તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાથી પરિવર્તન:સાતમ- આઠમમાં લોકોએ ટ્રેનનું બુકિંગ ટાળ્યું, મુસાફરી માટે વ્યક્તિગત વાહનને વધુ સુરક્ષિત માને છે

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અત્યારે સૌથી વધુ બિહાર, યુપી,મથુરા અને હરિદ્વાર જવા માટે ધસારો

કોરોનાને કારણે રજાના દિવસોમાં ફરવા જવાના સ્થળ અને જવા માટે માધ્યમમાં બદલાવ આવ્યો છે. કોરોના પૂર્વે સાતમ-આઠમના 120 દિવસ પહેલા બધી ટ્રેન એડવાન્સ બુકિંગથી હાઉસફુલ થઇ જતી હતી અને તેમાં તત્કાલ ટિકિટ મેળવવી પણ મુશ્કેલીજનક બની જતું તેના બદલે અત્યારે સાતમ- આઠમને 43 દિવસ બાકી છે તો પણ બધી ટ્રેન ખાલી છે અને સીટ અવેલેબલ છે. અત્યારે સૌથી વધુ ધસારો બિહાર,મથુરા, દિલ્હી, યુપી જવા માટેનો છે. રાજકોટ જંક્શનેથી રોજ 300 મુસાફર મુસાફરી કરી રહ્યા છે.

સામાન્ય રીતે જન્માષ્ટમીની રજામાં ઓખા-એર્નાકુલમ, વેરાવળ-ત્રિવેન્દ્રપુરમ, હાપા-મંડગાવ, જામનગરથી તિરૂનલવેલી ટ્રેનમાં સાતમ- આઠમ દરમિયાન સૌથી વધુ ધસારો રહેતો હોય છે. જેમાં ગોવા રૂટની ટ્રેનનું બુકિંગ ખૂલે તેની 5 જ મિનિટમાં બધી સીટ હાઉસફુલ થઇ જતી હોય છે તેના બદલે આ વખતે સ્લિપર, સીટિંગ, થ્રી ટાયર, ટુ ટાયર એસી વગેરેમાં બુકિંગ થયું નથી. વેરાવળ- ત્રિવેન્દ્રપુરમ ટ્રેન 26 ઓગસ્ટ, હાપા-મંડગાવ 25 ઓગસ્ટ, જામનગરથી તિરૂનલવેલી 27 ઓગસ્ટના રોજ ઉપડશે. હાલ આ બધી ટ્રેનમાં બુકિંગ ખાલી હોવાનું રેલવે વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.

આરટીપીસીઆર અને બદલાતા નિયમને કારણે લોકો માસ ટ્રાન્સપોર્ટેશન ટાળી રહ્યા છે
કોરોનાને કારણે રેલવેમાં મુસાફરી માટે કેટલાક રાજ્યોમાં આર.ટી.પી.સી.આર. ફરજિયાત કરવામાં આવ્યો છે. આવન- જાવન બન્ને વખતે આર.ટી.પી.સી.આર. રજૂ કરવો પડે છે. આ નિયમથી લોકોમાં કચવાટ છે. તેમજ રોજ- રોજ નિયમો બદલાય છે તેના નોટિફિકેશન આવે છે. સ્પષ્ટતાના અભાવને કારણે અને જો અચાનક લોકડાઉન લાગે તો ગમે ત્યારે ફસાઇ જવાનો અને હેરાનગતિનો ભય સતત રહે તેને કારણે લોકો ટ્રેનમાં મુસાફરી ટાળી રહ્યા છે. હાલ કોરોનાના કેસ ઘટ્યા છે ત્યારે લોકો નજીકના સ્થળ જેમ કે, સાસણ, કચ્છ, ગીર, સોમનાથ જેવા ફરવાલાયક સ્થળ પર જઇ રહ્યા છે. સાથે લોકોમાં એવો ભય પણ જોવા મળી રહ્યો છે કે, જો કોરોનાની ત્રીજી લહેર આવે તો ટ્રેનમાં કરેલું બુકિંગ રદ કરવું પડે. તેમજ રિફંડ મેળવવા માટે હેરાનગતિનો સામનો કરવો પડે આ બધા કારણોસર લોકો કોરોના બાદ ફરવા જવા માટે ટ્રેનમાં મુસાફરી ટાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...