શ્રાદ્ધ:શ્રાદ્ધપક્ષનો મંગળવારથી પ્રારંભ, 24મીએ ભરણી નક્ષત્રનું શ્રાદ્ધ કરાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પૂર્વજોના સ્મરણાર્થે ભાદરવા મહિ‌નામાં 15 દિવસ સુધી મનાવાતા શ્રાદ્ધ પર્વનો ભાદરવા વદ એકમને તારીખ 21મીને મંગળવારથી પ્રારંભ થઇ રહ્યો છે જે તારીખ 6 ઓક્ટોબરને બુધવાર સુધી ચાલશે. ‘ગરુડ પુરાણ મુજબ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર એટલે શ્રાદ્ધ પર્વ. શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિએ કરેલા શ્રાદ્ધ અને પિતૃતર્પણથી પિતૃઓ તૃપ્ત થાય છે. તેમના આશીર્વાદના ફળસ્વરૂપે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે અને સંપત્તિ -સંતતિ તેમજ સુખ શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

પખવાડિયા સુધી શ્રદ્ધાળુઓ પૂર્વજો પ્રત્યેનું ઋણ અદા કરશે અને આ દિવસો દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી. શ્રાદ્ધમાં ભરણી નક્ષત્રના શ્રાદ્ધનું વિશેષ મહત્ત્વ હોય છે. આ શ્રાદ્ધ તારીખ 24મીને શુક્રવારે કરાશે. જે કોઈ વ્યક્તિ કોઈપણ તીર્થયાત્રા ન કરી શક્યા હોય તેની પાછળ આ શ્રાદ્ધ કરવામાં આવે છે.

શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, એકમ તિથિનું શ્રાદ્ધ 21 સપ્ટેમ્બરને મંગળવારે છે, બીજનું શ્રાદ્ધ 22 સપ્ટેમ્બરે, તા.23મીના ત્રીજી તિથિનું શ્રાદ્ધ, તા.24ના ચોથ તિથિ સાથે ભરણી નક્ષત્ર છે, તા.25ના પાંચમ તિથિનું શ્રાદ્ધ છે, તા.26મીના છઠ્ઠ તિથિ, તા.28ના સાતમ તિથિ, તા.29ના આઠમનું શ્રાદ્ધ, તા.30ના નોમ તિથિ, સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ છે.

તા.1 ઓક્ટોબરના દશમ તિથિનું શ્રાદ્ધ, બીજીએ એકાદશી તિથિનું શ્રાદ્ધ, ત્રીજીએ બારસનું શ્રાદ્ધ, તા.4ના સોમવારે તેરસનું શ્રાદ્ધ, તા.5ના મંગળવારે ચૌદશ તિથિનું શ્રાદ્ધ, તા.6 ઓક્ટોબરના બુધવારે અમાસ સર્વેપિતૃનું શ્રાદ્ધ છે. 15 દિવસના શ્રાદ્ધ પર્વ દરમિયાન પૂર્વજો-વડવાઓને યાદ કરીને તેમને શ્રાદ્ધ દ્વારા શ્રદ્ધાંજલિ અપાશે.

અન્ય સમાચારો પણ છે...