ઓનલાઈન શિક્ષણની સાઈડ ઈફેક્ટ:બાળકોનો સ્ક્રીન ટાઈમ વધતાં આંખોમાં બળતરા, ઊંઘ ન થવી, સ્વભાવ ચીડિયો થયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાથી પહેલા મહિને 4 થી 5 કેસ આવતા હતા, હવે રોજના 100થી વધુ કેસ આવી રહ્યા છે

શહેરમાં સ્ક્રીન ઓન ટાઈમનું પ્રમાણ વધતા બાળકોમાં આંખો બળવી, ઊંઘ ન થવી, ગુસ્સો આવવો, સ્વભાવ ચીડિયો થવો જેવા રોજના 100 થી વધુ કેસ આવી રહ્યા છે. જેનું કારણ એક માત્ર મોબાઈલ છે. સ્ક્રીન ઓન ટાઈમ એટલે મોબાઈલ જેવા ગેજેટની સ્ક્રીન સામે સતત જોવું. કોરોના પહેલા મહિને 4થી 5 કેસ આવતા હતા જે અત્યારે દૈનિક 100 થી વધારે કેસ આવી રહ્યા છે.

બાળકની સ્પીચ પર અસર પડી
નિષ્ણાતના મત અનુસાર સ્ક્રીન ઓન ટાઈમ દૂર કરવા માટે બાળકોને જૂની રમત ચેસ, કેરમ જેવી રમતો રમાડવી તેમજ ક્રાફ્ટ જેવી પ્રવૃત્તિ કરાવી મોબાઈલ જેવા ગેજેટથી દૂર કરી શકાય છે. વર્તમાનમાં બાળકો દ્વારા મોબાઈલના વધુ ઉપયોગને કારણે બાળકોનું શબ્દ ભંડોળ ઘટ્યું, સોશિયલ સ્કિલ તેમજ બાળકની સ્પીચ પર અસર પડી, ભણતર અને સ્વભાવમાં પરિવર્તન આવ્યું, ઊંઘની ક્વોલિટીમાં ફેરફાર જોવા મળ્યા તેમજ ભૂખ પર તેની અસર જોવા મળી.

હેલ્ધી સ્ક્રીન ટાઈમની પરિભાષા 2 કલાક, પરંતુ વર્તમાનમાં બાળકો 7-8 કલાક પસાર કરે છે
સામાન્ય રીતે હેલ્ધી સ્ક્રીન ટાઈમની પરિભાષા 2 કલાકની છે, પરંતુ વર્તમાન સમયમાં બાળકો સરેરાશ 7-8 કલાક મોબાઈલ જેવા ગેજેટનો ઉપયોગ કરે છે. કોરોનાના કારણે બાળક 4-5 કલાક તો ઓનલાઈન ભણતર પાછળ મોબાઈલનો ઉપયોગ કરે છે, તેથી 2 કલાકનો હેલ્ધી ટાઈમ તો અહીં જ પૂર્ણ થઈ જાય છે. તેથી મનોરંજન પાછળ બાળક મોબાઈલનો ઉપયોગ ન કરે તે માટે વાલીએ અન્ય પ્રવૃત્તિઓ જેવી કે ક્રાફ્ટ કરાવવું, કેરમ, ચેસ, સાપસીડી જેવી ગેમ્સ રમાડવી જોઈએ. બાળકોના હાથમાં પર્સનલ મોબાઈલ આવી જતાં તેઓ ગેમ રમવા અને સોશિયલ મીડિયા પાછળ પણ સમય વધુ પસાર કરતા થઈ ગયા છે.

કિશોરી એકલી એકલી વાતો કરવા લાગી હતી
મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે કિશોરી રૂમમાં એકલી રહેતી, પોતાની જાત સાથે વાતો કરતી, પરિવારની વાતોમાં ભાગ ન લે માત્ર ફિઝિકલી સાથે હોય મનથી નહીં જે બાબત ધ્યાનમાં આવતા સાઇકિયાટ્રિક પાસે કાઉન્સેલિંગ કરાવ્યું હતું.- એક વાલી

મોબાઈલના વધતા ઉપયોગને વાલી અવગણે છે
આજે ઘરે ઘરે બાળકોમાં મોબાઈલનું દૂષણ છે, પરંતુ વાલી તે અવગણીને બાળકને મોબાઈલમાં બધું આવડે છે તેવું કહી ગર્વ અનુભવતા હોય છે. જેના કારણે બાળક ગેમના એડિક્શન તરફ વળે છે અને તેની આડઅસરો બાળકોમાં જોવા મળી રહી છે. એક સ્ટડી મુજબ 72 ટકા વાલીને ચિંતા જ નથી. - ડૉ.નીમા સીતાપરા, પીડિયાટ્રિશિયન

મોબાઈલમાં ગેમનું એડિક્શન વધ્યું છે
બાળકો ઓનલાઈન ભણતર બાદના સમયમાં નવું નવું શોધવામાં ગેમના રવાડે ચડે છે અને બાદમાં વાલીનું ધ્યાન ડાઇવર્ટ કરી ગેમના બંધાણી બની જાય છે.સોશિયલ મીડિયા પર પણ વધુ સમય પસાર થતો હોય છે. વાલી આ બાબતને અવગણે છે અને બાદમાં બાળકના કાઉન્સેલિંગ માટે આવે છે. - ડૉ.કમલેશ પટેલ, સાઇકિયાટ્રિક

અન્ય સમાચારો પણ છે...