ખૂની હુમલો:પોપટપરા પાસે બે યુવાન પર ત્રણ મહિલા સહિત 6નો ખૂની હુમલો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભૂગર્ભ ગટરના મુદ્દે 7 દી’ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી ફરી હુમલો

જૂના ઝઘડાનો ખાર રાખી ત્રણ મહિલા સહિત 6 શખ્સે પિતરાઇભાઇઓ પર ઘાતક હથિયારો સાથે ખૂની હુમલો કર્યો છે. હુમલામાં ઘવાયેલા બંને યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવને પગલે ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. પોપટપરા ત્રેપનિયા ક્વાર્ટર પાસે રહેતા મોહિત ગલાભાઇ મકવાણા અને તેનો પિતરાઇભાઇ ગોકુળ લખુભાઇ સિંધવ નામના યુવાનો બુધવારે સાંજે તેમની વાડીએથી પરત તેમના ઘર તરફ જઇ રહ્યાં હતા.

ત્યારે મોહિતની વાડીની બાજુમાં જ વાડી ધરાવતા રહીમ ખીરા, તેની પત્ની રહેમતબેન, પુત્ર હુશેન સહિત છ શખ્સે તલવાર, પાઇપથી હુમલો કરી નાસી ગયા હતા. હુમલામાં બંને યુવાનને માથા સહિતના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા પ્રદ્યુમ્નનગર પોલીસ ઉપરાંત ક્રાઇમ ડીસીપી સહિતના અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ દોડી ગયા હતા. બનાવ અંગે એસીપી પી.કે.દિયોરાના જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્ત મોહિતની પોપટપરા વિસ્તારમાં વાડી આવેલી છે.

તેની વાડીની બાજુમાં આરોપી રહીમ ખીરાની વાડી આવેલી છે. દરમિયાન બંનેની વાડી પાસેથી ભૂગર્ભ ગટર કરવાના મુદ્દે અગાઉ બોલાચાલી થયા બાદ અઠવાડિયા પહેલા રહીમ ખીરાના દીકરાઓએ મોહિત સાથે મારામારી કરી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. દરમિયાન અઠવાડિયા પૂર્વે થયેલા ડખાનો ખાર રાખી આજે મોહિત તેના મામાના દીકરા ગોકુળ સાથે વાડીએથી ઘરે જતા હતા. ત્યારે રહીમ ખીરા, તેની પત્ની, પુત્રો સહિતનાઓએ ઘાતક હથિયારો સાથે ખૂની હુમલો કર્યો હતો. મામલો વધુ ન વણસે તે માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવાયો છે.

હુમલાખોરોના ઘરમાં તોડફોડ
બુધવારે સાંજે પિતરાઇભાઇ પર ખૂની હુમલાનો બનાવ બનતા વાતાવરણ ડહોળાયું હતું. બાદમાં પોપટપરા ત્રેપનિયા ક્વાર્ટર પાસે રહેતા હુમલાખોરોના ઘરે ચાર શખ્સ દોડી ગયા હતા અને હુમલાખોરોના મકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. જે બનાવ સમયે હુમલાખોર રહીમ ખીરાની પત્ની રહેમતબેન હાજર હોય તેને મકાન પર હુમલો કરી તોડફોડ કરનાર ચાર અજાણ્યા શખ્સ સામે પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...