તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:રાજકોટ જિલ્લાના તમામ PHCમાં છ-છ ઓક્સિજન કિટ 4 દિવસમાં પહોંચાડાશે

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ત્રીજી લહેર પહેલા ગામડાંઓમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવશે
  • ઓક્સિજન સિલિન્ડર સહિત કિટ પાછળ 50 લાખનો ખર્ચે થયો છે

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન ન મળવાને કારણે અનેક લોકોએ દમ તોડ્યો હતો. ત્યારે ફરી આ સ્થિતિ ઊભી ન થાય તે માટે રાજકોટ જિલ્લાના દરેક આરોગ્ય સેન્ટર ખાતે 4 દિવસમાં ઓક્સિજન પહોંચાડી દેવામાં આવશે. જિલ્લામાં 54 પીએચસી ખાતે ઓક્સિજન સિલિન્ડર સહિતની કુલ 300 કિટ ફાળવી દેવામાં આવશે. કોરોનાની સંભવત ત્રીજી લહેર આવે તો ગ્રામ્ય લેવલે જ લોકોને ઓક્સિજન સહિત સુવિધા મળી રહે તે માટે અગાઉથી આ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

બીજી લહેરમાં સરકારી હોસ્પિટલ જ નહીં, ખાનગી હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછત સર્જાઈ હતી. ઓક્સિજનના ખાલી સિલિન્ડર મેળવવા માટે પણ લોકોની કતારો જોવા મળી હતી. તેમાં પણ સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ અતિ વિકરાળ બની હતી. ત્યારની સ્થિતિને જોતા રાજકોટ જિલ્લામાં ત્રીજી લહેર આવે તે પહેલા ગામડાંઓના આરોગ્ય કેન્દ્રો ખાતે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવશે. આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ આગામી 5 દિવસમાં જિલ્લાના તમામ એટલે કે, 54 પીએચસી ખાતે ઓક્સિજન પહોંચી જશે.

માત્ર ઓક્સિજન સિલિન્ડર નહીં, પરંતુ આખી કિટો પહોંચાડવામાં આવશે. એક પીએચસી દીઠ 6 ઓક્સિજન કિટ ફાળવવામાં આવશે. જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી આ ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવશે. 300 ઓક્સિજન કિટ માટે 50 લાખ જેટલો ખર્ચ થયો છે.બીજી તરફ નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના નથી, પરંતુ આરોગ્ય વિભાગે આગમચેતીના ભાગરૂપે તૈયારી કરી છે.

દરેક PHCમાં 6 ઓક્સિજન બેડ
રાજકોટ જિલ્લાના દરેક પીએચસી ખાતે 6 ઓક્સિજન કિટ ફાળવવામાં આવશે. જેથી દરેક પીએચસીમાં 6 ઓક્સિજન બેડ તૈયાર થઈ જશે. અત્યાર સુધી ગ્રામ્ય લેવલે ઓક્સિજનની વ્યવસ્થા ન હતી. જેથી કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને ન છૂટકે રાજકોટ શહેરની હોસ્પિટલોનો સહારો લેવો પડ્યો હતો. જોકે હોસ્પિટલોમાં પણ દર્દીઓને ઓક્સિજન માટે ભટકવાનો વારો આવ્યો હતો.

ઓક્સિજનની સુવિધા યથાવત્ રહેશે
હાલ ભલે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ઓક્સિજન કિટ ફાળવવામાં આવી હોય, પરંતુ કોરોનાની ત્રીજી લહેર આવે કે ન આવે, આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજનની સુવિધા યથાવત્ રાખવામાં આવશે. જેના કારણે દર્દીઓને કોરોના સિવાય અન્ય બીમારીઓમાં પણ ઓક્સિજનની જરૂર પડશે તો પીએચસી ખાતે સારવાર મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...