સૌરાષ્ટ્ર યુનિ.માં કોંગ્રેસનો વિરોધ:કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં અનામત નીતિનો અમલ ન થયાના આક્ષેપ સાથે સુત્રોચ્ચાર

રાજકોટ24 દિવસ પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં યુખ કોંગ્રેસ સુત્રોચ્ચાર કર્યા.
  • તમામ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ સીસીટીવીની નજર હેઠળ કરવામાં આવે તેવી માગણી

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકોટ યુથ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પૂર્વ સેનેટ સભ્ય અને કોંગી અગ્રણી ડો.રાજદિપસિંહ જાડેજાની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કરાર આધારિત અધ્યાપકોની ભરતી પ્રક્રિયામાં અનામત નીતિનો અમલ થયો નથી. જે ઉમેદવારોએ અજી કરી છે તેઓને ઇન્ટવ્યૂ માટે બોલાવવામાં આવે તેવી માગણી કરી હતી. તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં સુત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીને લેખિતમાં રજુઆત કરી હતી.

ઇન્ટરવ્યૂ સીસીટીવીની નજર હેઠળ કરવાની માગ
કોંગ્રેસે જણાવ્યું હતું કે, ઉમેદવારોને પોસ્ટ મારફત મોકલેલી અરજીઓ વિભાગના કારણે મોડી પહોંચી હોય તો તેને માન્ય રાખવામાં આવે. જે ભવનમાં વિદ્યાર્થીઓ ઓછા છે ત્યાં વધુ અધ્યાપકો અને જ્યાં વિદ્યાર્થીઓ વધુ છે ત્યાં ઓછા અધ્યાપકો ભરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. તમામ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ સીસીટીવીની નજર હેઠળ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

ભરતીમાં SC-ST ક્વોટા મેન્ટેઇન કરવામાં આવ્યા નથી
રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્યાપકોની ભરતીમાં ભ્રષ્ટાચાર થતા ભરતી કેન્સલ કરવામાં આવી હતી. ફરી વખત આ ભરતી થવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તે માટે ખાસ અમે ઇન્ચાર્જ કુલપતિને રજૂઆત કરવા આવ્યા હતા. 70 જેટલા કરારી અધ્યાપકો લેવાના છે ત્યારે તેમાં SC-ST ક્વોટા મેન્ટેઇન કરવામાં આવ્યા નથી. જ્યારે બંધારણની અંદર આની જોગવાઈ છે. કેટલાક વિદ્યાર્થીઓની ફરિયાદ આવી છે કે, પોસ્ટ મારફત અરજી યુનિવર્સિટીને એક-બે દિવસ મોડી મળતા નિકાલ કરી દીધો છે. જે ડિપાર્ટમેન્ટમાં જરૂર નથી ત્યાં ભરતી ન કરો પણ જ્યાં વિદ્યાર્થીઓ વધારે છે ત્યાં ત્રણને બદલે પાંચ અધ્યાપકો ભરો. અનુભવના માર્ક કાઉન્ટ કરવાના હોય તે લીધા નથી.

યુથ કોંગ્રેસ દ્વારા ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
યુથ કોંગ્રેસ દ્વારા ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શીતા હશેઃ ઇન્ચાર્જ કુલપતિ
ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, યુથ કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટીમાં આગામી સમયમાં થનારી કરારી અધ્યાપકોની ભરતીને લઈને રજૂઆત કરી છે. એ લોકોની વાત હતી કે, ભરતી પ્રક્રિયામાં પારદર્શીતા હોવા જોઇએ. પરંતુ આ વખતની કરારી આધારિત ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શીતા હશે. જે કાંઇ ભરતી થવાની છે તે નીતિ-નિયમોને આધિન થવાની છે. ગયા વખતની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની જવાબદારી મારી છે. આથી ન્યાયપૂર્ણ રીતે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.