મહિલા ડેન્ટિસ્ટને સાસરિયાઓનો ત્રાસ:લગ્નના 15 દિવસમાં જ સોફ્ટવેર એન્જિ. પતિએ USમાં માર માર્યો, સાસુની દહેજની માગણી, શારીરિક-માનસિક ટોર્ચર કરી રાજકોટ મોકલી દીધી

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પતિ અમેરિકામાં ગુગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરે છે લગ્ન થતા મહિલા ડેન્ટિસ્ટે રાજકોટમાં પોતાનું ક્લિનિક પણ બંધ કર્યું હતું

રાજકોટની મહિલા ડેન્ટિસ્ટ સાથે લગ્નના પંદર જ દિવસ બાદ તેમના પતિ અને તેમના સાસુએ સાથે મળી વધુ પડતા દહેજની માગણી કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેમાં આરોપી પતિ અને સાસુ મહિલાને અવારનવાર ઘરકામ બાબતમાં, અભ્યાસ કરવા દેવા બાબતમાં, ડ્રાઇવિંગ કરવા બાબતે, બેંકમાં ખાતુ ખોલવા બાબતે, ઘરની બહાર જવા બાબતે, માતા-પિતા સાથે ફોન ઉપર વાત કરવા બાબતે પરેશાન કરી મહિલા સાથે વડોદરા અને અમેરિકામાં શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાનો મહિલાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

લગ્ન બાદ મહિલા ડેન્ટિસ્ટે રાજકોટમાં ક્લિનિક બંધ કર્યું
મહિલા ડેન્ટિસ્ટે ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા બે મહિનાથી રાજકોટમાં મારા માતા-પિતા સાથે રહું છું અને ઘરકામ કરૂં છું. મેં બી.ડી.એસ. સુધી અભ્યાસ વર્ષ 2014માં પુર્ણ કર્યો હતો. ત્યારબાદ 2015માં મેં રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા સત્યનારાયણ પાર્ક, મેઇન રોડ ઉપર દાંતનુ દવાખાનું શરૂ કર્યું હતું. મેં લગ્ન બાદ જાન્યુઆરી 2021માં દવાખાનું બંધ કરી દીધું હતું. મારા પિતા રાજકોટ કોર્ટમાં એડવોકેટ તરીકે વ્યવસાય કરે છે. અમે ત્રણ ભાઇ-બહેનો છીએ. તેમાં મોટા બહેન છે, તેઓ મુંબઇ સાસરે છે. બીજા નંબરમાં હું છું. અને સૌથી નાનો ભાઈ છે. તેઓ એમ.બી.બી.એસ. ડોકટરની તૈયારી કરે છે.

શાદી ડોટકોમ વેબસાઇટ મારફત સંબંધ નક્કી થયો હતો
મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ ઉપર શાદી ડોટકોમ વેબસાઇટ છે, તેના ઉપર મારો બાયોડેટા ત્રણ વર્ષ પહેલા મુક્યો હતો, હું લગ્ન માટે મારી પસંદગીના વ્યકિત માટે તપાસ કરતા હતા. દરમિયાન માર્ચ 2020માં વેબસાઇટ ઉપર ધ્રુવિલ પટેલનો બાયોડેટા જોયો હતો. બાદમાં બન્નેના પરિવારજનોએ એક બીજા સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. તેમજ મારા પિતા અને તેમના પિતાએ પણ ફોન ઉપર વાતચીત કરી હતી. બન્ને પક્ષોએ સંબંધ મંજૂર હોય રૂબરૂ મળવા બાબતે વાતચીત કરવામાં આવતા ધ્રુવિલે મને વાત કરી હતી કે, હું હાલ અમેરિકા છું અને ગુગલમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરૂં છું. આથી હું ભારત આવીશ એટલે તમારો સંપર્ક કરીશ. ધ્રુવિલના પિતા કિરીટભાઇ પટેલે પણ આ વાતને સમર્થન આપતી વાત મારા પિતા સાથે કરી હતી.

ડિસેમ્બર 2020માં સાદાઇથી લગ્ન કર્યા
ત્યારબાદ અંદાજે ઓક્ટોબર 2020માં ધૃવિલ પટેલ ભારતમાં આવ્યા બાદ અમારો ફોન પર સંપર્ક કર્યો હતો. બન્ને પક્ષોએ વાતચીત થયા બાદ નવેમ્બર 2020માં પ્રથમ હું અને મારા માતા-પિતા ધ્રુવિલ પટેલને મળવા વડોદરામાં તેના ઘરે ગયા હતા. ધ્રુવિલ અને તેના માતા-પિતા તથા તેમના માસીને મળીને બન્ને પક્ષોએ મારા તથા ધ્રુવિલના લગ્નસંબંધ બાબતે વ્યાવહારિક વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ 15 દિવસ બાદ નવેમ્બર 2020માં જ ધ્રુવિલ અને તેના માતા-પિતા તથા તેમના માસી તથા તેમના બહેન રાજકોટ અમારા ઘરે આવ્યા હતા. બાદમાં ડિસેમ્બર 2020માં સાદાઇથી લગ્ન કરવા અને પ્રતિબંધ હટી ગયા બાદ મારા તથા ધ્રુવિલના લગ્ન ધામધૂમથી કરવાનું નક્કી કર્યું હતું.

મહિલા ડેન્ટિસ્ટે સાસરિયા વિરૂદ્ધ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
મહિલા ડેન્ટિસ્ટે સાસરિયા વિરૂદ્ધ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

લગ્નના 4-5 દિવસ બાદ પતિ મને અમેરિકા લઇ ગયો
11 ડિસેમ્બર 2020ના રોજ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી ફોર્ચ્યુન હોટલમાં મારા તથા ધ્રુવિલની સગાઇ અને લગ્ન બન્ને પક્ષોના પરિવારની હાજરીમાં કરવામાં આવ્યા હતા. બાદમાં ધામધૂમથી લગ્ન કર્યા બાદ હું વડોદરા ગઇ અને બાદમાં ચાર-પાંચ દિવસ બાદ હું તથા ધ્રુવિલ અમેરિકા જતા રહ્યા હતા. હું અમેરિકામાં ડ્રાઇવિંગ કરવા માટે મારા પતિને જણાવતી, તો મને ના પાડતા હતા. મારે ડેન્ટિસ્ટમાં આગળ અભ્યાસ કરવા માટે વાત કરતા, તેની પણ મને ના પાડી. મને ઘરની બહાર પણ નીકળવાની ના પાડતા હતા. તેમજ મારા માતા-પિતા સાથે ફોન ઉપર વાતચીત કરવાની પણ ના પાડતા હતા. અને ઘરકામ બાબતમાં મને જણાવતા કે, તું કામ શીખીને આવી નથી, આથી મને તકલીફ થાય છે.

લગ્નના થોડા દિવસ બાદ અમેરિકામાં પતિએ મારવાનું ચાલુ કર્યું
મેં બેંકમાં ખાતું ખોલાવવાનુ જણાવતા તેની પણ મને ના પાડી હતી. આથી આ બધી બાબતે હું મારા પતિને પૂછતી કે, તમે મારી સાથે આવું ખરાબ વર્તન કેમ કરો છો? તો મારા પતિ મને કહેતા કે, તારે મને કંઇ પૂછવાનુ જ નથી. હું જે કંઇ કહ્યું, તે પ્રમાણે તારે રહેવાનું છે. તેવી વાત કરીને મારી સાથે અવારનવાર બોલાચાલી કરી ઝઘડા કરતો હતો. તેમજ એવા ખરાબ, હલકા શબ્દોનો ઉપયોગ કરતો હતો કે જેથી મને ખૂબ જ ત્રાસ થતો હતો અને દુઃખ લાગતુ હતું. એક વખત તો મને મારકૂટ કરી હતી. જેના કારણે હું પડી જતા સોફાનો કોર્નર વાગી જતા મને પાંસળીમાં ફ્રેક્ચર આવી ગયું હતું. તેની સારવાર મેં અમેરિકા કરાવી હતી. મારા સાસુએ મારા પતિને મારી બાબતમાં ચડામણી કરી હોય, તેના કારણે પણ મારા પતિ મને પરેશાન કરી, મારી સાથે ઝઘડાઓ કરી, ત્રાસ આપતા હતા.

26 ઓક્ટોબરે પતિએ મને અમેરિકાથી રાજકોટ મોકલી
વધુમાં જણાવ્યું હતું કે, મારા પતિ ધ્રુવિલ મારી સાથે પતિ તરીકે જે વ્યવહાર કરવો જોઇએ તેવો વ્યવહાર પણ કરતો નહોતો, મુખ્ય સમસ્યા આ પણ હતી. આથી મેં મારા સાસુ સાથે ફોન ઉપર આ બાબતની વાત છેલ્લે કરી હતી. આ બાબતે પણ મારા પતિએ મારી સાથે બોલાચાલી કરી ઉશ્કેરાય જઇને મને જણાવ્યું કે, તને અમેરિકા રાખવી જ નથી તને રાજકોટ પરત મોકલી દઉં છું. તેવી વાત કરીને અમેરિકાથી ભારતની ફ્લાઇટની ટિકિટ મારા પતિએ કરાવી લીધી હતી અને 26/10/2021ના રોજ મને અમેરિકાથી ફ્લાઇટમાં બેસાડીને ભારતમાં આવવા માટે મોકલી આપી છે. ત્યારબાદ હું રાજકોટ મારા પિતાના ઘેર આવીને રહું છું.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

14 ડિસેમ્બર 2021ના રોજ મારા પતિ ધ્રુવિલ અમેરિકાથી ભારત આવ્યો
14 ડિસેમ્બર 2021ના રોજ મારા પતિ ધ્રુવિલ અમેરિકાથી ભારત આવ્યો છે અને તે વડોદરા તેમના માતા-પિતા સાથે રહે છે. તેની જાણ મને થતા મેં 18 ડિસેમ્બર 2021ના રોજ મારા પતિને ફોન કરીને વાત કરી કે, તેં મને કાઢી મુકી છે, તો મારા માતા-પિતા પાસે આવીને વાત તો કર. તેં ક્યા કારણોસર કાઢી મુકી છે? તો તે વખતે તેમણે ફોન ઉપર મારી સાથે જેમ તેમ બોલીને ઝઘડો કર્યો હતો. બીજા દિવસે મારા પતિ રાજકોટ આવ્યા અને કાલાવડ રોડ ઉપર ટી-પોસ્ટ ઉપર મને બોલાવીને મારી સાથે બોલાચાલીનો ઝઘડો કરી, મને જણાવ્યું કે, મારે તમારા ઘેર આવવાનુ થતું નથી. તમે લોકો પણ અમારા ઘેર આવતા નહીં. જો આવશો તો જોઇ લેશું. તેવી ધમકી આપીને જતા રહ્યા હતા.

મારો પતિ હાલ વડોદરામાં રહે છે, ફરિયાદની જાણ થશે તો અમેરિકા ભાગી જશે
મારા પતિ અમેરિકાથી હાલમાં ભારત આવેલ છે અને વડોદરામાં છે, આથી તેમની પાસેનો પાસપોર્ટ જમા લેવામાં આવે અને તેની સામેની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે, નહીંતર તેમને તેમની વિરૂદ્ધમાં ફરિયાદ થઈ છે તેવી જાણ થશે તો તે અમેરિકા નાશી જશે અને મને ન્યાય મળશે નહીં. આથી આ બાબતે કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી મારી રજૂઆત ફરીયાદ સાથે છે.