ટેસ્ટ કરાવવો છે, કિટ નથી?:તો પંચાયત પ્રમુખ પાસે માગો તેણે 20 હજાર મગાવી છે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ભૂપત બોદર 10 હજાર કિટ પોતાના મતવિસ્તારના દર્દીઓને જ આપશે

રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં એન્ટિજન ટેસ્ટ કિટ ખૂટી રહી છે, ત્યારે જો તમારે ટેસ્ટ કરાવવો હોય તો, કિટ નથી હોતી, પરંતુ જો જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરને કહેશો તો ટેસ્ટ થઇ જશે, કારણ કે તેણે સાડા છ લાખ રૂપિયા પોતાના ખર્ચીને 20 હજાર કીટ મગાવી છે, જેનો ઉપયોગ આજથી જ કરવામાં આવશે.

આ મુદે તેઓએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે સમઢિયાળા ખાતે આરોગ્ય વિભાગને આ કિટ આપવામાં આવશે. કિટ મળ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલા જથ્થાને ગામોમાં મોકલવામાં આવશે અને તેની સાથે ધનવન્તરી રથ પણ જોડાશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, સૌ પ્રથમ 10 હજાર કિટ તેમના 21 ગામ જે તેમનો મતવિસ્તાર છે તેમાં આપવામાં આવશે, ત્યારબાદની 10 હજારની કિટ 50 પીએચસી કેન્દ્રોને અપાશે.

આ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ સૌપ્રથમ એ લોકો માટે કરવામાં આવશે, જેઓને શરદી, ઉધરસ, તાવ જેવી તકલીફો હોય અને સાથો સાથ ધનવંતરી રથ પણ જોડાશે. જો આ કિટ ઘટશે તો વધુ મંગાવશે. આજે જસદણ ખાતે ભરત બોઘરા દ્વારા જે 100 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે, તેના ઉદઘાટન માટે સી. આર. પાટીલ આવી રહ્યા છે, ત્યાર બાદ તેમના દ્વારા 20 હજાર કિટ આરોગ્ય વિભાગને સોંપવામાં આવશે.

ભાજપના નેતાઓ હવે પોતાના મતદારોને ધ્યાને રાખીને મેડિકલ સાધન સામગ્રી મગાવી રહ્યા છે. અગાઉ સી. આર.પાટીલે સુરતમાં રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ કર્યું ત્યારે વિવાદ થયો હતો. જો કે જિલ્લા પંચાયત પ્રમુખ બોદરે ડીડીઓની મંજૂરી લીધા બાદ સાડા છ લાખના ખર્ચે ટેસ્ટિંગ કીટ મગાવી છે. જેમાંથી અડધોઅડધ પોતાના મતવિસ્તારમાં વહેંચશે.

સરકારી મંજૂરી બાદ જ કંપની ટેસ્ટિંગ કિટ આપે છે: શાહ
રાજકોટ જિલ્લાના સીડીએચઓ નિલેશ શાહના જણાવ્યા અનુસાર કોઈ સામાન્ય વ્યક્તિ એન્ટિજન ટેસ્ટિંગ કિટ મંગાવી શકતા નથી, અને જો તેઓ ડોનેટ કરવા માંગતા હોય તો તેઓએ કલેકટર, ડીડીઓ અથવા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના ઓર્ડરવાળો લેટર કંપનીને આપવાનો રહેશે, ત્યાર બાદ જ જે તે વ્યક્તિને સરકારી સંસ્થા મારફત મળી શકશે અને તેનો ઉપયોગ પણ પીએચસી, સીએચસીમાંજ કરી શકશે. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા મંગાવામાં આવેલી 20 હજાર કિટ માટે ડીડીઓના લેટરવાળો ઓર્ડર કંપનીને મોકલવામાં આવ્યો હતો. જેના માટે પ્રમુખ દ્વારા 6.50 લાખ રૂપિયા તેમના સ્વભંડોળમાં નાખી ચૂકવણું કરવામાં આવેલું છે. અને જો કોઈ વ્યક્તિ કીટ કંપની પાસેથી કોઈ યેનકેન પ્રકારે મેળવે તો તેમના પર ફોજદારી પણ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...