ધરપકડ:સાડીના કારખાનામાં 16 લાખની ચોરી કરનાર તસ્કર પકડાયો

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • બેડીપરા શ્રમજીવી સોસાયટીના તસ્કર પાસેથી મુદ્દામાલ કબજે

શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં બે દિવસ પહેલા સાડીના કારખાનામાં થયેલી રૂ.16 લાખની ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખી તસ્કરને પકડી પાડયો છે.

પેડક રોડ, રણછોડનગર-29માં રહેતા ભૂપેન્દ્રભાઇ ગણેશભાઇ નાથાણી નામના કારખાનેદારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ મોટાભાઇ સાથે સામાકાંઠે શક્તિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં નટરાજ ટેક્સટાઇલ્સ પ્રિન્ટના નામથી સાડી પ્રિન્ટિંગનું કારખાનું ધરાવે છે. દરમિયાન કારખાનામાં રિનોવેશન તેમજ વીજળીના લોડ વધારવા માટે નાણાંની જરૂરિયાત હોય સગાસબંધીઓ, પરિવારના સભ્યો પાસેથી રોકડા રૂપિયા ઉછીના લીધા હતા. ઉછીની રકમ પરત કરવા પૈસાની જોગવાઇ થઇ જતા રૂ.16 લાખની રોકડ કારખાનાની ઓફિસના ટેબલના ખાનામાં પ્લાસ્ટિકની થેલીમાં રાખી હતી.ત્યારે ગત તા.3ની રાતે સવા નવ વાગ્યા સુધી કારખાને બેઠો હતો. બાદમાં બંધ કરી ઘરે જતા રહ્યા હતા.

સવારે નિત્યક્રમ મુજબ પોતે કારખાને પહોંચ્યા હતા. ટેબલમાં રાખેલા રોકડા રૂ.16 લાખ તપાસવા ખાનુ ખોલ્યું હતુ. પરંતુ 16 લાખની રોકડ જોવા નહી મળતા પોતે ગભરાઇ ગયા હતા. ત્યારે કારખાનાની આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા કોઇ શખ્સ કારખાનાની બાજુના કારખાનાની દીવાલ પર ચડી અંદર પ્રવેશ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. ચોરી થઇ હોવાનું માલુમ પડતા તુરંત થોરાળા પોલીસને જાણ કરી હતી. જેથી પીઆઇ જે.આર.દેસાઇ સહિતના સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

બનાવ સ્થળ આસપાસના સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસને કામે લગાડી ચોરીનો ભેદ ઉકેલવા મથામણ શરૂ કરી હતી. ત્યારે ચોરીમાં અગાઉ જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો બેડીપરા શ્રમજીવી સોસાયટી-2માં રહેતો સોમા માનસિંગ પાટડિયા હોવાની માહિતી મળી હતી.

જે આજી નદીના પટમાં હોવાનું જાણવા મળતા તુરંત ત્યાં દોડી જઇ સોમાને રોકડા રૂ.12,38,500 તેમજ 2.75 લાખના ઘરેણા મળી કુલ રૂ.15.14 લાખના મુદામાલ સાથે પકડી પાડયો હતો. ચોરીની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. બાકીની રોકડ કપડા ખરીદ્યાની તેમજ ખાણીપીણીમાં ઉડાડી હોવાની સોમાએ કબૂલાત આપી છે.

અન્ય સમાચારો પણ છે...