મેઘરાજાના મંડાણ:ઉપલેટામાં એક કલાકમાં દોઢ ઇંચ, ગોંડલ, જસદણ, ધોરાજીમાં ધીમીધારે વરસાદ, વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ

રાજકોટ13 દિવસ પહેલા
ઉપલેટામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી.
  • ગોંડલના મોવિયા ગામમાં ભેજને કારણે વીજપોલમાં શોર્ટ સર્કિટથી ગાયનું મોત

આજે વહેલી સવારે રાજકોટમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જસદણ, ગોંડલ અને ધોરાજીમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બાદમાં બપોર પછી ઉપલેટા પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપલેટાના ભાયાવદર, મોટીપાનેલી, હરિયાસણ. ઢાંક સહિતના ગામડાઓમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આથી ખેતરો પાણી પાણી થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.આ ઉપરાંત યાત્રાધામ વિરપુરમાં પણ કાગવડ,પીઠડીયા,થોરાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલથી રાજકોટ જિલ્લામાં મેઘારાજાએ મંડાણ માંડ્યા છે. આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ રાજકોટના જસદણ, ગોંડલ અને ધોરાજીમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી વહેતા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગઈકાલે અસહ્ય બફારા વચ્ચે ધીમીધારે મેઘરાજાના પગરણને કારણે લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ આજે સવારે વરસાદી ઝાપટું વરસી જતા રસ્તાઓ ભીંજાયા હતા.

આટકોટમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
આટકોટમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

જસદણ પંથકમાં વહેલી સવારથી ધીમીધીરે વરસાદ
આજે વહેલી સવારે જસદણ પંથકમાં મેઘરાજાએ સતત બીજા દિવસે મેઘમહેર કરી છે. આટકોટ, વીરનગર સહિતના ગામડાઓમાં આજે વહેલી સવારે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા, અસહ્ય ઉકળાટ વચ્ચે પંખાની હવા પણ સામાન્ય લાગી રહી હતી. પરંતુ આજે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે ભારે પવન પણ ફુંકાયો હતો. હવામાન વિભાગની આગાહીને લઇને ખેડૂતોમાં ધોધમાર વરસાદની આશા બંધાઈ છે.

આટકોટમાં ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.
આટકોટમાં ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.

રાજકોટ શહેરમાં ઘટાટોપ વાદળો વચ્ચે ઝાપટું વરસ્યું
રાજકોટ શહેરમાં પણ આજે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વહેલી સવારથી આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા છે. જોકે સવારે 6 વાગ્યા આસપાસ મોરબી રોડ, રૈયારોડ, રેસકોર્સ, જામનગર હાઇવે, મોટી ટાંકી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસી ગયું હતું. આથી રસ્તાઓ ભીંજાયા હતા. જોકે રાજકોટમાં ગઇકાલથી જ અસહ્ય ઉકળાટ હોવાથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. લોકો ધોધમાર વરસાદની રાહ જોઇને બેઠા છે. આજથી ત્રણ દિવસની આગાહીને લઇને વહીવટી અને મનપા તંત્ર એલર્ટ બન્યું છે. ધોરાજીમાં પણ આજે સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

ગોંડલમાં સવારે ધીમીધારે વરસાદ વરસ્યો.
ગોંડલમાં સવારે ધીમીધારે વરસાદ વરસ્યો.

ગોંડલ શહેરમાં વરસાદી માહોલ જામ્યો
આજે સવારે ગોંડલ શહેરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થઈ ગયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. બીજી તરફ વરસાદને કારણે જમીન ભીની હોવાથી મોવિયા ગામમાં વીજપોલમાં શોર્ટ સર્કિટને કારણે એક ગાયનું મોત નીપજ્યું છે. આથી જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગોંડલના મોવિયામાં ભેજને કારણે વીજપોલમાં શોર્ટ સર્કિટને કારણે ગાયનું મોત
ગોંડલના મોવિયામાં ભેજને કારણે વીજપોલમાં શોર્ટ સર્કિટને કારણે ગાયનું મોત
ધોરાજીમાં ધીમીધારે વરસાદ.
ધોરાજીમાં ધીમીધારે વરસાદ.

(કરશન બામટા, આટકોટ/ દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...