ઓડિટમાં ભાંડો ફૂટ્યો:ગ્રાહકે વીજબિલના ભરેલા પોણા છ લાખ 7 કર્મીએ વાપરી નાખ્યા

રાજકોટ2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ઓરિજિનલ રિસિપ્ટ ગ્રાહકને આપી, વીજકંપનીની કોપી ગુમ કરી, સિસ્ટમમાં જમા બતાવ્યા

કૌભાંડ અને પીજીવીસીએલ જાણે એકમેકના પર્યાય બની ગયા હોય એમ સમયાંતરે વીજકર્મીઓના કૌભાંડ છતાં થતા રહે છે. તાજેતરમાં જ પીજીવીસીએલના સાત કર્મચારીએ ગ્રાહકે વીજબિલના જમા કરાવેલા રૂ. 5.78 લાખ બારોબાર વાપરી નાખતા આખા પીજીવીસીએલમાં આ પ્રકરણ  ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વીજકંપનીના કર્મચારીઓએ ભવાની ઇન્ડસ્ટ્રીઝ નામના એકમના હાઈ ટેન્શન વિન્ડફાર્મના સેટ-ઓફ આપવાના કિસ્સામાં વધારાની રકમ ગ્રાહકે રૂ. 5.78 લાખ રાજકોટ સિટી ડિવિઝન-1માં ભરી હતી. 50 હજારથી વધુ રકમનું બિલ ચેકથી સ્વીકારવાના નિયમ છતાં પીજીવીસીએલના કેશિયરે તમામ રકમ રોકડેથી સ્વીકારી ઓરિજિનલ રિસિપ્ટ ગ્રાહકને આપી. વીજકંપનીના રેકોર્ડની કોપી ગુમ કરી કેન્સલ બતાવી અને સિસ્ટમમાં રૂ. 5.78 લાખ જમા બતાવ્યા, પરંતુ પીજીવીસીએલમાં જમા ન કરાવ્યા અને બારોબાર ઉચાપત કરનાર 7 કર્મચારી સામે ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે.

નિવેદનમાં ઉચાપત કબૂલી, પોલીસ ફરિયાદની તજવીજ
ગ્રાહકના બિલના પૈસા બારોબાર વાપરી નાખવાના પ્રકરણમાં પીજીવીસીએલએ ખાસ સમિતિ રચી તપાસ કરાવી હતી જેમાં સાત વ્યક્તિના નામ ખુલ્યા છે તે તમામના નિવેદનો પણ લેવાયા છે અને ઉચાપત કરી હોવાનું કબૂલ્યું છે હવે ગણતરીના દિવસોમાં જ વીજકંપનીએ પોલીસ ફરિયાદ કરવાની પણ મંજૂરી આપી છે તે કાર્યવાહી હાથ ધરાશે.

આવી રીતે આચર્યું કૌભાંડ
ભવાની ઇન્ડસ્ટ્રીઝ એકમના ગ્રાહકે 2016માં રૂ. 5,78,250ની રકમ જમા કરાવી. 15 ફેબ્રુઆરીએ ગ્રાહકે આ રકમ રોકડેથી સિટી ડિવિઝન-1માં ભરી. આ રકમની ઓરિજિનલ રિસિપ્ટ ભવાની ઇન્ડસ્ટ્રીઝ પાસે છે જ્યારે ડુપ્લિકેટ એટલે કે વીજકંપનીના રેકોર્ડની રસીદ રદ કરી ઉચાપત કરી. આટલી મોટી રકમ રોકડેથી નહીં સ્વીકારવાનો નિયમ છતાં વીજકર્મીએ સ્વીકારી બારોબાર વાપરી નાખ્યા અને ભવાની ઇન્ડસ્ટ્રીઝના નામની રૂ. 1750ની પરચૂરણ ચાર્જની રસીદ બનાવીને કંપનીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. ગ્રાહકે અનેક વખત રજૂઆતો કરવા છતાં ઉચાપત કરનારા વીજકર્મીઓના યુનિયનના હોદ્દેદારો હોય પ્રકરણ દબાવી દેવા પ્રયત્નો થયા, પરંતુ વર્ષ 2017-18ના ઓડિટમાં ભાંડો ફૂટ્યો અને આખું કૌભાંડ છતું થયું.

આ 7 કર્મીઓએ પૈસા વાપરી નાખ્યા

 1. એન.ડી. પનારા (કાર્યપાલક ઈજનેર)
 2. બી.એમ. મારવાણિયા (નાયબ ઈજનેર)
 3. ભરતભાઈ કે.  મેહતા (સુપરિન્ટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ)
 4. મહેશભાઈ એલ. દેશાણી (ના. સુપરિ. ઓફ એકાઉન્ટ)
 5. કીર્તિભાઈ કે. પ્રજાપતિ (ના. સુપરિ. ઓફ એકાઉન્ટ)
 6. મહેન્દ્રભાઈ ટી. ઉનડકટ (સિનિયર આસિસ્ટન્ટ)
 7. શર્મિલાબેન વી. વાછાણી (જુનિયર આસિસ્ટન્ટ)
 • જે-તે સમયે આ પ્રકરણમાં ઉચાપત કોને કરી એ ખ્યાલ નથી, પરંતુ તે સમયે નાયબ અધિક્ષક હોવાને કારણે અમારું પણ આમા નામ આવ્યું છે. પીજીવીસીએલની તપાસ સમિતિને પણ નિવેદન આપ્યું છે. - મહેશભાઈ દેશાણી, નાયબ સુપરિન્ટેન્ડન્ટ ઓફ એકાઉન્ટ
 • આ ઉચાપત પ્રકરણમાં જે લોકો જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. પીજીવીસીએલને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે તે ખૂબ ગંભીર બાબત છે અમે તપાસ કરાવી છે. - શ્વેતા ટીઓટિયા, MD, PGVCL
અન્ય સમાચારો પણ છે...