કાર્યવાહી:મોરબીના પ્રથમ ગુજસીટોકના ગુનામાં પકડાયેલા સાત આરોપી રિમાન્ડ પર

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મમુદાઢીની હત્યા બાદ આરિફ મીરની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાવતરું રચી ગુનાઓને અંજામ આપતી ટોળકીઓ સામે ગુજસીટોકનો કાયદો અમલમાં મુક્યો છે. આ કાયદો અમલમાં આવતાની સાથે જ જિલ્લાઓમાં ગંભીર ગુનાઓ આચરતી ટોળકીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે મમુદાઢીની હત્યાના ગુનામાં 18 આરોપીઓ સામે ફરિયાદ નોંધાયા બાદ સંડોવાયેલી આરિફ મીર ગેંગે અગાઉ હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગ, ફરજમાં રુકાવટ, ધમકી, ખંડણી, જમીનના બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનાઓ આચર્યા હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે કેસમાં ગુજસીટોકની કલમનો ઉમેરો કર્યો હતો, જે ગુનામાં આરિફ મીર ગેંગના રિયાઝ ઇકબાલ જુણાચ, મુસ્તફા ઉર્ફે મુસ્તુ દાદુ ઉર્ફે દાઉદ દાવલિયા, રફિક રજાક માંડવિયા, ઇસ્માઇલ યારમામદ બ્લોચ, ઇરફાન યારમામદ બ્લોચ, રિયાઝ રજાક ડોસાણી, એઝાઝ આમદ ચાનિયાને ઝડપી લઇ ધરપકડ કરી હતી.

દરમિયાન આરિફ મીર ગેંગે ક્યાં ક્યાં ગુના આચર્યા છે. ગુના થકી પૈસા કોની પાસેથી પડાવ્યા છે, ગુનામાં મેળવેલી રકમ ક્યાં રાખી છે, ક્યાં રોકાણ કર્યું છે, કેટલી મિલકતો વસાવી છે તે સહિતની વિગતો એકઠી કરવા મોરબી પોલીસ સાતેય આરોપીને રિમાન્ડની માગણી સાથે ગુજસીટોકના કેસ માટે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાયેલા સ્પે. પી. પી. તુષાર ગોકાણી મારફત રાજકોટની ખાસ અદાલતમાં રજૂ કરાયા હતા. જ્યાં સ્પે. પી. પી. ની રજૂઆતને ધ્યાને લઇ આરોપી રિયાઝ જુણાચ અને મુસ્તફા ઉર્ફે મુસ્તુ દાવલિયાને 20 દિવસના, રફિક માંડવિયાને 10 દિવસના અને ઇસ્માઇલ બ્લોચ, ઇરફાન બ્લોચ, રિયાઝ ડોસાણી, એઝાઝ ચાનિયાના છ દિવસના રિમાન્ડ મંજૂર કરી મોરબી પોલીસ હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...