિકમાં કિડનીની દવાના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતું હોવાની બાતમી આધારે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગને જાણ કરી સાથે રાખી કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન પોલીસે શંકાસ્પદ દવાનો જથ્થો કબ્જે કરી સેમ્પલ મેળવવા તજવીજ હાથ ધરી છે.

એક્સપાર્યર્ડ દવાના સ્ટિકર બદલાતા
ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારી એસ.એસ.વ્યાસે જણાવ્યું હતું કે, એક્સપાયરી ડેટવાળી દવાના સ્ટિકર બદલાવી નવી ડેટ નાખી દવા વેચતા હોવાની માહિતી સામે આવી રહી છે. કિડનીના રોગ માટેની દવા ઉપરાંત અન્ય દવા જથ્થો પણ ઉપલબ્ધ છે, જેના સેમ્પલ મેળવી પરીક્ષણ અર્થે મોકલી કાર્યવાહી કરવામાં આવશે.

ક્લિનિક ચલાવનાર સામે ગુનો નોંધાયો
હાલ પોલીસે પટેલ ક્લિનિકના મલિક પરેશ પટેલ સામે ઇપીસી કલમ 41(ડી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બપોરથી શરૂ થયેલા દરોડા કામગીરી મોડી રાત સુધી ચાલશે. તેમજ પરેશ પટેલની અન્ય જગ્યા પર દરોડો કરી ત્યાં પણ દવા જથ્થો ચકાસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ દરોડા દરમિયાન મોટી માત્રામાં દવાનો જથ્થો મળી આવેલો છે. જેને પરીક્ષણ અર્થે મોકલી આ સાથે દવાની કંપની ખાતે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. જેમાં ખોટું થતું હોવાનું માલૂમ થશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એફિડેવિટ કરાવીને નામ આગળ ડોક્ટર લખાવ્યું!
પીએસઆઈ અસ્લમ અંસારીએ જણાવ્યું હતું કે, પરેશ પોતાની જાતને ડો.પરેશ પટેલ તરીકે ઓળખાવતો હતો. તેની પાસે ક્યા પ્રકારની ડિગ્રી છે તેની તપાસ કરતા એકપણ ડિગ્રી નીકળી ન હતી. આમ છતાં શા માટે ડોક્ટર તરીકે ઓળખાવે છે તે પૂછતા પરેશે જણાવ્યું કે તેની પાસે કોઇ ડિગ્રી ન હોવાથી એફિડેવિટ કરાવી પોતાનું નામ બદલીને ડોક્ટર પરેશ પટેલ કર્યું છે. એફિડેવિટથી ડોક્ટર બન્યાની કબૂલાતથી સમગ્ર સ્ટાફ ચોંકી ગયો હતો.

પત્નીના નામે દવાખાનું શરૂ કર્યું હતું, આયુર્વેદ ડોક્ટર પણ રાખ્યો હતો
આસિ. કમિશનર એસ.એસ. વ્યાસે જણાવ્યું હતું કે, પરેશે પોતાની પત્નીના નામે દવાખાનું શરૂ કર્યું હતું અને એક પગારદાર આયુર્વેદ ડોક્ટર પણ રાખ્યો હતો. દવાખાને આવતા તમામ દર્દીઓને આવી જ દવાઓ આપતો હતો. તેના પત્ની પાસે શું ડિગ્રી છે તેમજ કઈ રીતે દવાખાનાની મંજૂરી મેળવી છે તે તપાસ હવે કરાશે.

અન્ય સમાચારો પણ છે...