9 મે સુધી તો ફેનિલ મારી સાથે એન્જોય કરતો હતો. બપોરે 12 વાગ્યા સુધી અમે લગ્નમાં ગામડે ગયા હતા. પછી જમીને ઘેર આરામ કરવા ગયા કારણ કે પછી અમારે ગામડેથી જૂનાગઢ જવા નીકળવાનું હતું. મને થયું થોડો આરામ કરી લે પછી ઠંડા પોરે નીકળીએ. ફેનિલ સૂતો હતો, સાંજે 4.30 કલાકે ઉઠાડ્યો ત્યારે એનું મગજનું સંતુલન ગુમાવવા લાગ્યું. પોતે જાતે ઊભો થઇ શક્તો ન હતો મેં પકડીને ઊભો કર્યો. મોં ધોઈ આપ્યું પછી એ પોતાના બૂટ પહેરવા લાગ્યો પરંતુ એક બૂટ પહેર્યું પછી બીજું એના મમ્મીનું ચપ્પલ પહેરવા લાગ્યો. મગજનું સંતુલન ગુમાવવા લાગતા હું તુરંત જૂનાગઢ હોસ્પિટલમાં લઇ ગયો. ઈમરજન્સી સારવાર શરૂ કરી.
ત્યાં ફેનિલના રિપોર્ટ ખરાબ આવ્યા. ડોકટરે કહ્યું, વધુ સારવાર માટે ફેનિલને રાજકોટ લઇ જવો પડશે. જૂનાગઢથી તાત્કાલિક ડોક્ટર સાથેની એમ્બ્યુલન્સમાં અમે ફેનિલને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા. 50 હજારના જુદા-જુદા રિપોર્ટ કરાવ્યા પરંતુ એકાએક બ્રેઈન ડેડ થવાનું અને અંગો ડેમેજ થવાનું સચોટ કારણ ડોક્ટરને પણ જાણવા ન મળ્યું. સારવારમાં કોઈ કચાશ નથી રાખી. એકદમ હાઈફાઈ ટ્રીટમેન્ટ કરી. સારવાર દરમિયાન પણ ફેનિલ ઘેર જવાનું કહેતો હતો.
48 કલાકની ટ્રીટમેન્ટ સાઇકલ પૂરી થઇ ન હતી ત્યાં ડોકટરે મને બોલાવ્યો અને કહ્યું કે ફેનિલને ઝીરો ટકા રિકવરી છે, આટલી બધી ટ્રીટમેન્ટ ચાલુ છે છતાં મગજમાં સોજા આવી ગયા, ટ્રીટમેન્ટની સાઇકલ પૂરી કરવામાં પણ આપણી જીત નથી. પછી હું સમજી ગયો અમે ડિસ્ચાર્જની મંજૂરી લીધી. ડોક્ટરોની ટીમે 12મીએ રાત્રે ફેનિલને બ્રેઈનડેડ જાહેર કર્યો. મેં ડોક્ટરને કહ્યું કે, મારે ફેનિલના બધા અંગો દાન કરવા છે. ડોક્ટરે કહ્યું, લિવર અને કીડની ડેમેજ છે પછી અમે આંખો અને સ્કીનનું દાન કર્યું.
અંગદાન કરવાનો મારો અને મારા પત્નીનો જ વિચાર હતો. કારણ કે મને જાણમાં હતું કે ભારતમાં અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે ખૂબ વેઈટિંગ છે. અમારી જેમ 5% લોકો પણ આવો અંગદાન કરવાનો વિચાર કરે તો વેઈટિંગ ઝીરો ટકા કરી શકાય. સ્કીન અને આંખોનું દાન કર્યું છે. આંખ કેટલા લોકો અને કેવી રીતે કામ આવશે તે આઈ બેંકવાળા નક્કી કરશે પરંતુ સ્કીન 10થી 15 લોકોને કામ આવી શકે છે. અશોકભાઈ રાજપરા, ફેનિલના પિતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.