ઈટાલિયા ખોડલધામ પહોંચ્યા:કહ્યું- ‘સ્મૃતિ મારા જૂના વીડિયો પોસ્ટ કરે છે, તેમણે તેમના ગેસના બાટલા માથે લઈ નાચતા હતા એ વીડિયો પોસ્ટ કરવા જોઈએ’

રાજકોટ2 મહિનો પહેલા

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. ગઈકાલે છુટકારો થતાં ગોપાલ ઈટાલિયા આજે સીધા ખોડલધામ મા ખોડલનાં દર્શન કરવા માટે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ગોપાલ ઈટાલિયાને આવકારવા માટે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો નેતાઓ ઊમટી પડ્યા હતા. એરપોર્ટ ખાતે પાર્ટીના કાર્યકરોએ ‘ભારત માતા કી જય’, ‘ઇન્કલાબ જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા તેમજ ‘ગોપાલભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના પણ નારા લાગ્યા હતા. ઈટાલિયાએ રાજકોટ એરપોર્ટ પર જણાવ્યું હતું કે સ્મૃતિ ઇરાની મારા જૂના વીડિયો પોસ્ટ કરે છે, ગેસના બાટલા માથે લઈ નાચતા હતા એ વીડિયો પણ તેમણે પોસ્ટ કરવા જોઈએ. ગોપાલ ઈટાલીયાએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ શિશ ઝૂકાવી આશીર્વાદ લીધા હતા.

કેન્દ્રીય મંત્રીઓ મારા નામની માળા ફેરવી રહ્યા છે
ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. ભાજપ પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહ્યો છે. ભાજપ જૂના વીડિયો વાઇરલ કરી મત માગવા નીકળ્યો છે. NCWમાં હું જવાબ રજૂ કરવા ગયો ત્યારે મેડમે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ પણ ગોપાલ ઈટાલિયાના નામની માળા ફેરવી રહ્યા છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ. તેમણે પણ કહ્યું હતું કે આવું ન થવું જોઈએ. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખી નથી. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસનાં મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે પણ મુખ્યમંત્રીપદેથી ગાળો ભાંડી છે.

રાજકોટ એરપોર્ટ પર મોટી સંખ્યામાં આપના કાર્યકરો સ્વાગત માટે ઊમટ્યા હતા.
રાજકોટ એરપોર્ટ પર મોટી સંખ્યામાં આપના કાર્યકરો સ્વાગત માટે ઊમટ્યા હતા.

સ્મૃતિ ઈરાનીએ પણ પ્રહારો કર્યા હતા
વીડિયોને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઈટાલિયા પર પ્રહારો કર્યા છે. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું. સ્મૃતિએ ટ્વીટ કર્યું- અરવિંદ કેજરીવાલ, ગટર જેવા ચહેરાવાળા ગોપાલ ઇટાલિયાએ તમારા આશીર્વાદથી પીએમ મોદીની માતા હીરા બાને અપશબ્દો કહ્યા. હું કોઈ નારાજગી વ્યક્ત નથી કરી રહી, ગુજરાતીઓ કેટલા ગુસ્સામાં છે તે હું તમને જણાવું છું, જનતા બધું જોવે છે. ગુજરાતની ચૂંટણીમાં તમારી પાર્ટીનો નાશ થશે.

ખોડલધામમાં મા ખોડલ સમક્ષ ઈટાલિયાએ શિશ ઝુકાવ્યું.
ખોડલધામમાં મા ખોડલ સમક્ષ ઈટાલિયાએ શિશ ઝુકાવ્યું.

ભાજપ-આપના નેતાઓ એકબીજાની મજાક કરતા નજરે પડ્યા
આ સમયે ભાજપના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ રાજકોટની મુલાકાતે હોવાથી રાજકોટ એરપોર્ટ પર ભાજપના પણ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોવા મળ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર રાજકીય મેળાવડો જામ્યો હોય એવો માહોલ જોવા મળ્યો હતો. કેન્દ્રીય મંત્રીના સ્વાગત માટે ભાજપમાંથી રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા છે. આ સમયે ભાજપના અરવિંદ રૈયાણી અને આપના ઉમેદવાર વશરામ સાગઠિયાએ હળવી પળો માણી હતી. બન્ને નેતા એકબીજાની મજાક કરતા જોવા મળ્યા હતા.

ઈટાલિયા ધરપકડ બાદ દિલ્હીથી સીધા ખોડલધામ પહોંચ્યા હતા.
ઈટાલિયા ધરપકડ બાદ દિલ્હીથી સીધા ખોડલધામ પહોંચ્યા હતા.

હવે મારા બાળપણના વીડિયો શોધી લાવશે
ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપવાળાએ નાટક કરવાનું ચાલુ કરી દીધું છે. રોજ 6-7 વર્ષ જૂના વીડિયો શોધીને લઈ આવે. ગુજરાતની જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ માગે છે તો કહે છે કે વીડિયો જોઈ લો અને મત આપો. ગોપાલ કોણ છે? એક સામાન્ય માણસ છે, કઈ છે જ નહીં. ગોપાલ ઈટાલfયાથી એટલી નફરત છે. મા ખોડિયાર શક્તિનું કેન્દ્ર છે, હું પ્રાર્થના કરીશ કે આવા લોકો સામે લડવા માટે મને શક્તિ આપે. હવે તો મારા બાળપણના વીડિયો લઈ આવશે અને પોસ્ટ કરી કહેશે કે જુઓ... આ કપડાં નહોતો પહેરતો. મારું શોધી શોધીને લાવીને આ લોકો એવું માને છે કે કેટલાક પટેલોને ગોળી મારી દીધી, કેટલાક પટેલોને જેલમાં પૂરી દીધા તો આ કેવી રીતે બચી ગયો? કેવી રીતે આગળ વધી ગયો એવી મારા પ્રત્યે નફરત થાય છે.

રાજકોટ એરપોર્ટ પર ભાજપના મંત્રી અરવિંદ રૈયાણી અને આપના ઉમેદવાર વશરામ સાગઠિયા એકબીજાની મજાક કરતા નજરે પડ્યા
રાજકોટ એરપોર્ટ પર ભાજપના મંત્રી અરવિંદ રૈયાણી અને આપના ઉમેદવાર વશરામ સાગઠિયા એકબીજાની મજાક કરતા નજરે પડ્યા

ગોપાલ ઈટાલિયા એરપોર્ટથી સીધા ખોડલધામ પહોંચ્યા
ગોપાલ ઈટાલિયાનું રાજકોટ એરપોર્ટ પર આપના નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ સીધા ખોડલધામ દર્શન માટે કાર મારફત પહોંચ્યા હતા. ગોપાલ ઈટાલિયાની ધરપકડ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ગોપાલ ઈટાલિયા સાથે ગુજરાત આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓ પણ ખોડલધામ પહોંચ્યા હતા અને મા ખોડલના દર્શન કર્યા હતા.

ભાજપમાંથી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ રાજકોટની મુલાકાતે આવ્યા હોવાથી તેમના સ્વાગત માટે ભાજપના નેતાઓ અને કાર્યકરો એરપોર્ટ પર ઊમટ્યા હતા.
ભાજપમાંથી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ રાજકોટની મુલાકાતે આવ્યા હોવાથી તેમના સ્વાગત માટે ભાજપના નેતાઓ અને કાર્યકરો એરપોર્ટ પર ઊમટ્યા હતા.
અરવિંદ રૈયાણીએ એરપોર્ટના અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી.
અરવિંદ રૈયાણીએ એરપોર્ટના અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી.

રાજકોટ એરપોર્ટ પર રૈયાણીએ અધિકારીઓ સાથે માથાકૂટ કરી
રાજકોટ એરપોર્ટ પર દિલ્હીથી આવેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને આવકારવા ભાજપના નેતાઓ પહોંચ્યા હતા. ત્યારે વિમાની મથકમાં પ્રવેશ મામલે રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીને માથાકૂટ થઇ હતી અને દર વખતે ઓળખાણ આપવાની? તેવા વિધાનો કરીને રોષે ભરાયા હતા. એરપોર્ટમાં પ્રવેશના આકરા નિયમો હોય છે. પેસેન્જર વિમાનના આગમન વખતે ખાસ વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. પિયુષ ગોયલને સત્કારવા એરપોર્ટમાં પ્રવેશ વખતે સુરક્ષા તંત્ર દ્વારા અટકાવીને પૂછતાછ કરવામાં આવી હતી. ત્યારે અરવિંદ રૈયાણી વિફર્યા હતા અને દર વખતે ઓળખાણ આપવી પડે તેમ કહીને ઝાટક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...