કાનૂની જંગ:રાજકોટના રાજવી પરિવારમાં 1500 કરોડના મિલકત વિવાદમાં ભાઇ-બહેન આમને-સામને, સિવિલ કોર્ટમાં 20 સપ્ટેમ્બરે વધુ સુનાવણી થશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઠાકોર માંધાતાસિંહ અને બહેન અંબાલિકાદેવીની ફાઇલ તસવીર - Divya Bhaskar
ઠાકોર માંધાતાસિંહ અને બહેન અંબાલિકાદેવીની ફાઇલ તસવીર
  • 7 દિવસ પહેલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટની સુનાવણીમાં બહેન અંબાલિકાદેવી તરફી ચૂકાદો આપ્યો હતો

રાજકોટના રાજવી પરિવારમાં 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મિલકત વહેંચણી મામલે છેલ્લા એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના મુદ્દે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યા છે. આ કાયદાકીય લડત રાજકોટ સિવિલ કોર્ટમાં પહોંચી છે. આજે સિવિલ કોર્ટમાં તારીખ હોવાથી માંધાતાસિંહના વકીલ હાજર રહ્યા હતા અને કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરાવાનો સમય માગ્યો હતો. આથી કોર્ટના જજ એલ.ડી. વાઘે 20 સપ્ટેમ્બરની મુદત આપી છે.

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટે અંબાલિકાદેવી તરફી ચૂકાદો આપ્યો હતો
રાજકોટના 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજા સામે વડીલોપાર્જીત મિલકતમાંથી હક્ક કઢાવી નાખતા રાજકોટ સિવિલ કોર્ટમાં બહેન રાજકુમારી અંબાલિકાદેવી બૂંદેલાએ વાંધા અરજી કરી છે. જેની આજે તારીખ હોવાથી માંધાતાસિંહના વકીલે જવાબ રજૂ કરવા સમય માગતા જજે 20 સપ્ટેમ્બરની મુદત આપી છે. જોકે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. અંબાલિકા દેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિકા દેવી તરફી ચુકાદો આપ્યો હતો. ઠાકોર સાહેબ માંધાતાસિંહે સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બહેન અંબાલિકા દેવીનું નામ કમીની જે નોંધ કરાવી હતી એ નામંજૂર કરતા માંધાતાસિંહને કાનૂની લપડાક લાગી છે.

શું છે સમગ્ર મામલો
રાજ્યના ભૂતપૂર્વ નાણાંમંત્રી અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો છે. જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ એ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે.

માંધાતાસિંહ (જમણી બાજુથી પહેલા), તેમના પિતા સ્વ.મનોહરસિંહ જાડેજા (વચ્ચે) અને પુત્ર જયદીપસિંહની ફાઇલ તસવીર.
માંધાતાસિંહ (જમણી બાજુથી પહેલા), તેમના પિતા સ્વ.મનોહરસિંહ જાડેજા (વચ્ચે) અને પુત્ર જયદીપસિંહની ફાઇલ તસવીર.

વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકેઃ બહેન
સામે રાજસ્થાનનાં પુષ્કરમાં પરણેલા આ રાજકુમારીનું કહેવું છે કે, પિતાનાં અવસાન બાદ પોતે સહ પરિવાર માતાને મળવા રાજકોટ આવ્યા ત્યારે ભાઇએ આશાપુરા મંદિરના રખવાળમાં વારસોની સહીની જરૂર ન પડે એવું બહાનું ધરીને જે કાગળોમાં સહી કરાવી એમાં રિલીઝ ડીડ પણ બનાવડાવી લીધું છે. વાસ્તવમાં મિલકતોમાં તમામ વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકે. જ્યારે આમાં તેમ નથી બન્યું અને રેવન્યુ રેકોર્ડમાંની એ નોંધ વિશે કલમ 135(ડી) મુજબ નોટિસ મળી ત્યારે જાણ થતાં વાંધા અરજી કરવામાં આવી હતી. આવા એક કેસમાં મામલતદારે નામ રદ કરતી નોંધ રદબાતલ ઠરાવી છે.

આ રીતે પિતાએ મિલકતની વહેંચણી કરી હતી
રાજકુમારીએ દિવાની કેસ નોંધાવીને સંયુક્ત હિન્દુ કુટુંબની મજિયારી વારસાઇ મિલકતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા, રિલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા દાદ માગી છે. 31 ઓગષ્ટે તેમાં આગળની સુનાવણી થશે. તારીખ 6 જુલાઈ 2013ના રોજ મનોહરસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાનાં નોટરાઇઝ્ડ વીલમાં ધર્મપત્ની માનકુમારી દેવીને પેલેસમાં ચોક્કસ માર્કિંગવાળો ભાગ, દ્વારકા સ્થિત મકાન (દ્વારકેશ ભુવન) અને રૂપિયા અઢી કરોડ, પુત્રીઓ શાંતિદેવી જાડેજા, અંબાલિકાદેવી બુંદેલા અને ઉમાદેવી પરિહારને રૂપિયા દોઢ-દોઢ કરોડ, પૌત્ર જયદીપસિંહને મુંબઇ સ્થિત બે ફ્લેટ (નરેન્દ્ર ભુવન), પોતાના 13 સહાયકોને કુલ રૂપિયા 30.50 લાખ તેમજ બાકીની તમામ સ્થાવર-જંગમ મિલકત પુત્ર માંધાતાસિંહના નામે કરવામાં આવી હતી.

રાજઘરાનાની આટલી મિલકતનો વિવાદ

મિલકતક્ષેત્રફળબજાર કિંમત
રણજીત વિલાસ પેલેસ30035 ચો.મી.રૂ.300 કરોડ
રાજશ્રુંગી બિલ્ડીંગ(પેલેસ રોડ)2480 ચો.મી.રૂ.49.60 કરોડ
જુનો દરબારગઢ10560 ચો.મી.રૂ.52.80 કરોડ
ગુરુવરદ 1(અમદાવાદ-ભાવનગર બાયપાસ નજીક)800 ચો.મી.રૂ.200 કરોડ
સરધાર દરબારગઢ અને સુરાપુરા મંદિર3225 ચો.મી.રૂ. 3.23 કરોડ
રાંદરડા લેક ફાર્મ140630 ચો.મી.રૂ.210 કરોડ
પીંજરાવાડી24281 ચો.મી.રૂ. 36.42 કરોડ
રાંદરડા છેક ફાર્મને લાગુ જમીન7993 ચો.મી.રૂ.11.98 કરોડ
કુવાડવા રોડ પર જમીન1214 ચો.મી.રૂ.2.18 કરોડ
માધાપર વીડી2328405 ચો.મી.રૂ.873 કરોડ
સરધાર દરબારગઢને લાગુ જમીન5465 ચો.મી.રૂ.1.63 કરોડ
અન્ય સમાચારો પણ છે...