રક્ષાબંધન રવિવારે:આ વર્ષે ભદ્રા દોષ નહીં હોવાને કારણે આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ ગણાશે, રાશિ પ્રમાણે જુદા જુદા રંગની રાખડી બાંધવી શુભ

રાજકોટ9 મહિનો પહેલા

શ્રાવણ સુદ પૂનમને તારીખ 22 ઓગસ્ટને રવિવારે રક્ષાબંધનનો પર્વ મનાવાશે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા દોષ નહીં હોવાને કારણે રક્ષાબંધનનો આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે. રક્ષાબંધનની સાથે નારિયેળી પૂનમ અને જનોઈ બદલાવવા માટેનો પણ શુભ દિવસ છે.

રક્ષાબંધનના દિવસે માછીમારો દરિયામાં શ્રીફળ પધરાવીને દરિયાનું પૂજન કરે છે. આ દિવસે ભૂદેવો અને અન્ય લોકો જનોઈ બદલે છે.. હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષાની પ્રાર્થના કરે છે. બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે થાળીમાં કુમકુમ, હળદર, અક્ષત, રાખડી સાથે કળશમાં પાણી અને આરતી માટે દીવો અને ભાઈની મનપસંદ મીઠાઈ સાથે થાળી સજાવે છે.

ઋગ્વેદીએ શનિવારે તૈત્તિરીય બ્રાહ્મણોએ રવિવારે જનોઈ બદલવી
પંચાંગમાં દર્શાવ્યા પ્રમાણે, જે બ્રાહ્મણ ઋગ્વેદી છે તેમણે તારીખ 21ને શનિવારે જનોઈ બદલવાની રહેશે, જ્યારે શુક્લ યજુર્વેદી તથા તૈત્તિરીય બ્રાહ્મણોએ રવિવારે જનોઈ બદલવી તથા અન્ય સર્વે જે જ્ઞાતિના લોકોએ જનોઈ ધારણ કરી હોય તેમણે રવિવારે રક્ષાબંધનના દિવસે જ જનોઈ બદલવી.

રાખડી બાંધવા માટેના શુભ ચોઘડિયા

 • લાભ: સવારે 9.39થી 11.14 કલાક સુધી
 • અમૃત: સવારે 11.14થી 12.50 કલાક સુધી
 • શુભ: બપોરે 2.25 કલાકથી 4 કલાક સુધી
 • શુભ: સાંજે 7.11થી 8.36 કલાક સુધી
 • અમૃત: રાત્રે 8.36 કલાકથી 10 કલાક સુધી.
 • અભિજિત: બપોરે 12.24થી 1.15 સુધી

રાશિ પ્રમાણે જુદા જુદા રંગની રાખડી બાંધવી શુભ ગણાય છે

 • મેષ: લાલ અને પીળા રંગની
 • વૃષભ: ગુલાબી રંગની રાખડી
 • મિથુન: લીલા અને બ્લૂ રંગની
 • કર્ક: સફેદ અને પીળા રંગની
 • સિંહ: ગુલાબી રંગની રાખડી
 • કન્યા: લીલા અને બ્લૂ રંગની
 • તુલા: બ્લૂ અને મિશ્ર રંગની
 • વૃશ્ચિક: લાલ રંગની
 • ધન: કેસરી રંગની રાખડી
 • મકર: બ્લૂ અને લીલા રંગની
 • કુંભ: બ્લૂ અને ગુલાબી રંગની
 • મીન: પીળા રંગની રાખડી