જન્માષ્ટમી આવતા જ હવે ફરસાણ, તેલમાં ડિમાન્ડ વધશે અને જેને કારણે ભાવવધારો પણ આવશે. જોકે ભાવવધારા મુદ્દે વેપારીમાં વિભાજન પડ્યા છે. નાના વેપારીઓ ભાવ યથાવત્ રાખીને કે ઓછા ભાવ રાખવા માટે એટલે તૈયાર છે કે, જેથી કરીને ગ્રાહકો વધુ આવે. જ્યારે મોટા વેપારીઓ કમાઈ લેવાના મૂડમાં છે અને કિલોદીઠ રૂ. 20 સુધીનો ભાવવધારો કરવાની તૈયારી બતાવી છે. જોકે ભાવવધારા મુદ્દે કલેક્ટરે તાજેતરમાં બેઠક પણ બોલાવી હતી. જેમાં માત્ર બે જ વેપારીઓ હાજર રહ્યા હતા.
ભાવ બાંધણા મુદ્દે વેપારીઓ ખુદ નિરાશ છે. કેટલાક વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાવ બાંધણા મુદ્દે જે બેઠક બોલાવી છે તે અંગેની જાણ કરવામાં આવી નથી. ગત સમયે જન્માષ્ટમીમાં ફરસાણનો ભાવ રૂ.200 હતો. જ્યારે આ સમયે ફરસાણનો ભાવ રૂ.240 થી 300 સુધીનો કિલોદીઠ છે. જોકે ગત સિઝનનો જ ભાવ રાખવા માટે કોઈ વેપારી હજુ તૈયાર થયા નથી. ગત સિઝનનો જ ભાવ રાખવા મુદ્દે વેપારીઓએ એવો વિરોધ વ્યક્ત કર્યો હતો કે, ગત વખતે પામોલીન તેલનો ભાવ રૂ.1000 હતો.
જ્યારે આ સમયે તેલનો ભાવ રૂ.2000ની નજીક પહોંચ્યો છે. આથી જો ગત સિઝનનો જ ભાવ રાખવામાં આવે તો નફામાં નુકસાની થાય. વેપારીમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, તાજેતરમાં વેપારીઓની એક બેઠક મળી હતી. જેમાં તેલના ભાવમાં આવેલો ભાવવધારો, તહેવારના અનુસંધાને ફરસાણ દીઠ રૂ.20 વધારવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ તેની કોઈ અમલવારી થઇ નથી. ત્યારે ભાવ બાંધણા અંગે તંત્ર કોઈ કામગીરી થાય છે કે કેમ તે તરફ સૌ કોઇની મીટ મંડાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.