બેડી યાર્ડમાં ઉઘડતી બજારે તલની બજારમાં તેજી યથાવત્ રહી હતી. શનિવારે તલનો ભાવ રૂ.3300 બોલાયો હતો. સોમવારે ડિમાન્ડ યથાવત્ રહેતા તલના ભાવે રૂ. 3500ની સપાટી કુદાવી હતી. અંદાજિત 25 મણ જેટલા તલ કે જે સારી ગુણવત્તાવાળા હતા તેનો ભાવ રૂ. 3500થી વધુ બોલાયો હતો. વેપારીઓના જણાવ્યાનુસાર આ તેજી હજુ 15 દિવસ જળવાઈ રહેશે.
ત્યારબાદ ભાવમાં ફરી તેજી આવશે અને તલનો ભાવ રૂ. 4 હજારની સપાટી કુદાવે તેવી સંભાવના છે. ચીકી અને કરિયાણામાં વપરાતા તલની જ અછત છે. જ્યારે બેકરી પ્રોડક્ટમાં જે તલ વપરાય છે તેનો જથ્થો સ્થાનિક અને ફોરેન બન્નેનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ભારે વરસાદને કારણે તલના પાકને નુકસાન ગયું છે.
સામે દેશ-વિદેશમાં ડિમાન્ડ નીકળી હોવાને કારણે ભાવવધારો થયો છે. સોમવારે સફેદ તલની આવક 1180 ક્વિન્ટલ થઇ હતી. જ્યારે તેનો ભાવ રૂ. 2330થી લઇને રૂ. 3500થી વધુ ભાવે બોલાયો હતો. ડિસેમ્બર બાદ ભાવ કાબૂમાં આવશે. સોમવારે કપાસમાં પણ 4600 ક્વિન્ટલ આવક થઇ હતી. અને તેનો ભાવ રૂ.1925 બોલાયો હતો. ગત સપ્તાહે થયેલી મગફળીનો સંપૂર્ણ પણે નિકાલ આજે થઇ જાય તેવી સંભાવના છે. તેથી આજે રાતથી મગફળીની નવી આવક શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.
સિઝનની શરૂઆતમાં બજાર જ રૂ. 2300ના ભાવે ખુલ્લી હતી, બધાને એમ હતું કે, ભાવ હવે વધશે નહિ
સિઝનની શરૂઆત થઈ ત્યારે જ તલના ભાવ રૂ. 2200-2300ની સપાટીએ ખુલ્યા હતા. જે દરેક સિઝન કરતા વધારે હતા. ખૂલતી બજારે ભાવ ઊંચા હોવાથી બધા એવું માનીને બેઠા હતા કે આથી વધુ ભાવ વધે તેવી કોઈ સંભાવના જ નથી. પરંતુ તલમાં નુકસાની હોવાને કારણે આવક ઘટી અને ડિમાન્ડ નીકળતા ભાવ વધ્યા. હજુ ભાવ વધે તેવી સંભાવના છે.
લસણ-ચણાના ભાવમાં સ્થિર વલણ, તમામ જણસીના ભાવમાં તેજી
હાલ યાર્ડમાં 40થી વધુ જણસીની આવક થઇ રહી છે. જેમાં લસણ અને ચણાના ભાવમાં જ સ્થિર વલણ જોવા મળી રહી છે. આ અંગેનું કારણ આપતા વેપારીઓ જણાવે છે કે, લસણમાં સૌથી મોટો વેપાર એમ.પી.માં હોય છે. હાલ ત્યાંથી આવક પૂરતા પ્રમાણમાં છે. જો ત્યાંથી ડિમાન્ડ નીકળશે તો લસણના ભાવમાં તેજી આવશે. જ્યારે ગત સિઝનમાં ચણાનું ઉત્પાદન અને આવક બન્ને વધારે હતા. હજુ વેપારીઓ પાસે સ્ટોક છે. એટલે ભાવમાં સ્થિર વલણ જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.