મેઘમહેર સાથે મેઘકહેર:રાજકોટમાં સવારથી ધીમીધારે અડધો ઇંચ વરસાદ, ભારે વરસાદથી સૌરાષ્ટ્રમાં 200 વીજપોલ ધરાશાયી, PGVCLની ટીમો કામે લાગી

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ શહેરમાં સવારથી ધીમીધારે વરસાદ. - Divya Bhaskar
રાજકોટ શહેરમાં સવારથી ધીમીધારે વરસાદ.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સતત બીજા દિવસે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે શહેરી વિસ્તારમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં રાજકોટ શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે રાજકોટના 9 જેટલા જળાશયો સહિત સૌરાષ્ટ્રના 141 જળશયોમાં નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે 200 વીજપોલ ધરાશાયી થયા છે. આથી PGVCLની ટીમો કામે લાગી છે.

રાજકોટ શહેરમાં સાર્વત્રિક વરસાદ
રાજકોટમાં આજે સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો, બાદમાં 11 વાગ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, માધાપર ચોકડી, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા એક ઇંચ વરસાદ બાદ આજે સતત બીજા દિવસે શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અષાઢી બીજના પાવન દિવસથી શરૂ થયેલો વરસાદ સતત એક સપ્તાહથી અવિરત વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સાર્વત્રિક વરસાદથી ખેડૂતો અને માલધારીઓમાં ખુશી જોવા મળી રહી છે.

યુનિવર્સિટી રોડ પર કાર રોડમાં ખૂંપી ગઈ.
યુનિવર્સિટી રોડ પર કાર રોડમાં ખૂંપી ગઈ.

યુનિવર્સિટી રોડ પર કાર ખાડામાં ખૂંપી
રાજકોટમાં વરસાદને કારણે યુનિવર્સિટી રોડ પર મનપા દ્વારા રસ્તાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ વાહનચાલકોને એલર્ટ કરતા બોર્ડ લગાવેલા ન હોવાથી એક ઇનોવા કાર ખાડામાં ફસાઇ ગઈ હતી. કારના આગળના વ્હિલ ખાડામાં ખૂંપી ગયા હતા. મહિલા કાર ચાલકે મનપા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

ભારે વરસાદની આગાહીને લઇ કોર્પોરેશનના કર્મચારીઓની રજા રદ
રાજકોટ શહેરમાં સોમવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારની સૂચના અને હવામાન વિભાગના અપડેટને ધ્યાને રાખી પૂરા મ્યુનિ. કોર્પોરેશન તંત્રને કમિશનરે એલર્ટ પર મૂક્યું છે. જરૂર પડે ત્યારે રાહત બચાવ કાર્ય અને હેઠળવાસના વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવું પડે તો પણ ટીમોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. સાથે જ કર્મચારીઓ અને અધિકારીઓની રજા પણ રદ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક.
સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક.

સૌરાષ્ટ્રમાં ખેતીવાડીના 197 ફીડર ફોલ્ડમાં ગયા
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે 20 ગામોમાં વીજપુરવઠો બંધ રહ્યો હતો. તેમજ 200થી વધુ વીજપોલ તૂટી પડ્યા હતા. રાજકોટ શહેરમાં આજે દિવસ દરમિયાન અનેક સ્થળે ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાય ગયો હતો. યુનિ. રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ સહિતનાં વિસ્તારોમાં વીજળી વેરણ થતાં લોકોએ પારાવાર હાલાકી ભોગવવી પડી હતી. એગ્રીકલ્ચરનાં 197 ફીડર ફોલ્ટમાં ગયા હતાં. જ્યારે જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળનાં અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સંખ્યાબંધ વીજ લાઈનો તૂટી પડ્યા હતા. આ વિસ્તારમાં ઝડપથી ખેતીવાડી સહિતનાં વીજ જોડાણોને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ટીમ આ વિસ્તારમાં દોડી ગઈ હતી.

રાજકોટના જળાશયોમાં નવા નીરની આવક
વરસાદથી રાજકોટ જિલ્લાના ન્યારી-2 ડેમમાં પણ બે ફૂટ જેટલાં નવા નીરની આવક થઇ છે. તેમજ મોતીસર ડેમમાં 1.64 ફૂટ, છાપરવાડી-1 ડેમમાં ત્રણ ફૂટ, છાપરવાડી-2 ડેમમાં 10.50 ફૂટ, કરમાળમાં 0.66 ફૂટ અને ભાદર-2 ડેમમાં 6 જેટલા નવા નીરની આવક થઇ છે. તેમજ મોરબી જિલ્લાના પાંચ ડેમોમાં પણ અડધોથી એક ફૂટ નવા નીરની આવક થઇ છે. જેમાં ડેમી-1માં પોણો ફૂટ, ડેમી-2માં 0.16 ફૂટ, ઘોડાધ્રોઇમાં 5.25 ફૂટ, બ્રાહ્મણી-2 ડેમમાં અડધો, મચ્છુ-3 ડેમમાં એક ફૂટ નવા નીરની આવક થઇ છે.