ધરપકડ:5 નહિ 19 લાખની રોકડની ચોરી કર્યાની તસ્કર ત્રિપુટીની કબૂલાત

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાર્ડવેરની દુકાનમાં ચોરી કરનાર કર્મી સહિત 3ની ધરપકડ
  • ત્રિપુટી રિમાન્ડમાં, 14 લાખની રોકડ સાથે ભાગેલાની શોધખોળ

શહેરના કેનાલ રોડ પર આવેલી ચેતન હાર્ડવેર નામની દુકાનમાં છ દિવસ પહેલા પાંચ લાખની ચોરી થઇ હતી. તપાસ દરમિયાન પોલીસે ચોરીમાં સંડોવાયેલા કર્મચારી સહિત ત્રણ આરોપીને રૂ.5 લાખની રોકડ સાથે પકડી પાડ્યા હતા. તસ્કર ત્રિપુટીની પ્રાથમિક પૂછપરછમાં તેમને 5 નહિ પરંતુ કુલ 19 લાખની રોકડની ચોરી કર્યાની ચોંકાવનારી કબૂલાત આપતા પોલીસ તેમજ વેપારી શંકાના દાયરામાં આવ્યા છે.

ગત તા.4ની રાતે દુકાનમાંથી રૂ.5 લાખના રોકડ ભરેલા થેલાની ચોરી થઇ હોવાની વેપારી વિવેક પંકજભાઇ કોટકે પાંચ દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે એ ડિવિઝન પોલીસની તપાસમાં દુકાનમાં જ કામ કરતા જંગલેશ્વરના ગુલામહુશેન ઉર્ફે મોઇન કાદર બોઘાણીની આકરી પૂછપરછ કરી હતી. જે પૂછપરછમાં ગુલામહુશેને તેના બે મિત્ર અવેશ ગફાર પીલુડિયા અને ઇમરાન કાદર પીપરવાડિયાને ટિપ આપી પાંચ લાખની ચોરી કરાવ્યાની કબૂલાત આપી હતી.

કબૂલાતને પગલે પોલીસે અવેશ અને ઇમરાનને રોકડ સાથે પકડી પાડી ધરપકડ કરી હતી. ત્યારે પ્રાથમિક પૂછપરછમાં ગુલામહુશેને પાંચ લાખની નહિ પરંતુ કુલ 19 લાખની ચોરી કર્યાની અને 14 લાખની રોકડ લઇ ઉત્તરપ્રદેશનો સાગરીત અઝીમ શમશાદ પઠાણ ભાગી ગયાની કબૂલાત આપી છે. હાર્ડવેરની દુકાનમાં કામ કરતા આરોપી ગુલામહુશેન ઉર્ફે મોઇનની કબૂલાત બાદ પોલીસે વેપારીની પૂછપરછ કરતા તેમને બે જગ્યાએ રોકડ ભરેલા થેલા રાખ્યાની વાત ફેરવી તોળી હતી.

જોકે, ચોરીની સાચી રકમ વેપારીએ છુપાવી કે પોલીસે તે એક તપાસનો વિષય છે. બીજી તરફ પકડાયેલી ત્રિપુટીને સોમવારે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે ત્રિપુટીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં અવેશ, ઇમરાન આર્થિક ખેંચ અનુભવતા હોય ગુલામહુશેની વાતમાં સહમત થઇ ચોરીમાં સામેલ થયાનું જણાવ્યું છે. 14 લાખની રોકડ લઇ ભાગી ગયેલા પરપ્રાંતીય શખ્સને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જેને ત્યાંથી ચોરી થઇ તે વેપારી પણ કેટલી ચોરી થઇ તે રકમથી અજાણ હોય તે વાત શંકા ઉપજાવે તેવી છે.

અન્ય સમાચારો પણ છે...