દિવ્ય ભાસ્કર સ્ટિંગ:મૃત ગાયનું ચામડું, માંસ, હાડકાં વેચાય છે

રાજકોટ16 દિવસ પહેલાલેખક: મહેન્દ્રસિંહ જાડેજા, ઈમરાન હોથી
  • કૉપી લિંક
  • ચાર દાયકાથી અસામાજિક તત્ત્વોનો ડમ્પિંગ સાઈટ પર કબજો, રાજકોટ મનપા મૃત ઢોરને સોખડાની ડમ્પિંગ સાઈટ પર પહોંચાડવા સુધી એક દિવસનો 5500 રૂપિયાનો ખર્ચ કરી કર્મચારી પણ તૈનાત કરે છે છતાં ગૌમાતાના આ હાલ !
  • જ્યાં જવાની સરકારી અધિકારીઓની ફેં ફાટે છે તે સોખડા ડમ્પિંગ સાઈટ પર પહોંચી દિવ્ય ભાસ્કરે કર્યો પર્દાફાશ
  • ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી નીતિ | ગૌમાંસ વેચવા પર પ્રતિબંધ છે પણ મનપાની સાઈટ પર જ મૃત ગાયને કાપીને તેના અંગોનો થાય છે વેપાર

રાજકોટ શહેરમાં જીવદયા અને ખાસ કરી ગૌવંશ સંરક્ષણ અને બચાવવા માટે ઘણા કાર્યક્રમો થાય છે, પણ, હકીકતે ગૌવંશની સ્થિતિ સુધરી નથી પણ બગડતી જ જાય છે. જે ગાયો દૂઝતી બંધ થાય એટલે શહેરમાં રખડે આ રખડતી ગાયો ઢોર ડબ્બે જાય અને તેના માલિકને જો લાભ હોય તો ત્યાં છોડાવા જાય બાકી ઘરડી હોય તો ત્યાં જ રહેવાની. આટલું જ નહિ ઘણી ગૌશાળામાં પણ ગાયો લાચાર છે.

જીવતે જીવ તો ગાયો પરેશાન છે જ પણ મર્યા બાદ પણ ગાયોના નસીબમાં શું છે તે જાણતાં જ કંપારી છૂટે છે. તેમની ચામડી ખેંચી લેવાય છે, એક એક નસ ખેંચી અલગ કાઢી લેવાય છે હાડકાં અને માંસ કપાય છે. ગૌમાંસની રિક્ષાઓ ભરાઈને પછાત વિસ્તારોમાં વેચી દેવાય છે, ચામડું અને હાડકાંઓ ફેક્ટરીઓમાં જાય છે અને આ રીતે લાખોની કમાણી ગેરકાયદે થાય છે.

ડમ્પિંગ સાઈટમાં ખાડો ખોદીને મૃત પશુને દાટી દેવાય
રાજકોટ શહેરમાં કોઇપણ પ્રાણીનું મોત થાય એટલે તેના માટે મનપાએ કન્ઝર્વન્સી વિભાગ શરૂ કર્યો છે જેમાં ફોન કરતાં જ મરેલું પશુ લેવા વાહન આવે છે. આ વાહન સોખડા ડમ્પિંગ સાઈટ જાય છે અને ત્યાં ખાડો ખોદીને મૃત પશુને દાટી દેવાય છે. આ ચોપડા પર થતી કામગીરી છે પણ હકીકતે ચિત્ર અલગ જ છે. સોખડાની મનપાની સાઈટ પર અમુક અસામાજિક તત્ત્વોનો દાયકાઓથી કબજો છે.

તેઓ મરેલા પશુ ખાસ કરીને ગાયનું ચામડું કાઢે, માંસ કાઢે, નસો કાઢે અને આ બધું વેચી નાખે. હાડકાંઓને ખુલ્લામાં ફેંકી સૂકાવા દે અને પછી એ હાડકાંઓને પણ વેચી દે છે. આવું છાનેખૂણે નહિ પણ સરાજાહેર ખુલ્લા મેદાનમાં મનપાના કર્મચારીઓની સાઠગાંઠ હોવાથી તેમની નજર સામે થાય છે.

સ્વઘોષિત ગૌરક્ષકો અને તંત્રને પણ આ કાળા કારોબારની ખબર છે પણ ગાયોને કાપતા શખ્સોને અટકાવવાની હિંમત નથી કરી શકતા. આ શખ્સો તીક્ષ્ણ હથિયારો રાખે છે અને ડમ્પિંગ સાઈટમાં કોનો મૃતદેહ ક્યાં કપાઈને દટાય જાય તે શોધવાથી પણ મળે નહીં એટલે જ અહીં ફરકવામાં પણ બધાની ફેં ફાટે છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ત્યાં પહોંચી હતી મૃત ગાયના શરીરને ક્ષતવિક્ષત કરતા પોતાની નજરે જોતા ગાયોના મૃતદેહોને અભડાવીને કરાતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

ખાડો ખોદી તેમાં મીઠું નાખી મૃત ગાયની સન્માનપૂર્વક અંતિમવિધિ કરવાની હોય છે પણ આવું કશું જ થતું નથી
આ તસવીર તમને વિચલિત કરી શકે છે પણ સ્થિતિની ગંભીરતા જાણી શકાય તે માટે અહીંયા પ્રસિદ્ધ કરવી જરૂરી છે. સોખડામાં ખુલ્લા મેદાનમાં આ રીતે કપાય છે મૃત ગાય, ચામડું અલગ કરી, નસ કાઢી, ગૌમાંસ એકઠું કરી હાડપિંજર સૂકાવા મૂકી દેવાય છે.

આ કૌભાંડમાં કોની જવાબદારી, કોને આવક
1 કોન્ટ્રાક્ટર બારોબાર ફોન કરીને મૃતદેહ ઉપડાવે, મનપા પાસેથી મફતમાં દૈનિક કમાણી કરે અને મૃતદેહ બદલ કમિશન પણ મળે.
2 સોખડા સ્થિત મનપાના કર્મચારીઓ ગાયોને દાટે નહિ અને માત્ર ચોપડે કામ થયાનું ગણાવી ખર્ચ ઉધારી દે
3 આ બધા સાથે સેટિંગ કરતા શખ્સો ખુલ્લેઆમ ગાયોને કાપી ચામડા સહિતનો ભાગ અલગ કરી ગેરકાયદે વેચી નાખે

બેવડી કમાણી | મૃત ઢોર ઉપાડવા કોન્ટ્રાક્ટર મનપા પાસેથી તો રૂપિયા વસૂલે છે પણ કમિશન માટે બારોબાર સોદો કરે છે
રાજકોટ મનપાએ ચાર પગવાળા મૃત પશુઓ ઉપાડવા માટે કોન્ટ્રાક્ટ આપેલો છે જેને દૈનિક 5500 રૂપિયા આપવામાં આવે છે. મનપાના કોલ સેન્ટરમાં મરેલા પશુની ફરિયાદ આવે એટલે આ કોન્ટ્રાક્ટરને પોતાના વાહનમાં પશુઓ ઉપાડી સોખડા ડમ્પિંગ સાઈટ પર લઈ જવાનું હોય છે.

સાઈટ પર મનપાના કન્ઝર્વન્સી વિભાગના કર્મચારીઓ બુલડોઝર સાથે તૈનાત હોય છે તેઓ ખાડો ખોદે અને તેમાં પશુ નાખી મીઠું નાખી પશુ દાટી દેવાનું હોય છે. પણ, કોન્ટ્રાક્ટર ફરિયાદ આવે એટલે પોતે જવાને બદલે સોખડા ખાતે ગાયોને કાપવાનું કામ કરતા શખ્સોને જ ફોન કરી દે છે.

ખાનગી વાહનમાં સ્થળ પર જઈને ગાયના મૃતદેહને ઉપાડી આવે
શખ્સો પોતાના ખાનગી વાહનમાં સ્થળ પર જઈને ગાયના મૃતદેહને ઉપાડી આવે છે અને તે બદલ કોન્ટ્રાક્ટરને કમિશન આપે છે. આ મૃતદેહ સોખડા લઈ આવી તેને ક્ષતવિક્ષત કરે છે. કન્ઝર્વન્સી વિભાગનું બુલડોઝર અને કર્મચારીઓ સામે જ ઊભા હોય છે જોકે તેમને પણ લાભ મળતો હોવાથી કશું બોલતા નથી. માત્ર હાજરી પૂરી સોખડાનું પટ રેઢું મૂકી રવાના થઈ જાય છે.

ગાયોના હાડપિંજર અને 15 કપાતા મૃતદેહ વચ્ચે : ભાસ્કરની ટીમે પૂછ્યું ગાય કેમ કાપો છો? જવાબ આવ્યો બધું વેચીએ છીએ!
ગાયોના મૃતદેહોને કાપીને ચામડા અને ગૌમાંસ પણ વેચાતા હોવાની બાતમી મળતા દિવ્ય ભાસ્કરની ટીમ સોખડા ડમ્પિંગ સાઈટ પર પહોંચી હતી. ટીમ પહોંચી ત્યારે જ મૃત ગાયો ભરેલા ખાનગી વાહનો આવ્યા હતા અને મૃતદેહો ખુલ્લા મેદાનની વચ્ચે મૂક્યા હતા. ત્યાં ચારેકોર ગાયોના હાડપિંજર હતા, હાડકાં હતા અને શરીરમાંથી કાઢેલી નસો સૂકાઈ રહી હતી. મૃત ગાયો જેવી વાહનમાંથી ઉતરી એટલે કેટલાક યુવાનો ત્યાં પહોંચ્યા અને ગાયો કાપવાનું શરૂ કર્યુ.

સ્થળ પર હરિ, સુરેશ, રમેશ, પ્રવીણ નામની વ્યક્તિઓ હાજર હતી જ્યારે બીજા યુવાનો ગાયોને કાપી ચામડું અલગ કરી રહ્યાં હતાં. હરિ અને સુરેશ બંનેને થોડી થોડી વારે સૂચના આપી રહ્યા હતા. ટીમે હાજર શખ્સોને નામ પૂછી તેમની સાથે પ્રાથમિક વાતચીત કરી અને પૂછ્યું હતું કે, આ ગાયો ક્યાંથી આવે છે તો તેના જવાબમાં ગૌશાળા બોલ્યા હતા. આ ઉપરાંત આ ગાયને શા માટે કપાય છે તે પૂછતા હાજર શખ્સોએ આખી પ્રક્રિયા જણાવી હતી.

તેઓએ ચામડું વેચવા માટે કાપવાનું કહ્યું હતું. ચામડા કાઢ્યા બાદ જે હાડપિંજર વધે છે તેને ખુલ્લામાં રાખી દે છે જેથી શ્વાન, બગલા સહિતના પ્રાણી અને પક્ષીઓ હાડપિંજરમાંથી માંસ અલગ કરીને ખાઈ જાય છે. હાડકાં પર માંસ અલગ થાય અને સૂકાઈ કોરા થઈ જાય ત્યારે ભેગા કરીને તે પણ બોન મિલમાં વેચી દેવાય છે.

ગાયોને કાપતી વખતે તેની નસો પણ સાવચેતી પૂર્વક ખેંચી લેવાય છે અને તેને પણ સૂકવીને વેચાય છે. આ રીતે ગાયના શરીરને ક્ષતવિક્ષત કરીને તેમાંથી નફો રળે છે. આવું અહીં હમણા નહિ પણ 3થી 4 દાયકાથી થઈ રહ્યું છે. આ કારોબારમાં મનપાના કન્ઝર્વન્સી વિભાગના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટર પણ સામેલ છે.

મૃત ગાયની નસો ખેંચી, સૂકવી બાદમાં વાયા અમદાવાદથી વિદેશ મોકલાય છે!
ગાયના ચામડા, માંસ, હાડકાં ઉપરાંત નસ પણ અલગ કરીને તેની સૂકવણી કરાય છે અને તે માટે માચડો બનાવાયો છે. આ નસ સૂકાય એટલે હરિભાઈ, સુરેશભાઈ સહિતના લોકો અલગ અલગ જગ્યાએ ફોન કરે અને જરૂર હોય ત્યાં પાર્સલ મોકલી દે પછી તેને એક્સપોર્ટ કરી ચાઈના, કોરિયા સહિતના દેશોમાં મોકલાય છે. આ શખ્સો એવો દાવો કરે છે કે, વિદેશમાં ગાયોની નસની ડિમાન્ડ છે અને ત્યાં તેઓની પરંપરાગત ઔષધી સિસ્ટમ મુજબ દવા બને છે માટે અમદાવાદની પાર્ટી આ નસ મગાવે છે અને ત્યાંથી વિદેશ મોકલાય છે.

અન્ય સમાચારો પણ છે...