ધરપકડ:ડોક્ટરના ફ્લેટમાંથી ચોરી કરનાર તસ્કર ઝબ્બે, 5 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાગનાથ પ્લોટમાં બંધ ફ્લેટને નિશાન બનાવ્યું હતું

શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારના રાજદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા સરકારી મેડિકલ કોલેજના ડોક્ટર સેજુલ અંટાળાના બંધ ફ્લેટમાં ખાબકી તસ્કરો ગત તા.27ની રાત્રીના રૂ.12.56 લાખનો મુદ્દામાલ ઉસેડી ગયા હતા. પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખી નામચીન તસ્કરને ઝડપી લઇ રૂ.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તસ્કરના સાગરીતની શોધખોળ શરૂ કરી હતી.

સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ફ્લેટમાં ખાબકેલા બે તસ્કર કેમેરામાં કેદ થઇ ગયા હતા અને બંને શખ્સ ચોરી કર્યા બાદ એક્ટિવામાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારની સીતારામ સોસાયટી સુધી દેખાયા હતા. તસ્કર બેલડી સીતારામ સોસાયટીમાં રહેતી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે બાતમીદારને કામે લગાડ્યા હતા, ચોરીમાં સીતારામ સોસાયટીમાં રહેતા મૂળ જૂનાગઢના વતની નામચીન તસ્કર ડાડા ઉર્ફે ઇકબાલ મામદ ઉર્ફે મહમદ ઠેબા અને રાજકોટના હિરેન ઉર્ફે નીતિનનું નામ ખૂલતાં જ પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ.ચાવડા સહિતની ટીમ દોડી ગઇ હતી.

પોલીસ પહોંચી ત્યારે ડાડા ઉર્ફે ઇકબાલ મળી આવ્યો હતો. પોલીસે તેની ઓરડીની તલાશી લેતા તેમાંથી રૂ.1.50 લાખ રોકડા, 1680 પાઉન્ડ, રૂ.1.10 લાખની કિંમતનો સોનાનો ઢાળિયો, એક્ટીવા, ચાંદીના દાગીના સહિત કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...