રૂપાણીના રાજકોટમાં CM ભીંસમાં!:ભૂપેન્દ્ર પટેલની સાદગી કે પછી કોઈ મુખ્યમંત્રીને ગાંઠતા નથી, CMની બાજુમાં બેસવા નેતાઓના અભરખા, એક સોફામાં 4-4 બેસતા ‘દાદા’ દબાઈ ગયા

રાજકોટ10 દિવસ પહેલા
ડાબી બાજુથી ધારાસભ્ય ગોવિંદ પટેલ, ભૂપેન્દ્ર પટેલ, લાખા સાગઠિયા, કમલેશ મીરાણી અને મેયર પ્રદીપ ડવ.
  • મંગળવારે ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં હાજરી આપવા ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવ્યા હતા
  • ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવે ત્યારે પ્રોટોકોલ મુજબ રૂપાણી જૂથના નેતાઓએ હાજર રહેવું પડે છે

મંગળવારે એક ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવ્યા હતા. આ સમયે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના ઘરે પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભીંસમાં આવી ગયા હોય એવી તસવીર સામે આવી છે. બે વ્યક્તિના સોફામાં મુખ્યમંત્રી સહિત ચાર નેતા ખડકાય જતાં ભૂપેન્દ્રભાઈ પટેલ ભીંસમાં આવી ગયા હતા. સંકડામણને કારણે તેઓ પણ ઘડીભર અકળાયા હતા. આ જોતાં એવું લાગે કે આમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સાદગી કહેવી કે પછી હજુ સુધી કોઈ તેને મુખ્યમંત્રી ગણતા નથી.

CM રાજકોટ આવે ત્યારે પ્રોટોકોલ મુજબ નેતાઓએ હાજર રહેવું પડે છે
શિસ્તતા અને સંગઠનની પર્યાય એવી ભાજપ પાર્ટીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં આંતરિક જૂથવાદનો ઊકળતો ચરુ ખુલ્લો પડી ગયો છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની અંદરખાને નારાજગી સ્ટેજ પર જગજાહેર થઈ હતી. ત્યારે રૂપાણી જૂથના શહેર પ્રમુખ હોય કે મેયર હોય, હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવે ત્યારે પ્રોટોકોલ મુજબ તમામને હાજર તો રહેવું જ પડે છે.

લાખા સાગઠિયાના પરિવાર સાથે મુખ્યમંત્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી.
લાખા સાગઠિયાના પરિવાર સાથે મુખ્યમંત્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

રાજકોટના નેતાઓ મુખ્યમંત્રીના હોદ્દાને માન આપવાનું ભૂલ્યા
લાખાભાઈ સાગઠિયાના ઘરે ભૂપેન્દ્રભાઈ પટેલની બાજુમાં બેસવાની નેતાઓ વચ્ચે એવી હોડ લાગી કે મુખ્યમંત્રીને રીતસર ભીંસમાં લઇ લીધા હોય તેવાં દૃશ્યો કેમેરામાં પણ કેદ થયાં હતાં. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને સોફા પર જગ્યા ન મળી તો રીતસર સોફની પાળી પર ગોઠવાઈ ગયા હતા તેમજ ભૂપેન્દ્ર પટેલની બાજુમાં લાખા સાગઠિયા અને ત્યાર પછી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી બેઠા હતા, આથી એક સોફામાં ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત 4 નેતા ગોઠવાતા સોફામાં એક વેતની પણ જગ્યા રહી નહોતી. બીજી તરફ ભૂપેન્દ્રભાઈ પટેલની સાદગી પણ કહી શકાય કે કાર્યકરોની જેમ બધા સાથે બેઠા હતા. જોકે હજુ જાણે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ મુખ્યમંત્રીના હોદ્દાને માન આપવાનું ભૂલ્યા હતા.

રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે શહેર ભાજપ પ્રમુખ અને નીતિન ભારદ્વાજ તેમની ગાડીમાં બેસતા (સર્કલમાં બંને જોવા મળી રહ્યા છે)
રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે શહેર ભાજપ પ્રમુખ અને નીતિન ભારદ્વાજ તેમની ગાડીમાં બેસતા (સર્કલમાં બંને જોવા મળી રહ્યા છે)

પહેલા રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તેની ગાડીમાં કમલેશ મિરાણી અને નીતિન ભારદ્વાજ બેસતા
મુખ્યમંત્રી રાજકોટ આવતા મેયર પ્રદીપ ડવ, સાંસદ મોહન કુંડારીયા, શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં મુખ્યમંત્રી સાથે લગ્ન પ્રસંગમાં જવા તેમની સાથે કારમાં મંત્રી અરવિંદ રૈયાણી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ આવતા એ સમયે તેમની સાથે હર હંમેશ કારમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને નીતિન ભારદ્વાજ જોવા મળતા હતા અને તેઓ આ સમયે મુખ્યમંત્રીના અંગત અને નજીકના માનવામાં આવતા હતા. ત્યારે હવે રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કારમાં ગોવિંદ પટેલ અને મંત્રી અરવિંદ રૈયાણી જોવા મળતા તેઓ અંગત હોવાની ચર્ચા જાગી ઉઠી છે.

ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં આવેલા ભૂપેન્દ્ર પટેલે લાખા સાગઠિયાના ઘરે પહોંચ્યા હતા.
ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં આવેલા ભૂપેન્દ્ર પટેલે લાખા સાગઠિયાના ઘરે પહોંચ્યા હતા.

વડાલિયા પરિવારના લગ્નમાં હાજરી આપી હતી
રાજકોટ નજીક ખીરસરા ખાતે રહેતા નાથાભાઇ કાલરિયા અને વલ્લભભાઇ વડાલિયા પરિવારના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.પારિવારીક નાતો હોવાને કારણે મુખ્યમંત્રી સાંજના સાડા સાત વાગ્યે રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી રોડ માર્ગે ખીરસરા પહોંચ્યા હતા. અહીં સાંસદ મોહન કુંડારિયા, પ્રમુખ કમલેશ મિરાણી, મેયર પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.

મંગળવારે સાંજના સમયે મુખ્યમંત્રી રાજકોટ આવ્યા હતા.
મંગળવારે સાંજના સમયે મુખ્યમંત્રી રાજકોટ આવ્યા હતા.

જિલ્લા ભાજપના અગ્રણીઓને પણ મળ્યા
ખીરસરા ખાતેની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લા ભાજપના અગ્રણીઓને પણ મળ્યા હતા. ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના ઘરે જ્યારે મુલાકાત કરી ત્યારે જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભુૂપેન્દ્રભાઈપટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...