તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢની સાથે વરસાદનો ફરી પ્રારંભ:રાજકોટમાં એક કલાકમાં બે ઈંચ મેઘમહેરથી ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા, મેંદરડામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ

રાજકોટ12 દિવસ પહેલા
રાજકોટના વિવિધ​​​​​​​ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ
  • રાજકોટમાં જંક્શન, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી થતા મૂરઝાતી મોલાતને જીવનદાન મળ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બુધવાર સુધી સપ્તાહ હળવોથી મધ્યમ વરસાદ રહેશે. રવિવારે રાજકોટમાં સવારે તડકો નીકળ્યો હતો અને બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બે કલાક સુધી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ વરસાદ પડ્યો હતો. એક કલાકમાં બે ઈંચ વરસાદ પડી ગયો હતો. જોકે સામાન્ય વરસાદથી રાજકોટ શહેરના ઠેર-ઠેર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે બપોરે વરસાદી ઝાપટું પડતા સેન્ટ્રલ ઝોનમાં 2 મીમી, વેસ્ટ ઝોનમાં 3 મીમી, ઈસ્ટ ઝોનમાં 1 મીમી વરસાદ પડ્યો હતો.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ વરસાદ માટેની સિસ્ટમ ફરી સક્રિય બની છે. જેને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડશે. બુધવાર સુધી હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને પોરબંદર,વેરાવળ, ગીર- સોમનાથ સહિત દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદનું જોર રહેશે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે પણ રાજકોટમાં વરસાદ પડશે. રવિવારે સવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 26.7 ડિગ્રી રહ્યું હતું અને મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી હતું. આખો દિવસ પવનની ઝડપ 11 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. સવારે હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા હતું. જેને કારણે દિવસભર બફારો રહ્યો હતો. જોકે સાંજે વરસાદને કારણે ઠંડક પ્રસરી જતા બફારામાંથી રાહત મળી હતી.

લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

150 ફૂટ રિંગ રોડ, અમીનમાર્ગ, ઉમિયા ચોક, સોરઠિયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ અને રવિવારની સાંજને કારણે લોકો બહાર નીકળતા શહેરના ઠેર- ઠેર વિસ્તારમાં ટ્રાફિકજામ થયો હતો.

ઝોન વાઈઝ વરસાદ

વિસ્તારરવિવારનો વરસાદકુલ વરસાદ
સેન્ટ્રલ ઝોન50મીમી278મીમી
વેસ્ટ ઝોન37મીમી246મીમી
ઈસ્ટ ઝોન30મીમી257મીમી

રસાદ પડતા ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી

રાજકોટ જિલ્લામાં લોધિકા અને પડધરી તાલુકાના ગામોમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ બપોર બાદ અનરાધાર વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં વાવણી બાદ વરસાદ ફરી વરસતા કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકો સુકાવા લાગ્યા છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી છે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વરસાદ.
ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વરસાદ.

શહેરીજનો હજી પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. હાલ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં હજુ તડકો જોવા મળી રહ્યો છે. જોકે અહીં પણ સાંજ સુધીમાં મેઘરાજા મંડાય જાય તેવી આશા સૌ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં છે.રાજકોટમાં ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરીજનો હજી પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

દક્ષિણ સૌરાષ્ટ્રનાં ગામડામાં ઝાપટાંથી લઇ અડધો ઇંચ સુધીનો વરસાદ
જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ બન્યો છે. રવિવારે પણ ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટાથી લઇને અડધા ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. મેંદરડામાં મોડી સાંજ બાદ માત્ર બે કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો.

સતત બીજા દિવસે મોરબી અને રાજકોટ જિલ્લાના મુખ્ય શહેરોમાં હળવી ભારે મેઘવર્ષા થઇ છે. ઉપલેટાના કોલકીમાં સાડાત્રણ ઇંચ વરસાદ પડી જતાં શહેર પાણી પાણી થઇ ગયું હતું. તો ધોરાજી એક ઇંચ વરસાદ સાથે ભીંજાયું. મોરબી જિલ્લાના મુખ્ય શહેરો મોરબી, વાંકાનેર અને ટંકારામાં રવિવાર સુધર્યો હતો અને ટંકારામાં દોઢ ઇંચ પાણી વરસી ગયું હતું. ગોંડલમાં અડધો ઇંચ અને જસદણ પણ હળવા ભારે ઝાપટાંથી ભીંજાયું હતું. ગોંડલ આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે દેવચડી,બાંદ્રા,કેશવાળા સહિતના ગામોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો તો બીજી તરફ ભરૂડી બિલિયાળા, ગોમટા, લીલાખા, સુલતાનપુર, ધુડશીયા નાનામોટા સખપુર ગામો પણ ભીંજાયા હતા અને પાકને જીવતદાન મળી ગયું હતું.

રાજકોટના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ
રાજકોટના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

મોરબી શહેરમાં કાળા ડીબાંગ વાદળ વચ્ચે રવિવારે છૂટો છવાયો વરસાદ થયો હતો અને સાંજ સુધીમાં કુલ 7 મીમી વરસાદ પડી ગયો હતો. વાંકાનેરમાં 6 મીમી વરસાદ પડયો હતો. તો ટંકારામાં 17 મીમી વરસાદ પડ્યો હતો. અન્ય તાલુકામાં માત્ર હળવા ઝાપટાં જ પડ્યા હતા.

18 જૂનનાં વરસાદનું આગમન થયું હતું. બાદ વરસાદે વિરામ લીધો હતો. 19 દિવસ કરતા પણ વધુ સમય સુધી વરસાદ ન થતા ખેડૂતો ચિંતીત બન્યાં હતાં. મગફળીનું વાવેતર કરી દીધું હોય ચિંતાનાં વાદળ છવાયાં હતાં. શનિવારે દક્ષિણ સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં વરસાદ થયો હતો. રવિવારે પણ વરસાદી માહોલ રહ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, માણાવદર, કેશોદ, જૂનાગઢ શહેર, બાંટવા સહિતનાં વિસ્તારમાં ઝાંપટાથી લઇ અડધા ઇંચ સુધી વરસાદ થયો હતો. ગિર-સોમનાથ જિલ્લાનાં તાલાલા, ગીરગઢડા, વેરાવળ, સુત્રાપાડામાં સામાન્ય વરસાદ થયો હતો. તાલાલાનાં પીખોર, જમાલપુર, ગુંદાળા, ઉમરેઠી સહિતનાં ગામડામાં અડધા ઇંચ કરવા વધુ વરસાદ થયો હતો. અમરેલી જિલ્લાનાં જાફરાબાદ તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો હતો. દક્ષિણ સૌરાષ્ટ્રમાં રવિવારે દિવસભર મેઘાવી માહોલ રહ્યો હતો.

હાલાર પંથકમાં શનિવારથી પુન: મેઘરાજાનું આગમન થયું છે. રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા જામનગર જિલ્લામાં જામજોઘપુર તાલુકામાં 1 ઇંચ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં 1 ઇંચ વરસાદ પડયો હતો. જયારે કલ્યાણપુરમાં અડધો ઇંચ અને દ્વારકા તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતાં.