• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • So Far In Rajkot, 458 Official Deaths From Corona, 500 Forms For Covid Death Assistance Were Taken Out On The First Day, Out Of Which 300 Returned.

સહાયનો મલમ:રાજકોટમાં અત્યાર સુધી કોરોનાથી સત્તાવાર મોત 458, કોવિડ ડેથ સહાય માટે પ્રથમ જ દિવસે 500 ફોર્મ ઉપડ્યા જેમાંથી 300 પરત

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાથી મોત થયું હોય તેના પરિવારજનોને 50,000ની સહાયની જાહેરાત બાદ મોતના આંકડાઓ પરથી પહેલા જ દિવસે પડદો ઊંચકાયો
  • માર્ગદર્શન ન હતું છતાં લોકો પોતાની રીતે કચેરીઓમાં ફરતા ફરતા પહોંચી ગયા, ફોર્મ ભરવામાં સરળ હોવાથી સ્થળ પર જ ઘણા લોકોએ જમા કરાવી દીધા

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોરોનામાં મોત થયું હોય તેમને 50,000 રૂપિયાની આર્થિક સહાય માટે ફોર્મ વિતરણ શરૂ થયા છે. જેમાં કોરોનાથી મોત થયા હોય તેમના પરિજનોને સહાય અપાય છે. આ માટે જન્મ મરણ વિભાગમાંથી કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ અથવા તો કમિટી પાસેથી કોવિડ-19થી ડેથ હોય તેવું પ્રમાણપત્ર લેવાનું રહે છે. આ બંને દસ્તાવેજો માટે શહેરી વિસ્તાર માટે મનપાના જન્મ મરણ વિભાગમાંથી અરજી ફોર્મ લેવાનું હોય છે. જેના વિતરણના પ્રથમ દિવસે જ 500 ફોર્મ ઉપડી ગયા હતા અને તેમાંથી 300 પરત આવી ગયા છે.

ફોર્મ લેવા માટે પ્રથમ દિવસ હોવાથી ઘણા લોકો મનપાની અલગ અલગ કચેરીઓ તેમજ આરોગ્ય વિભાગમાં પહોંચી ગયા હતા જ્યાં તેમને માર્ગદર્શન આપીને જન્મ મરણ વિભાગમાં મોકલ્યા હતા. પ્રથમ દિવસ હોવાથી મનપાએ 1000થી વધુ ફોર્મ રાખ્યા હતા જેમાંથી અડધો અડધ ફોર્મ ઉપડ્યા હતા અને 300 પરત પણ આવી જતા તંત્રને અણસાર આવ્યા હતા કે હવે ફોર્મ વધુ ઉપડશે તેથી તેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે લોકો ફોર્મ લેવા આવ્યા હતા મોટાભાગના લોકોને શું પ્રક્રિયા છે તેની ખબર જ ન હતી તેથી કર્મચારીઓએ ફોર્મ આપીને બધાને પ્રક્રિયા સમજાવી હતી જોકે ફોર્મ પણ ભરવામાં સરળ હોવાથી સ્થળ પર જ ઘણા લોકોએ જમા કરાવી દીધા હતા.

સહાય અંગે જેમ જેમ લોકોને ખબર પડશે તેમ તેમ સંખ્યા વધવાની છે પણ તેની સરખામણી તંત્રએ જાહેર કરેલા આંક સાથે કરીએ તો એકદમ વિરુદ્ધ જ નીકળશે. કારણ કે, રાજકોટ શહેરમાં અત્યાર સુધી એટલે કે કોરોનાનો પ્રથમ કેસ આવ્યા બાદથી અત્યાર સુધીમાં 458 મોત કોરોનાને કારણે થયા હોવાનું મનપાના ચોપડે નોંધાયું છે તેના કરતા તો વધારે ફોર્મ પ્રથમ દિવસે જ ઉપડી ગયા છે. ઘણા એવા પણ લોકો હશે જેમણે કોરોનાને કારણે સ્વજનો ગુમાવ્યા છે પણ સુખી સંપન્ન હોવાથી અથવા તો દસ્તાવેજ ન હોવાથી સહાય માટે અરજી નહીં કરે.

આવતા સપ્તાહથી પ્રમાણપત્રનું વિતરણ થશે
મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુનું કારણ અંગેના પ્રમાણપત્ર માટે જન્મમરણ વિભાગમાં અરજી કર્યા બાદ જે તે ડેથ સર્ટિફિકેટની પ્રક્રિયામાં હોસ્પિટલે જે સર્ટિફિકેટ(ફોર્મ 4, 4અ) મોકલ્યું હશે તેની પ્રમાણિત નકલ આવતા સપ્તાહથી અપાશે. જો કોઇ મૃતકનું સર્ટિફિકેટ હોસ્પિટલે આપ્યું નથી તો મૃત્યુના કારણ અંગે કોઇ પ્રમાણિત નથી તેવું એક સર્ટિફિકેટ આપી દેવાશે. ત્યારબાદથી જન્મ મરણ વિભાગની કામગીરી પૂરી થયા બાદ જો કોઈ વિવાદ હશે તો જિલ્લા કક્ષાની સમિતિમાં અરજી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...