રાજકોટ સહિત રાજ્યભરની આરટીઓમાં ગત સપ્ટેમ્બર માસથી સ્માર્ટ કાર્ડની અછત પ્રવર્તી રહી છે. નિયમિતને બદલે છૂટક છૂટક સ્માર્ટ કાર્ડની સપ્લાય ચાલે છે ત્યારે રાજકોટ આરટીઓમાં છેલ્લા જૂન-જુલાઈ બે માસમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપનારા 8 હજાર જેટલા વાહનચાલકના લાઇસન્સ કાર્ડના અભાવે છાપવાના પેન્ડિંગ હતા, પરંતુ તાજેતરમાં જ નવા 4 હજાર કાર્ડ આવતા જૂન માસમાં ટેસ્ટ આપનારા લોકોના લાઇસન્સ છાપવાનું શરૂ થયું છે પરંતુ જુલાઈમાં ટેસ્ટ આપનારા અંદાજિત 4 હજાર જેટલા વાહનચાલકને બીજા નવા સ્માર્ટ કાર્ડ આવ્યા બાદ સંભવત: ઓગસ્ટના અંતે ડ્રાઈવિંગ લાઇસન્સ મળશે.
રાજકોટ આરટીઓમાં દરરોજ 100થી વધુ કાર અને 200થી વધુ ટુ વ્હિલરની ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે. અગાઉ ડ્રાઈવિંગ લાઇસન્સ માટેના કાર્ડ સપ્લાય કરવાનો જે એજન્સીનો કરાર હતો તે પૂર્ણ થયા બાદ નવો કરાર નહીં કરવામાં આવતા રાજ્યની આરટીઓમાં લાઇસન્સ છાપવાની કામગીરી ઠપ થઇ ગઈ હતી. બાદમાં વાહન વ્યવહાર વિભાગે જે એજન્સીનો કરાર પૂર્ણ થઇ ગયો હતો તેને જ વધુ છ મહિના લંબાવવામાં આવ્યો છે. હાલ કાર્ડની છૂટક છૂટક સપ્લાય થઇ રહી છે. રાજકોટ આરટીઓમાં નવા 4 હજાર સ્માર્ટ કાર્ડ આવ્યા છે જેનાથી માત્ર જૂનનો સ્લોટ ક્લિયર થયો છે.
હજુ જુલાઈ માસનો સ્લોટ ક્લિયર થતા એટલે કે જુલાઈમાં ટેસ્ટ આપનાર લોકોને ઓગસ્ટના અંત સુધીમાં લાઇસન્સ મળશે.ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે અગાઉ પરિપત્ર કર્યો છે કે, ડ્રાઈવિંગ લાઇસન્સ સ્માર્ટ કાર્ડ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત Mparivahan અને Digilockerમાં ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાઇસન્સ માન્ય દસ્તાવેજ તરીકે છે.
આ રીતે ડિજિટલ લાઇસન્સ ડાઉનલોડ કરી શકાશે
ડ્રાઈવિંગ લાઇસન્સની અરજી મંજૂર થાય ત્યારે અરજદારને રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એસએમએસ મોકલવામાં આવે છે. આ એસએમએસની સાથે એપ્લિકેશન એપ્રૂવલ લિંકમાં ક્લિક કરવાથી સારથિ પોર્ટલ ખૂલશે, જેમાં પ્રિન્ટ ડ્રાઈવિંગ લાઇસન્સ વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકાય છે. આ ડાઉનલોડ કરેલ દસ્તાવેજ મોટર વ્હિકલ રૂલ્સ, 1989 અંતર્ગત માન્ય છે. અરજદારો આ ઉપરાંત ડીજીલોકર એપ્લિકેશનમાંથી પણ પોતાનું ડ્રાઈવિંગ લાઇસન્સ ડિજિટલ સ્વરૂપે પ્રાપ્ત કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.