મેઘમહેર:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં શ્રાવણ ખીલ્યો

રાજકોટ, જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત વરાછા વિસ્તારમાં મીનીબજાર મેન રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી. - Divya Bhaskar
સુરત વરાછા વિસ્તારમાં મીનીબજાર મેન રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી.
  • ઊના પંથકમાં ચાર, તાલાલામાં એક કલાકમાં બે ઇંચ, હળવદમાં બે ઇંચ વરસાદ
  • વરસાદના બીજા રાઉન્ડમાં નવસારીથી લઈ સાબરકાંઠામાં મેઘમહેર

ગુજરાતમાં શ્રાવણની શરુઆત બાદ ગુરુવાર રાત અને શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં સારો એવો વરસાદ પડી ગયો. નવસારી જિલ્લાના જલાલપોર અને જૂનાગઢના ઊનામાં 4-4 ઇંચ મેઘ મહેર વરસી. જ્યારે ભાવનરગના મહુવામાં 3 ઇંચ, સુરતમાં પણ 1થી 3 ઇંચ સહિત રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.

શ્રાવણ માસમાં ત્રણ દિવસથી ભાવનગર જિલ્લામાં મેઘમહેર વરસી રહી છે. આજે મહુવામાં માત્ર દોઢ કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે સિહોરમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઉમરાળ અને વલ્લભીપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

ભાવનગર શહેરમાં આજે શ્રાવણી સરવડા સ્વરૂપે 8 મી.મી. વરસાદ વરસી ગયો હતો જ્યારે ગારિયાધારમાં 5 મી.મી. વરસાદ નોંધાયો હતો. સોરઠ અને નાઘેર પંથકમાં બીજા દિવસે પણ મેઘમહેર જોવા મળી હતી અને 1થી 4 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ઊના શહેરમાં 4 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 2 થી 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલાલામાં એક કલાકમાં 2 ઈંચ વરસાદ વરસી ગયો હતો.

મોરબી જિલ્લાના મોટાભાગના શહેરો હળવા ભારે ઝાપટાંથી માંડી બે ઇંચ સુધીના વરસાદથી ભીંજાયા હતા. હળવદમાં સાૈથી વધારે 2 ઇંચ તો જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વાંકાનેરમાં 6 મીમી નોંધાયો હતો. મોરબીમાં 19 મીમી, માળિયામાં 37 મીમી, ટંકારામાં 26 મીમી વરસાદ પડ્યો હતો. હળવદમાં 3 સ્થળે વીજળી પડી હતી અને બે પશુના મોત નીપજ્યા હતા જ્યારે એક ખેતરમાં ટ્રાન્સફોર્મર પર વીજળી ત્રાટકતાં તે સળગી ગયું હતું.

ન્યારી-1, ભાદર-2, મોજ ડેમમાં 0.66 ફૂટ નવાં નીર
રાજકોટ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે ત્યારે 24 કલાકમાં મોજમાં 0.30, ન્યારી-1માં 0.16 અને ભાદર-2 ડેમમાં 0.66 ફૂટ નવા નીરની આવક થઇ હતી. ફોફળ, વાછપરી, વેરી, છાપરવાડી-2, ઇશ્વરિયા, કરમાળ, ઘેલો સોમનાથ અને માલગઢ સહિતના જળાશયો ઉપર 40 મિ.મિ.સુધી વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લામાં જળરાશી 62.53 ટકા થઇ છે. મોરબીમાં બ્રાહ્મણી-2માં 0.49 ફૂટ, હાલારમાં ડાઇ મીણસરમાં 0.46, આજી-4માં 0.16, ફૂલઝરમાં 0.16 નવા નીરની આવક નોંધાઇ હતી.

ખરીફ વાવેતરને ફાયદો
હાલ જે વરસાદ પડ્યો છે. તેનાથી જિલ્લામાં ખરીફ વાવેતરને ફાયદો થશે. છેલ્લા એક-બે અઠવાડિયામાં જ ડાંગર સહિત અન્ય પાકોનું વાવેતર વધુ થયું છે. લુણાવાડામાં 2.5 અને મોરવામાં 2 ઇંચ શહેરામાં 41 મિ.મી, બાલાસિનોરમાં 26 મિ.મી વરસાદ નોંધાતા ખેડૂતોને હાશ થઈ.

24 કલાકના વરસાદી આંકડા
મોરવા 49
શહેરા 41
કાલોલ 7
ઘોઘંબા 4
લુણાવાડા 62
બાલાસિનોર 26
વિરપુર 4

અન્ય સમાચારો પણ છે...