તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતનું અનોખું ગામ:રાજકોટના ગુંદાળા ગામે પહેલી લહેર પછી બીજી લહેરમાં પણ કોરોનાનો એક પણ કેસ નહીં, બહારના લોકોને નેગેટિવ રિપોર્ટ વગર નો-એન્ટ્રી

રાજકોટએક મહિનો પહેલા
  • મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ગામમાં આગોતરા આયોજનરૂપે કોવિડ કેર સેન્ટર તૈયાર

રાજકોટ તાલુકાનું ગુંદાળા ગામ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનમાં અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે. કોરોનાની પહેલી લહેરમાં ગુંદાળા ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે કે કોરોનાની બીજી લહેરમાં પણ ગામે ગામ કોરોનાનુ સંક્રમણ વધ્યું પરંતુ ગુંદાળા ગામ કોરોના સામે અદભુત જાગૃતિ દાખવી પ્રેરણાનું ઝરણું બન્યું છે અને બીજી ઘાતક લહેરમાં પણ એક પણ કેસ જોવા મળ્યો નથી. બહારના લોકોને નેગેટિવ રિપોર્ટ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી.

આગોતરા આયોજનના ભાગરૂપે કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું
મુખ્યમંત્રી વિજય રૂપાણીના મારુ ગામ કોરોના મુક્ત ગામના અભિયાનને સાર્થક કરી ગુંદાળા ગામમાં સરપંચ જીલુભાઇ ગમારાના માર્ગદર્શન હેઠળ ગામની પ્રાથમિક શાળામાં આગોતરા આયોજનના ભાગરૂપે કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. કોવિડ કેર સેન્ટરમાં તકેદારીના ભાગરૂપે દર્દીઓ માટે બેડ તેમજ જરૂર પડે તેમને ભોજન, જ્યુસ, લીંબુ પાણી અને દવાઓ મળી રહે તે માટે આરોગ્ય ખાતાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગુંદાળા, જીવાપરા અને નવાગામની સંયુક્ત ગ્રામ પંચાયત આવેલી છે. ત્રણેય ગામની કુલ વસ્તી અંદાજીત 5000 જેટલી છે.

શ્રમિકોને કરિયાણું અને શાકભાજી આપવામાં આવે છે.
શ્રમિકોને કરિયાણું અને શાકભાજી આપવામાં આવે છે.

ગામના શ્રમિકોને કરિયાણું અને શાકભાજી આપવામાં આવે છે
સરપંચ જીલુભાઈ ગમારાએ મારુ ગામ કોરોના મુક્ત ગામની સફળતા જણાવતા કહ્યું કે અમારું ગામ પહેલેથી જ જાગૃત ગામ છે. ગામના બધા જ લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે કામ સિવાય બહાર નીકળવું નહીં. કરિયાણાની દુકાન હોય કે બીજી કોઇ પણ દુકાને એકઠા થવું નહીં. ગામના મજૂરોને સરપંચના સહયોગથી શાકભાજી અને અનાજ અને અન્ય જરૂરિયાત હોય તેવી ચીજવસ્તુઓ આપવામાં આવે છે. ગુંદાળા આસપાસ ઈન્ડસ્ટ્રીઝ એરીયા છે અને ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો પણ સેવાભાવથી મજૂરોને હાલની આંશિક લોકડાઉનની સ્થિતિમાં 50% મજૂરી પણ આપે છે.

ગામમાં નિયમિત ચેકઅપ કરવામાં આવે છે.
ગામમાં નિયમિત ચેકઅપ કરવામાં આવે છે.

ગામમાં સેનિટાઈઝેશન પણ કરવામાં આવે છે
ગુંદાળા ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામમાં ગ્રામ પંચાયતના સંકલનથી સેનિટાઈઝેશન પણ કરવામાં આવે છે. બહારના લોકોને રિપોર્ટ વગર ગામમાં નો-એન્ટ્રી છે. સરપંચ દ્વારા જો ગ્રામજનોને હોસ્પિટલમાં લઈ જવાના થાય તેવા સંજોગોમાં વાહનની વ્યવસ્થા સાથે હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવ્યું છે. ગામમાં કોઈને શરદી, ઉધરસ કે તાવ હોય તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે છે. હજુ સુધી ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ગામના સરપંચને ગામજનો દ્વારા પણ સહયોગ મળે છે અને ગામલોકોની જાગૃતિને કારણે આ દિન સુધી ગુંદાળા કોરોના મુક્ત રહ્યું છે.

કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું.
કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું.
અન્ય સમાચારો પણ છે...