• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • SNK, Nirmala, 4 Students From Nachiketa And A Teacher From Dhuleshia Infected, Children Came In Contact With More Than 150 People, 4 Schools Closed For A Week

કોરોનાનો શાળા પ્રવેશ:SNK, નિર્મલા, નચિકેતાના 4 વિદ્યાર્થી અને ધુલેશિયાના શિક્ષક સંક્રમિત, બાળકો 150થી વધુ લોકોના સંપર્કમાં આવ્યાં’તાં, 4 શાળા એક સપ્તાહ બંધ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈન્દ્રપ્રસ્થ પાસે એક સાથે અનેક સ્કૂલના છૂટવા સમયે મોટી સંખ્યામાં ભીડ જામે છે, જે ખતરા સમાન છે. - Divya Bhaskar
ઈન્દ્રપ્રસ્થ પાસે એક સાથે અનેક સ્કૂલના છૂટવા સમયે મોટી સંખ્યામાં ભીડ જામે છે, જે ખતરા સમાન છે.
  • એસએનકેમાં 52 અને નચિકેતામાં 112 વિદ્યાર્થીઓ-સ્ટાફના ટેસ્ટ કરાયા
  • પોઝિટિવ આવેલા પૈકી એક બાળકે 15મીએ સ્કૂલમાં પરીક્ષા આપી, બીજે દિવસે સંક્રમિત થયો
  • વિદ્યાર્થીઓ પરિવારમાં એકબીજાથી સંક્રમિત થયા
  • એકસાથે ત્રણ સ્કૂલના બાળકોને કોરોના થતા વાલીઓમાં ચિંતા

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાનો શાળામાં પણ પ્રવેશ થતા જુદી જુદી 4 સ્કૂલના 4 બાળકો અને 1 શિક્ષક કોરોના સંક્રમિત થતા શાળાસંચાલકો અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શહેરની એસએનકે સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતા ટ્વીન્સ ભાઈ-બહેન કોરોના સંક્રમિત થયા છે જ્યારે નચિકેતા સ્કૂલમાં ધો.5માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. આ ઉપરાંત નિર્મલા સ્કૂલમાં પણ ઓનલાઈન અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જો કે તે સ્કૂલે આવતી ન હતી.

ધુલેશિયા સ્કૂલના એક શિક્ષક પણ સંક્રમિત થતા આ તમામ શાળાઓ આગામી એક સપ્તાહ સુધી બંધ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યા છે. સંક્રમિત થયેલા પૈકી એક બાળક 15મીએ સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો અને ત્યારબાદ પોઝિટિવ આવ્યો છે. એટલે કે, 15મીએ તે અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના લોકોના સંપર્કમાં આવ્યો હતો. એકસાથે ચાર સ્કૂલમાં બાળકો અને શિક્ષક પોઝિટિવ આવતા સ્કૂલ સંચાલકો અને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.

આરોગ્ય વિભાગે એસએનકે સ્કૂલમાં 52 જ્યારે નચિકેતા સ્કૂલમાં 112 વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફના ટેસ્ટ કર્યા હતા. પોઝિટિવ આવેલાં બાળકો અત્યાર સુધીમાં 150થી વધુ લોકોના સંપર્કમાં આવ્યા હતા. બાળકો અને શિક્ષકોના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા પણ અનુરોધ કરાયો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના પરિવારમાંથી જ કોઈને કોરોના હોય અને ત્યારબાદ તેમાંથી જ બાળકો સંક્રમિત થયાં છે. રાજકોટમાં છેલ્લા બે દિવસથી 7-7 કેસ નોંધાયા છે.

સપ્તાહ પછી સ્થિતિ કાબૂમાં હશે તો સ્કૂલ ખોલવા દેવાશે
રાજકોટ શહેરની ચાર સ્કૂલના ચાર બાળકો અને એક શિક્ષક કોરોના સંક્રમિત થતા હાલ તમામ શાળાઓને એક સપ્તાહ માટે બંધ રાખવા સૂચના આપી દેવાઈ છે. સપ્તાહ બાદ પણ જો સ્કૂલમાં પરિસ્થિતિ કાબૂમાં હશે અને કોવિડની ગાઈડલાઈન માટેની પૂરતી વ્યવસ્થા હશે તો તેનો રિવ્યૂ કરીને સ્કૂલ ખોલવા દેવાશે. - બી.એસ.કૈલા, ડીઈઓ, રાજકોટ

શાળાઓ કોવિડના નિયમોનું કડક પાલન કરે, ન કરે તો તંત્ર દંડ કરે
દરેક શાળાએ ખાસ કાળજી રાખવી પડશે. શિક્ષણ અને આરોગ્ય વિભાગ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરે કે સ્કૂલો ગાઈડલાઈનનું પાલન કરે છે કે કેમ? જે શાળા ગાઈડલાઈનનું પાલન ન કરે તે સ્કૂલ સામે તંત્ર કડક કાર્યવાહી કરે, જરૂર પડ્યે કેટલાક દિવસ સ્કૂલ બંધ કરાવે. કડકાઈ દાખવવી જરૂરી બની છે. - ડી.વી.મેહતા, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

ડીઈઓની ટીમ રોજ 25 સ્કૂલનું ચેકિંગ કરશે
જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમ દરરોજ 25થી વધુ સ્કૂલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે અને જ્યાં જ્યાં કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નહીં હોય તે શાળાઓ સામે પગલાં પણ લેવાશે. રાજકોટની એકસાથે ચાર સ્કૂલમાં બાળકો અને શિક્ષક સંક્રમિત થતા હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યો છે. આ માટે એક ટીમની રચના કરી છે, તપાસ સમયે આરોગ્ય વિભાગની ટીમ પણ સાથે રહેશે.

હકડેઠઠ ભરાતી સ્કૂલવાનોને અટકાવાશે : કલેક્ટર
વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ શિક્ષણાધિકારી, શાસનાધિકારી, આરોગ્ય અધિકારીઓ તેમજ આરટીઓના અધિકારીઓને બોલાવીને બેઠક કરી હતી. તમામને કડક પગલાં લેવા સૂચના આપી હતી. ઉપરાંત જે સ્કૂલવાન કે ઓટોમાં બાળકોને ઠાંસી-ઠાંસીને લઈ જવાય છે તે બંધ કરાવા આરટીઓના અધિકારીઓને આદેશ કરાયો છે, હાલ અન્ય શાળા બંધ ન કરવા તંત્ર સૂચના નહીં આપેે.

અન્ય સમાચારો પણ છે...