રાજકોટના અધિક સેશન્સ જજ પી. કે. લોટીયાએ માઘ્યમિક શૈક્ષણિક બોર્ડ, દિલ્હીના નામનું બોગસ બોર્ડ બનાવી સમગ્ર ભારતમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બની 54 સ્કુલો ચલાવતા 4 આરોપીઓની ધરપકડ બાદ એક મહિલા સહીતના બે આરોપીઓની જામીન અરજી રદ કરી છે.
શું હતી ઘટના
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર 20 દિવસ પહેલા જયંતિ સુદાણી નામનો વ્યકિત સૌરાષ્ટ્ર ઈન્ટીટયુટ ઓફ ઈલેકટ્રોનીક ટેકનોલોજી ( એસ.આઈ.ઈ.ટી.) નામની બોગસ સંસ્થાના લેટર પેડ ઉપર રૂા. 15,000માં અર્ધશિક્ષીત વ્યકિતઓને જોઈતી ડીગ્રીઓના સર્ટીફીકેટો વેચાતા આપતા હોવાની માહિતી મળતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જયંતિ સુદાણીની ઓફીસે રેઈડ કરેલ. આ રેઈડ દરમ્યાન એસ.આઈ.ઈ.ટી.ની અનેક માર્કશીટો મળી આવેલ અને આવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં હોવાનું જણાયેલ નહીં.
બોગસ સંસ્થાના લેટર પેડ મળી આવ્યા
આથી ક્રાઇમ બ્રાન્ચે જયંતિ સુદાણીની ધરપકડ કરી રીમાન્ડ માંગી હતી. જે મંજુર થતા પોલીસ રીમાન્ડ દરમ્યાન જયંતિ સુદાણીની દિલ્હીથી માઘ્યમિક શિક્ષણ બોર્ડ નામની બોગસ સંસ્થા ચલાવતી તનુજા સીંગ નામની મહિલા સાથે સાંઠગાઠ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ક્રાઇમ બ્રાન્ચે જયંતિ સુદાણી અને તનુજા સીંગ વિરુઘ્ધ બીજો ગુન્હો નોંધ્યો હતો અને તેમાં પારસ અશોકભાઈ લાખાણી નામનો વ્યકિત પણ મળી આવ્યો હતો. જે ટ્રસ્ટના નેજા હેઠળ સ્કુલો ચલાવી દિલ્હી બોર્ડ નામની બોગસ સંસ્થાના લેટર પેડ ઉપર માર્કશીટો આપવામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું હતું.
બોગસ શૈક્ષણિક બોર્ડની પ્રવૃતિઓ ચાલતી હતી
જેથી પોલીસે જયંતિ સુદાણી, પારસ લાખાણી, તનુજા સીંગની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી અને આ તપાસ દરમ્યાન બોગસ એજયુકેશન બોર્ડના નેજા હેઠળ અનેક વિદ્યાર્થીઓને ખોટી માર્કશીટ આપી લાખો રૂપીયાનું કૌભાંડ બહાર આવેલ. જે નામથી ટ્રસ્ટ બનાવવામાં આવેલ હતું તેવુ કોઈ ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયેલ ન હતું. આવા બોગસ ટ્રસ્ટમાં પારસ લાખાણીએ લાખો રૂપીયા મેળવી કેતન જોષી નામની વ્યકિતને ટ્રસ્ટી તરીકે દાખલ કરી બોગસ સ્કુલો અને બોગસ શૈક્ષણિક બોર્ડની પ્રવૃતિઓ ચાલુ રાખેલ હતી. સરકાર તરફે જિલ્લા વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરેલ હતી. જેને ઘ્યાને લઈ અધિક સેશન્સ જજે આરોપી પારસ અશોકકુમાર લાખાણી અને તનુજા સીંગ ચૌધરીની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.