મેઘમહેર:વિરપુરમાં આજે સવારથી ધીમીધારે વરસાદ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં, રાજકોટમાં ઝરમર

રાજકોટએક મહિનો પહેલા
વિરપુરમાં સવારથી જ ધીમીધારે વરસાદ.
  • સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો

રાજકોટ જિલ્લામાં આજે સવારથી જ ક્યારેક કાળા ડિબાંગ વાદળો તો ક્યારેક આકરો તડકો જોવા મળી રહ્યો છે. ત્યારે વિરપુરમાં સવારથી જ ધીમીધીરે વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. એક દિવસના વિરામ બાદ વિરપુરમાં આજે ફરી મેઘસવારી આવી પહોંચી છે. ધીમીધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તેમજ વરસાદી માહોલ જામ્યો છે.

મેઘકહેરમાં રોડ-રસ્તાઓ ધોવાયા
રાજકોટમાં મેઘકહેરને કારણે રોડ-રસ્તાઓ ધોવાઇ ગયા છે. શહેર નજીક મવડી ગામ બાજુ બે વિસ્તારને જોડતો પુલ તૂટતા રસ્તો સાંકડો બન્યો છે. ગારો, કીચડને કારણે લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે હજુ આ પુલ 3 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો છે. મોટા વાહનો જીવના જોખમે ચલાવવા પડે છે.

વિરપુરમાં ધીમીધારે વરસાદ.
વિરપુરમાં ધીમીધારે વરસાદ.

મેઘરાજાએ ચાર દિવસ પહેલા રાજકોટને ધમરોળી નાખ્યું હતું
મેઘરાજાએ ચાર દિવસ પહેલા રાજકોટને ધમરોળી નાખ્યું હતું. ફરી આજે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ અસહ્ય બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે બપોરથી સાંજ સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ, યાજ્ઞીક રોડ, રેસકોર્સ રિંગ રોડ, સોરઠિયાવાડી, ભક્તિનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જસદણના આટકોટમાં ધીમીધારે વરસાદ.
જસદણના આટકોટમાં ધીમીધારે વરસાદ.

જસદણ પંથકમાં પણ ધીમીધારે વરસાદ
જસદણ પંથકમાં આજે વરસાદ પડતાં રસ્તા પરથી પાણી વહી ગયાં હતા. ઘણા દિવસોથી સતત વાદળછાયું વાતાવરણથી લોકો ગરમીથી અકળાયા હતા.
આજે ઝરમર વરસાદ પડતાં ઠેર ઠેર કાદવ કીચડમાં ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે આજે બપોરે સારો વરસાદ પડ્યો હતો. રસ્તા પરથી પાણી વહી ગયાં હતા. હજુ જસદણ પંથકમાં ધોધમાર વરસાદની તાતી જરૂર છે.

રસ્તા ધોવાતા રાજકોટીયનો પરેશાન.
રસ્તા ધોવાતા રાજકોટીયનો પરેશાન.

લોધિકામાં 21 ઇંચ ખાબક્યો હતો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત સોમવારે લોધિકા પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. 21 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર તારાજી સર્જાઇ હતી. લોધિકામાં 21 ઇંચ વરસાદ ખાબકતા ગામડાઓ હજુ કફોડી સ્થિતિમાંથી બહાર આવ્યા નથી. સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે રાજકોટ જિલ્લામાં વરસાદથી કરોડોનું નુકસાન થયું છે.

આજી ડેમની સપાટી 28.60 ફૂટે પહોંચી
રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ હવે ગમે ત્યારે છલકાય જવાની સ્થિતિમાં છે. છેલ્લા 24 કલાક દ૨મિયાન આજી-1માં 0.33 ફૂટ નવું પાણી આવતા ડેમની સપાટી 28.60 ફૂટે પહોંચી ગઈ છે અને ડેમ છલકાવા આડે હવે માત્ર 0.40 ફૂટની જરૂ૨ છે. આમ રાજકોટનો આજી-1 ડેમ આજની સ્થિતિએ 97.59 ટકા ભરાય ગયો છે.

(દિપક મોરબીયા, વિરપુર)