અધમ કૃત્ય:રાજકોટના સર ગામમાં 14 વર્ષની સગીરા પર જીજાજીના મોટા ભાઈએ જ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો, પીડિતાના પિતાનું 20 દિવસ પહેલા જ અવસાન થયું હતું

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા નરાધમની ધરપકડ કરી
  • પિતાની લૌકિક વખતે સગીરાનું પેટ વધી ગયાની પરિવારને જાણ થઇ

રાજકોટના સરધાર પાસે આવેલા સર ગામે રહેતા એક શખ્સે પોતાના ઘરે આવેલી નાનાભાઈની 14 વર્ષની સાળીને હવસનો શિકાર બનાવી ગર્ભ રાખી દેતા ચકચાર મચી ગઇ છે. 20 દિવસ પૂર્વે પિતાની છત્રછાયા ગુમાવનાર સગીરા ઉપર થયેલા દુષ્કર્મ અંગેની જાણ તેના પિતાની લૌકિક વખતે થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ અંગે ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી છે.

સગીરાની માતા તેના માવતરના ઘરે રહે છે
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ગામે માવતરના ઘરે રહેતી 33 વર્ષીય કોળી મહિલાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના સરધાર ગામ પાસે આવેલા સર ગામે રહેતા નારણ ચીનુભાઈ તલાવડીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં તેણે સર ગામે રહેતા નારણ ચીનુભાઈ તલાવડીયાએ તેની 14 વર્ષની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવ્યું છે.

હાર્ટ એટેકથી સગીરાના પિતાનું અવસાન થયું હતું
જિલ્લાના કોટડાસાંગાણી ગામે માવતરના ઘરે રહેતી મહિલાના લગ્ન ખડવાવડી ગામે રહેતા યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી થયા હતા. જેમાં પુત્રીમાં એક 18 વર્ષ અને બીજી નાની 14 વર્ષની છે. જ્યારે પુત્રમાં મોટો 12 વર્ષ અને નાનો 8 વર્ષનો છે. મોટી પુત્રીના લગ્ન સર ગામે થયા છે. મહિલાના પતિનું 20 દિવસ પૂર્વે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. ત્યારબાદ મહિલા પોતાના માવતરના ઘરે બલધોઈ ગામે આવી ગઈ હતી. પતિના અવસાન બાદ લૌકિક વખતે 14 વર્ષની નાની પુત્રીનું પેટ વધી ગયું હોય પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હતી. આથી પુત્રી સાથે કશુંક અજુગતું બન્યાની શંકાએ તેની પૂછપરછ કરતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

આરોપીએ સગીરાના ભાઈની હત્યા કરી નાખવાની ધમકી આપી હતી
14 વર્ષની નાની પુત્રીએ માતાને આપવીતી જણાવી હતી. જેમાં તેની ઉપર બનેવીના મોટાભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની વાત કરતા પરિવારજનો ચોકી ગયા હતા. પૂછપરછમાં જાણવા મળતી માહિતી મુજબ છ માસ પૂર્વે દંપતીને સગાઇના કામ માટે નજીકના ગામે જવાનું થયું ત્યારે 14 વર્ષની નાની પુત્રી અને 8 વર્ષના નાના પુત્રને મોટી પુત્રીના સાસરે મૂકી ગયા હતા ત્યારે મોટી પુત્રીના જેઠ સર ગામે રહેતા નારણ ચીનુભાઈ તલાવડીયાએ 14 વર્ષની સગીરાના ભાઈની હત્યા કરી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

આજીડેમ પોલીસે આરોપીની ધરપકડ કરી (ફાઇલ તસવીર).
આજીડેમ પોલીસે આરોપીની ધરપકડ કરી (ફાઇલ તસવીર).

આજીડેમ પોલીસમાં બનાવના છ માસ બાદ ગુનો નોંધાયો
સગીરા અને તેનો ભાઈ બહેનના ઘરે એકલા હતા ત્યારે નારણ ચીનુભાઈ તલાવડીયાએ સગીરાના ભાઈને મોબાઈલ આપી ઘરની બહાર રમવા મોકલી દીધો હતો. જ્યારે નાનોભાઈ અને તેની પત્ની ઘરે હાજર ન હતા. તેમજ નારણ ચીનુભાઈ તલાવડીયાની માતા ઢોર ચરાવવા ગયા હતા. ત્યારે સગીરાની એકલતાનો લાભ લઇ પુત્રીના જેઠે દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ મામલે આજીડેમ પોલીસમાં બનાવના છ માસ બાદ ગુનો નોંધાયો છે. હાલ પોલીસે નારણ ચીનુભાઈ તલાવડીયાની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...